નિર્મલાના રાજીનામાંની માંગ સાથે રિઝર્વ બેન્ક સહિત 11 સ્થળે બોમ્બની ધમકી

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
નિર્મલાના રાજીનામાંની માંગ સાથે રિઝર્વ બેન્ક સહિત 11 સ્થળે બોમ્બની ધમકી 1 - image


ખિલાફત ઇન્ડિયાને નામે  રિઝર્વ બેન્કને મળ્યો ઇ-મેલ

એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેંકમાં પણ બોમ્બ વિસ્ફોટની ધમકી, નિર્મલા પર ભ્રષ્ટાચારનો આરોપઃ શક્તિકાંતા દાસનું પણ રાજીનામું માગ્યું

મુંબઇ :  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) સહિત મુંબઇમાં કુલ ૧૧ ઠેકાણે બોમ્બ મૂકાયાની ધમકી ભર્યો ઇ-મેલ આરબીઆઇના ઓફિશિયલ ઇ-મેલ પર આવતા ખળભળાટ મચી ગયો હતો. આ મેલમાં આરબીઆઇ, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેંક સહિત કુલ ૧૧ ઠેકાણાઓ પર આજે બપોરે દોઢ વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થશે તેવી ધમકી આફવામાં આવી હતી.

આ સાથે જ આ મેલમાં નાણા પ્રધાન નિર્મલા સિતારામન અને આરબીઆઇના ગવર્નર શક્તિકાંતદાસના રાજીનામાની પણ માગણી કરવામાં આવી હતી. ખિલાફત ઇન્ડિયાને નામે આવેલા આ મેલ બાદ પોલીસે વ્યાપક તપાસ હાથ ધરી હતી પણ કાંઇ વાંધાજનક શંકાસ્પદ વસ્તુ ન મળી ન આવતા એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આરબીઆઇના ઓફિશિયલ મેલ પર બોમ્બ મૂકાયા બાબતની ધમકી- ભર્યો મેલ મળતા ખળભળાટ મચી ગયો હતો. આરબીઆઇ તરફથી આ બાબતની જાણ મુંબઇ પોલીસને કરવામાં આવતા પોલીસે બોમ્બ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસ તપાસમાં કાંઇ વાંધાજનક મળ્યું નહોતું. આ ધમકી ફક્ત એફવા પુરવાર થયા બાદ પોલીસે આ મેલ ક્યાંથી આવ્યો હતો અને કોણે મોકલ્યો હતો તેની વધુ તપાસ હાથ ધરી છે. આરબીઆઇને મળેલા મેલમાં અનેક વાતો જણાવવામાં આવી હતી જેમા નાણા પ્રધાન નિર્મલા સિતારામને દુનિયાનો સોથી મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. તેમજ સિતારામને ભારતીય બેંકોને લૂંટી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે નહી તો અમે પગલા ઉપાડશું  તેવી ધમકી પણ આપવામાં આવી હતી.

મુંબઇ પોલીસે આ ઇ-મેલ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન આવા ધમકીભર્યા ઇ-મેલ અને ફોન મુંબઇ પોલીસને અવારનવાર આવે છે. જો કે પહેલીવાર આરબીઆઇ બાબતે ધમકી ભર્યો મેલ મળતા પોલીસે વિરિન એક્શન લઇ તપાસ હાથ ધરી છે. આ પહેલા તાજ હોટલ અને મંત્રાલય ઉડાવી દેવાની ધમકી પણ પોલીસને મળી હતી. જો કે આ તમામ ધમકીઓ ફક્ત અફવા પૂરવાર થઇ હતી.



Google NewsGoogle News