કુવૈતની આગમાં મૃત્યુ પામેલા મુંબઈના યુવાનનો મૃતદેહ પરિવારને સોંપાયો
મલાડના માલવણી વિસ્તારના ડેનીના લગ્નની તૈયારી ચાલતી હતી
ચાર વર્ષ પૂર્વે કુવૈત ગયેલો અને એકાઉન્ટ્સનું કામ સંભાળતો હતો
મુંબઈ: કુવૈતમાં વિકરાળ આગમાં માર્યા ગયેલા ૪૫ ભારતીયોમાંના એક ડેની કરુણાકરનના પાર્થિવ દેહને શનિવારે પરોઢિયે શહેરમાં લવાયો હતો. પાર્થિવ દેહને શબઘરમાં રખાયો છે અને અંતિમ ક્રિયા રવિવારે ચારકોપના કબ્રસ્તાનમા કરવામાં આવશે, એમ તેના પિતા બેેબી કુટ્ટીએ આપી હતી. તેઓ માલવણી વિસ્તારના રહેવાસી છે.
છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરોઢયે ૩.૪૫ વાગ્યે ડેની (૩૩)નો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપાયો હતો. તેના પિતાના જણાવ્યા અનુસાર ડેની ચાર વર્ષ પહેલાં કુવૈત ગયો હતો અને એનબીટીસીમાં એકાઉન્ટ્સ અને સેલ્સ સંકલનનું કામ કરતો હતો.
બે મહિના પહેલાં તેની સાથે વાત થઈ હતી અને તેના લગ્ન નક્કી કરવાની યોજના કરી હતી. તેને બે વર્ષ પહેલાં મળ્યો ત્યારે તે ફ્લેટ શોધી રહ્યો હતો અને તેના માટે મહેનત કરતો હતો. તેના મૃત્યુથી પરિવાર, મિત્રો અને પાડોશીઓને આઘાત લાગ્યો છે, એમ દુખી પિતાએ જણાવ્યું હતું.
ડેની દક્ષિણ મુંબઈની વિલ્સન કોલજમાં ભણતો હતો અને કેરળના પુનાલરુની બાઈબલ કોલેજમાં વધુ અભ્યાસ માટે ગયો હતો.
કુવૈતના મનગાફ ખાતે સાત માળની ઈમારતમાં આગ લાગતાં ૪૯ વિદેશીઓના મોત થયા હતા જેમાં ૪૫ ભારતીયોના મોત થયા હતા.