બોલીવૂડમાં ફલોપ નેહા શર્મા રાજકારણમાં ઝંપલાવે તેવી શક્યતા
- નેહાના ધારાસભ્ય પિતાએ સંકેત આપ્યો
- બિહારના ભાગલપુરથી કોંગ્રેસની ઉમેદવાર બને તેવી અટકળોએ જોર પકડયું
મુંબઈ: બોલીવૂડમાં ફલોપ ગયેલી અને હાલ સોશિયલ મીડિયા પર પોતાના અતિશય બોલ્ડ ફોટોઝના કારણે જ વધારે ચર્ચામાં રહેતી અભિનેત્રી નેહા શર્મા કદાચ રાજકારણમાં ઝંપલાવે તેવી સંભાવના છે.
નેહાના પિતા અજય શર્મા બિહારમાં ધારાસભ્ય છે. તેમણે આપેલા સંકેત અનુસાર નેહા કદાચ ભાગલપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. વિપક્ષી ગઠબંધન દ્વારા આ બેઠક કોંગ્રેસને ફાળવવામાં આવશે તો નેહા અહીંથી ઉમેદવાર બનશે તેમ તેના પિતાએ કહ્યું હતું.
નેહા પોતાની કારકિર્દી દરમિયાન તૂમ બિન ટૂ, જોગીરા સા રા રા રા, યંગિસ્તાન, ક્યા કૂલ હૈ હમ જેવી ગણીગાંઠી ફિલ્મો કરી ચૂકી છે. તેની કોઈ ફિલ્મ ખાસ સફળ થઈ નથી અને બોલીવૂડમાં તેણે ખાસ ઓળખ પણ ઊભી કરી નથી. આથી, તે બોલીવૂડને તિલાંજલિ આપી રાજકારણમાં ઝંપલાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે યંગીસ્તાન ફિલ્મમાં નેહાએ એક યુવાન રાજકારણની પત્નીની જ ભૂમિકા અદા કરી હતી અને આ ફિલ્મમાં તે ચૂંટણી પ્રચાર કરતી હોય તેવાં દ્રશ્યો પણ હતાં.
હાલ નેહા સોશિયલ મીડિયા પર પોતાના અતિશય બોલ્ડ ફોટા શેર કરતી રહે છે અને તેના કારણે તે સોશિયલ મીડિયા પર બહુ મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે.