Get The App

ધમકીઓથી ધમાચકડીઃ મુંબઈ આવતી વધુ 2 ઈન્ટરનેશનલ ફલાઈટમાં બોમ્બની ધમકી

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
ધમકીઓથી ધમાચકડીઃ મુંબઈ આવતી વધુ 2 ઈન્ટરનેશનલ ફલાઈટમાં બોમ્બની ધમકી 1 - image


પોકળ ધમકીઓ માટે એકની ધરપકડ છતાં પણ સિલસિલો યથાવત

ફ્રેન્કફર્ટ અને ઈસ્તંબુલથી આવતી ફલાઈટ્સમાં બોમ્બની ધમકીઓ બાદ વિમાનમાંથી પ્રવાસીઓને નીચે ઉતારી તપાસ

મુંબઈ - ફલાઈટ્સમાં ઉપરાછાપરી ધમકીઓથી એજન્સીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે અને પ્રવાસીઓ પણ ચિંતામાં મૂકાયા છે. મુંબઈ આવતી વધુ બે ઈન્ટરનેશનલ ફલાઈટ્સમાં  બોમ્બ હોવાની ધમકી ગુરુવારે મળી હતી. અગાઉ, છત્તીસગઢથી  પોકળ ધમકીઓ આપનારા એક કિશોરની ધરપકડ બાદ પણ હજુય ફલાઈટ્સને સતત ધમકીઓ મળી રહી છે. તેના કારણે પારાવાર હાલાકી સર્જાઈ રહી છે. ત્રણ દિવસમાં નવ અને ૨૪ કલાકમાં ૧૯ ફલાઈટ્સને ધમકી મળ્યા બાદ વધુ બે ફલાઈટ્સને ધમકી મળી છે. 

આ પહેલાં બુધવારે ઈન્ડિગો, સ્પાઈસ જેટ ચઅકાસાની સાત ફલાઈટને બોમ્બની આવી જ ધમકી મળી હતી. ફ્રેન્કફર્ટથી મુંબઈ આવતી વિસ્તારાની ફલાઈટમાં ૧૩૪ પ્રવાસી અને ૧૩ ક્રૂ મેમ્બર હતા. આ ફલાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા તેને તરત જ સુરક્ષા તપાસ માટે લઈ જવામાં આવી હતી, એમ એરલાઈન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેજ સમયે તુર્કીના ઈસ્તુંબુલથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગો ફલાઈટને પણ બોમ્બની ધમકી મળી હતી. ત્યારબાદ તેને તપાસ માટે નિર્જન સ્થળે લઈ જવામાં આવી હતી.

એરલાઈને જણાવ્યું હતું કે '૧૬ ઓક્ટોબરના ફ્રેન્કફર્ટથી મુંબઈ જઈ આવતી ફલાઈટ યુકે ૨૮ને સોશિયલ મીડિયા પર સુરક્ષા બાબતે ધમકી મળી હતી.

આથી પ્રોટોકોલ મુજબ સંબંધિત તમામ અધિકારીઓને તરત જ જાણ કરવામાં આવી હતી. મુંબઈ છત્રપતી શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કર્યુ ંહતું.

વિસ્તારાએ નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાનને નિર્જન જગ્યાએ લઈ જઈ તમામ પ્રવાસીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિક્યુરિટી એજન્સીને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ.

જ્યારે બુધવારે ફ્રેન્કફર્ટથી ઉડાણ કરનાર વિમાને ગુરુવારે સવારે ૭.૪૫ વાગ્યે મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈસ્તાંબુલથી મુંબઈ આવતી ફલાઈટ ૬ઈ ૧૮ને સુરક્ષા સંબંધિત ચેતવણી મળી હતી. વિમાનમાંથી પ્રવાસીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.



Google NewsGoogle News