ત્રીજા દિવસે સર્ચ ઓપરેશનમાં સાત વર્ષીય બાળકનો મૃતદેહ મળ્યો
- નીલકમલ બોટ અકસ્માતમાં મૃત્યુઆંક 15 થયો
- નૌકાદળે આ મામલે સઘન તપાસના આદેશ આપ્યા
મુંબઈ : મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી પેસેન્જર બોટનો બુધવારે સાંજે નૌકાદળની બોટ સાથે અથડાતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાના ત્રીજા દિવસે સર્ચ ઓપરેશન દરમિયાન ગેટવે નજીકથી સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે ૧૫ થઈ ગયો છે.
મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી બુધવારે સાંજે એલિફન્ટા જતી નીલકમલ પેસેન્જર બોટ ઉરણ કરંજા પાસે પહોંચતા નૌકાદળની સ્પીડ બોટે ટક્કર મારી હતી. જેના કારણે નીલકમલ બોટ પલ્ટી ખાઈ ગઈ હતી અને પાણીમાં ગરકાવ કરી ગઈ હતી. નવા એન્જિન પરીક્ષણ દરમિયાન નેવીની સ્પીડ બોટે નિયંત્રણ ગુમાવતા દુર્ઘટના બની હતી.
આ દુર્ઘટનામાં નૌકાદળના ત્રણ કર્મચારીઓ સહિત ૧૩નાં મોત થયાં હતાં. તો બે ઘાયલ સહિત ૯૮ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ બાદ બે લોકો ગુમ હોવાથી તેના માટે બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ગુરુવારે સાંજે ૪૩ વર્ષીય શખ્સનો મૃતદેહ કરંજા ઘાટ નજીકથી મળી આવ્યો હતો. જો કે, સાત વર્ષીય બાળકની કોઈ ભાળ ન મળતા ત્રણ દિવસથી તેને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ત્રીજા દિવસે સર્ચ ઓપરેશન દરમિયાન ગેટવે નજીકથી સાત વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે ૧૫ થઈ ગયો હતો.
ભારતીય નૌકાદળ અને મહાનગરપાલિકાએ પૃષ્ટિ કરી હતી કે મળી આવેલ મૃતદેહ સાત વર્ષીય જોહાન પઠાણનો જ છે. જે ગોવાનો રહેવાસી હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
આ દુર્ઘટના બાદ નૌકાદળ દ્વારા લેવામાં આવેલ નવા એન્જિનના પરિક્ષણ અંગે ટીકા વધી ગઈ હોવાથી આ અંગે નૌકાદળના એડમિરલ દિનેશ કુમારે શુક્રવારે પશ્ચિમ નૌકા કમાન્ડના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી હતી.
આ દુર્ઘટના અંગે ભારતીય નૌકાદળને બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપ્યા છે. તો કોલાબા પોલીસ સ્ટેશને પણ આ અકસ્માત બાદ નેવી સ્પીડ બોટ ડ્રાઈવર અને આ દુર્ઘટના માટે જવાબદાર તમામ સામે ગુનો નોંધ્યો હતો.
આ દુર્ઘટનામાં બચી ગયેલા સાકીનાકાના રહેવાસી ૨૨ વર્ષીય નાથારામ ચૌધરીએ આ અંગે બુધવારે મોડી રાત્રે કોલાબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધાર ે પોલીસે આ મામેલ બેદરકારીથી મૃત્યુ, અન્યની સલામતી અથવા જીવનને જોખમમાં મૂકતી ક્રિયાઓ, અવિચારી અથવા જનતાને નુકસાન સંબંધિત આરોપનો સમાવેશ થાય છે.
નીલકમલ પેસેન્જર બોટની ક્ષમતા ૯૦ મુસાફરોની હોવા છતાં તેમાં ૧૧૦ થી વધુ મુસાફરો સવાર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. તેથી હવે મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડે નીલકમલ ફેરીનું લાઈસન્સ અને તેનું સર્વેક્ષણપત્ર પણ રદ્દ કર્યું છે.