નાગપુરમાં સૈન્ય માટે બોમ્બ-મિસાઈલો બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટઃ નવનાં મોત

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
નાગપુરમાં સૈન્ય માટે બોમ્બ-મિસાઈલો બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટઃ નવનાં મોત 1 - image


સવારે પ્રચંડ વિસ્ફોટથી નાગપુર શહેર હચમચી ગયું

મૃતકોમાં છ મહિલા સામેલઃ વિસ્ફોટની પ્રચંડ અસરથી સમગ્ર પ્લાન્ટની ઈમારત ધરાશયી થઈ ગઈ

મુંબઈ: નાગપુરમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં આજે સવારે જોરદાર વિસ્ફોટ થતા નવ જણ મોતને ભેટયા હતા. વિસ્ફોટક બનાવતી કંપનીમાં કામદારો પેકીંગનું કામ કરી રહ્યા હતા. ત્યારે બ્લાસ્ટ થયો હતો.આ કંપની સૈન્ય માટે મિસાઈલ, બોમ્બ સહિતના વિસ્ફોટકો, ડ્રોન તથા અન્ય સરંજામનું પણ ઉત્પાદન કરે છે. આ વિસ્ફોટથી નાગપુર શહેર હચમચી ઉઠયું હતું. ડેપ્યુટી સીએમ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી વિસ્ફોટકો નિષ્ક્રિય બનાવાયા બાદ મૃતદેહો બહાર લાવવામાં આવ્યા હતા. 

નાગપુરના બજારગાંવ ખાતે લશ્કર માટે શસ્ત્રોનું ઉત્પાદન કરતી ઓર્ડનન્સ ફેકટરીમાં આજે સવારે અંદાજે નવ વાગ્યે આ ઘટના બની હતી. કંપનીના ં કાસ્ટ બુસ્ટર -૨ યુનિટમાં કામ કરતા બારમાંથી નવ જણનું મૃત્યુ થયું હતું. આ પ્લાન્ટની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. કોલ માઈન્સ માટે વપરાતાં બૂસ્ટર્સ પેક થઈ રહ્યાં હતાં. તેને સીલ કરવાની કામગીરી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. 

ધડાકામાાં ગંભીર ઈજા થતા યુવરાજ ચારોડે, ઓમેશ્વર મચ્છિર્કે, મિતા ઉઈકે, આરતી સહારે, શ્વેતાલી મારબતે, પુષ્પા માનપુરી, ભાગ્યશ્રી લોણારે, રુમિતા ઉઈકે, મૌસમ પટલેનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ જણ ઘાયલ થયા હતા.તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું. 

કંપની વતી સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે સવારે નવ વાગ્યે એચઆર-સીપીસીએચ ટૂ ( મિક્સિંગ, મેલ્ટિંગ એન્ડ કાસ્ટિંગ) બિલ્ડિંગમાં આગ લાગી હતી. તેમાં નવનાં મોત થયાં છે. 

કંપની મૃતકોના પરિવારનો તમામ સહાય પૂરી પાડશે. ભવિષ્યમાં તપાસ કમિટી રચાય તો તેની ભલામણોનો પણ અમલ કરાશે એમ આ નિવેદનમાં જણાવાયું હતું. 

ઘટનાની માહિતી મળતા નાગપુર પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમો ફેક્ટરી ખાતે પહોંચી હતી અને અગ્નિ શમનની કામગીરી હાથ ધરી હતી. જોકે, વિસ્ફોટકો ધરાવતાં પરિસરમાં આગની ઘટનાને કારણે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ બોલાવાઈ હતી. તેમણે વિસ્ફોટકો નિષ્ક્રિય બનાવ્યાં તે પછી અગ્નિ શમન તથા મૃતદેહો શોધવાની કામગીરી આગળ ધપાવાઈ હતી. 

આ બનાવ બાદ નાગપુરના કલેકટર, આઈજી, એસપી ઘટનાસ્થળે ધસી ગયા હતા. બાદમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 

રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક મૃતકના પરિવારને રૂ.પાંચ લાખની મદદ જાહેર કરવામાં આવી હતી. આ મામલાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગત ઓગસ્ટ મહિનામાં કંપનીમાં કચરાના નિકાલ દરમિયાન આગ લાગી હતી. આગમાં એક કામદારનું ગંભીરપણે દાઝી જતા મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક કામદાર જખમી થયો હતો. આ ઘટનાના પાંચ મહિનામાં આજે મોટો વિસ્ફોટ થતા હાહાકાર મચી ગયો હતો.

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે કંપનીમાં નુકસાનનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. આ કંપની પરિસર તથા આસપાસના વિસ્તારોમાં સલામતી નિશ્ચિત કરવાનાં પગલાં માટે તપાસ હાથ ધરવામાં આવી છે. 


Google NewsGoogle News