ભૂતપૂર્વ વડા પ્રધાનના નિધનથી બોલીવૂડમાં શોકની લહેર
અભૂતપૂર્વ વિનમ્રતા, બુદ્ધિમતા અને સૌમ્ય વ્યક્તિત્વ
રજનીકાંત, કમાલ હસન, અનિલ કપૂર, અનુપમ ખેર સની દેઓલ સહિતના કલાકારોની દિવંગત નેતાને અંજલિ
ભારતના આર્થિક સુધારાના પ્રણેતા અને ઘડવૈયા માનવામાં આવતા ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધન પર દેશ શોક મનાવી રહ્યો છે. ૧૯૯૧માં નાણા પ્રધાન તરીકે અને ૨૦૦૪થી ૨૦૧૪ દરમ્યાન વડા પ્રધાન તરીકે સેવા આપનાર અને ભારતના આર્થિક માળખાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર સદ્ગત નેતાને અંજલિ આપવામાં દેશની અન્ય હસ્તીઓ સાથે બોલીવૂડ પણ જોડાયું હતું. રજનીકાંત, કમાલ હસન, ચિરંજીવી, મનોજ બાજપેયી સહિત બોલીવૂડના અનેક ફિલ્મી સિતારાઓએ તેમની હાર્દિક સંવેદના વ્યક્ત કરી તેમજ તેમને એક ઈમાનદાર અને વિનમ્ર રાજનેતા તરીકે યાદ કર્યા.
કમાલ હસને સિંહને ભારતના પનોતા પુત્ર તરીકે વર્ણવીને તેમની લાખોનું સશક્તિકરણ કરનાર તેમજ નબળા લોકોનો ઉદ્ધાર કરનાર પરિવર્તનકારી નીતિઓની પ્રશંસા કરી. રજનીકાંતે ચેન્નઈ એરપોર્ટ પર વાત કરતા તેમને એક મહાન વ્યક્તિ અને આર્થિક આર્થિક સુધારક ગણાવ્યા હતા. ચિરંજીવીએ વડા પ્રધાન તરીકેની બે મુદત દરમ્યાન મનમોહન સિંહના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરીને તેમની સાથે થયેલી અંગત વાતચીતને પ્રેરણાદાયી ગણાવી હતી.
સની દેઉલ, મનોજ બાજપેયી અને અનિલ કપૂર જેવા અન્ય કલાકારોએ આર્થિક સુધારા માટે સિંહના યોગદાન અને તેમની અદ્વિતીય બુદ્ધિમતા તેમજ વિનમ્રતાની પ્રશંસા કરી હતી. ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં મનમોહન સિંહની ભૂમિકા નિભાવનાર અનુપમ ખેરએ તેમના માટે ઊંડા લાગણી વ્યક્ત કરી હતી જ્યારે કાજોલ,સંજય દત્ત અને રિતેશ દેશમુખે સિંહની ગરિમા અને વિકાસની વિરાસતની પ્રશંસા કરી.
અલ્લુ અર્જુન, અનુષ્કા શર્મા,સ્વરા ભાસ્કર,દિલજીત દોસંજ, ઝોયા અખ્તર, ઈમ્તિયાઝ અલી, અર્જુન કપૂર,ભૂમિ પેડણેકર, વિજય વર્મા, અલી ફઝલ, સામંથા રૃથ પ્રભુ, શેફાલી શાહ, આયુષમાન ખુરાના, રણદીપ હૂડા, પરિણીતી ચોપરા, નવાઝુદ્દી સિદ્દીકી, સોનમ કપૂર અને વીર દાસ સહિત અનેક સેલિબ્રિટીઓએ ભારતીય રાજકરણ અને સમાજ પર સિંહના સ્થાયી પ્રભાવ વિશે સોશિયલ મીડિયા પર પોતાના મત વ્યક્ત કર્યા. આદરના પ્રતીક તરીકે સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરનું ટીઝર મુલતવી રાખવામાં આવ્યું હતું જે સદ્ગત નેતા માટે વ્યાપક સન્માનનું પ્રમાણ છે.