વસઈ આઝાદનગરમાં બોગસ આયુર્વેદિક ડોક્ટર ઝડપાયો
કોઈ ભણતર વિના ક્લિનિક ચલાવતો હતો
મહાપાલિકાના આરોગ્ય અધિકારીની ફરિયાદ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો
મુંબઈ : વસઈ-વિરારમાં બોગસ ડોકટરોનો વ્યાપ બેફામ રીતે વધી રહયો હોય એવું જોવા મળે છે.વસઈ-વિરાર મહાનગરપાલિકાએ વધુ એક બોગસ ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરી છે.
વસઈના નવઘર-ઈસ્ટના આઝાદ નગર વિસ્તારમાં કોઈપણ મેડિકલ સટફિકેટ વગર આયુર્વેદિક ક્લિનિક ચલાવવામાં આવી રહયું હોવાનું સામે આવ્યું હતું.એથી આ મામલામાં વસઈની માણિકપુર પોલીસ મથકમાં કેસ નોંધવામાં આવ્યો હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.
વસઈ-વિરારનું શહેરીકરણ ઝડપી રીતે વધી રહયું છે.ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં બોગસ ડોકટરો અને દવાખાના ઉભા થવા લાગ્યા છે. ગેરકાયદેસર બાંધકામો સાથે બોગસ ડોક્ટરો પણ સામે આવી રહયા છે.
તાજેતરમાં વસઈના નવઘર આરોગ્ય ટીમે નવઘર-ઈસ્ટના આઝાદ નગર વિસ્તારમાં ઇસ્તેખાર શેખ નામના વ્યક્તિએ કોઈપણ પ્રકારની મેડિકલ સટફિકેટ વગર જ મિલાપ યુનાનીના નામથી આયુર્વેદિક દવાખાનું ચલાવી રહ્યો હોવાનું બહાર પાડયું હતું.આ કેસમાં નવઘર સિવિલ હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.સુનિતા પટેલે માણિકપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદના આધારે પોલીસે બોગસ ડોક્ટર ઇસ્તેખાર શેખની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરાઈ છે.