Get The App

કોલાબામાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ સહિત આઠ સ્થળે બોમ્બની ધમકી

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
કોલાબામાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ સહિત આઠ સ્થળે બોમ્બની ધમકી 1 - image


બોમ્બ વિસ્ફોટની ધમકીનો ચાલુ રહેલો સિલસિલો

મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઇમેલની સ્પેશ્યલ ટીમ તપાસ કરશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ, વરલીમાં નેહરુ સાયન્સ સેન્ટર સહિત આઠ સ્થળે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકીભર્યા ઇમેલની તપાસ કરવા માટે પોલીસે સ્પેશ્યલ ટીમ બનાવી છે, એમ ેક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.

કોલાબા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ વધુમાં કહ્યું હતું કે 'પોલીસની વિશેષ ટીમ આઇપી એડ્રેસ પરથી ઇમેલ મોકલનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે. એક જ ઇમેલ આઇડી પરથી જુદી જુદી જગ્યાએ મેલ મોકલવામાં આવ્યા હતા. જોકે ઇમેલ મોકલનાર આરોપીની ઓળખ હજી સુધી થઈ નથી.

કોલાબામાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમના મેનેજમેન્ટને ઇમેલ મળ્યા બાદ અજાણ્યા વ્યક્તિ સામે ફસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધવામાં આવી હતી. આ ઇમેલમાં મ્યુઝિયમ ઉપરાંત વરલીમાં નહેરુ સાયન્સ સેન્ટર, ભાયખલામાં રાણીબાગ સહિત કુલ આઠથી વધુ સ્થળોએ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઇમેલમાં ઉલ્લેખ કરાયેલા સ્થળોએ પણ આવી જ ધમકી મળી હતી. 

આ ધમકીની જાણ થયા બાદ પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ), એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) અને અન્ય સિક્યુરિટી એજન્સીએ મ્યુઝિયમ અને અન્ય સ્થળો ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. અહીં પોલીસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ તમામ જગ્યાએ તપાસમાં બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આમ છેવટે ધમકી અફવા પુરવાર થઈ હતી.

કોલાબા પોલીસે મ્યુઝિયમ મેનેજમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૫(૧)(બી), ૫૦૬(૨),૧૮૨ હેઠળ અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.

નોંધનીય છે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈ પોલીસના હેલ્પલાઇન નંબર પર અજાણી વ્યક્તિએ કોલ કરી શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી. 

નવા વર્ષે શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થશે એવું કહીને તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો.

આ સિવાય અગાઉ અનેક વખત પોલીસને ધમકીભર્યા ઇમેલ અને ફોન કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News