સૂટકેસમાં લાશ પ્રકરણઃ હત્યાનું લાઈવ રેકોર્ડિંગ થયું, દુબઈ વીડિયો કોલ કરાયો
2 મૂકબધિરો દ્વારા અન્ય મૂકબધિરની હત્યાના કેસમાં પોલીસ ચકરાવે ચઢી
પ્રણય ત્રિકોણમાં હત્યાની પોલીસને આશંકા પણ દુબઈથી સોપારી અપાયાનો મૃતકના પરિવારનો આક્ષેપઃ બંને આરોપીઓ 12મી સુધી રિમાન્ડ પર
મુંબઇ : દાદર સ્ટેશને સૂટકેસમાં મૃત દેહ મળી આવવાના પ્રકરણમાં બે મૂકબધિર મિત્રો દ્વારા ત્રીજા મૂકબધિર મિત્રની હત્યા થયાનું ખુલ્યા બાદ હવે એવી માહિતી બહાર આવી છે કે એક આરોપી જય ચાવડાએ આ સમગ્ર હત્યાનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ ઉપરાંત આ હુમલા વખતે જ દુબઈ વીડિયો કોલ કરાયો હોવાનું પણ કહેવાય છે. પોલીસ આ વીડિયોની સત્યતા સહિતની બાબતો ચકાસી રહી છે.
એક ખાનગી કંપનીના એનિમેટર જય ચાવડા તથા અન્ય આરોપી શિવજીત સિંહ બંનેને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેમના તા. ૧૨મી ઓગસ્ટ ુસધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
મૂળ કાલીનાના રહીશ અર્શદઅલી સાદિકઅલી શેખને પાયધૂનીમાં બોલાવાયો હતો. ત્યાં તેની માથામાં હથોડી મારી હત્યા કરાઈ હતી. રવિવારે મધરાતે જય ચાવડા અર્શદની ડેડબોડીને સૂટકેસમાં પેક કરી કોંકણ તરફ ફેંકવા માટે તુતારી એક્સપ્રેસમાં રવાના થતો હતો. તે વખતે હેવી બેગના હેન્ડિલિંગમાં તકલીફ થતી જોઈ તથા બેગમાં લોહીના ટીપાં જોઈ શંકાના આધારે એક આરપીએફ જવાને તેને અટકાવ્યો હતો. તેના આધારે આ સમગ્ર હત્યાનો પર્દાફાશ થયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલા મિત્ર બાબતે થયેલી તકરારમાં મારામારી બાદ ઉશ્કેરાટમાં આ હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસને એક વીડિયો મળ્યો છે જેમાં એક વ્યક્તિ અર્શદને મારી રહ્યાનું જણાય છે. આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરાવવામાં આવશે.
અત્યાર સુધીના ઘટનાક્રમ પ્રમાણે એવું જણાય છે કે શિવજિતસિંહે અર્શદને માથામાં હથોડી મારી તેની હત્યા કરી હતી. બાદમાં જયને તેની લાશનો નિકાલ કરવાનું કામ સોંપ્યું હતું. પોતાના પર હત્યાનું આળ ન આવે તે માટે જયે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. બીજી તરફ અર્શદના પરિવારે એવો દાવો કર્યો હોવાનું કહેવાય છે કે આ હત્યા વખતે દુબઈ લાઈવ વીડિયો કોલ કરાયો હતો. જયે વીડિયો શા માટે રેકોર્ડ કર્યો તે રહસ્ય
જયનો દાવોઃ પોતે દારુ લેવા બહાર ગયો ત્યારે શિવજિતે હત્યા કરી હતી
શિવજિતે જય પર દબાણ કર્યું, લાશનો નિકાલ કરવા તારે જ જવું પડશે
મુંબઇ તા.૭
જય ચાવડાએ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે હત્યા શિવજીતે જ કરી છે. પોતે તો માત્ર તેના દબાણ હેઠળ લાશનો નિકાલ કરવા જ ગયો હતો.
જયના દાવા અનુસાર રવિવારે તેના પાયધુનીના ઘરમાં શિવજીત અને અર્શદ બન્ને દારૃ પીવા બેઠા હતા. જય જ્યારે બહાર દારૃ લાવવા ગયો તે દરમિયાન શિવજીત અને અર્શદમાં જોરદાર વિવાદ અને ઝપાઝપી થઇ હતી. ગુસ્સામાં શિવજીતે ત્યાં રાખેલી હથોડી અર્શદના માથામાં ફટકારી દીધી હતી. તે આટલેથી જ રોકાયો નહોતો અને તેમે ત્યાં રાખેલ એક કાચ ફોડી તેનાથી અર્શદ પર વાર કર્યા હતા.
જયના દાવા અનુસાર પોતે બહારથી આવ્યો ત્યારે તેણે આ દ્રશ્ય જોયું હતું અને તે હેબતાઇ ગયો હતો. તેણે તરત જ આ સમગ્ર ઘટના નેતા મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી. આ ઘટના બાદ શિવજીતે જય ને ધમકાવી લાશને ઠેકાણે પાડવા તેના પર દબાણ લાવ્યો હતો. તેથી જય તેના દબાણને વશ થઇ પાયધુનીથી ટેક્સી પકડી સીએસએમટી તૂતારી એક્સપ્રેસ ટ્રેન પકડવા આવ્યો ત્યારે પકડાઇ ગયો હતો.જયે કયા ઈરાદાથી વીડિયો રેકોર્ડિંગ કર્યું તેની તપાસ પોલીસ ચલાવી રહી છે. આ કેસમાં પકડાયેલા બન્ને આરોપી મૂક-બધિર હોવાથી પોલીસને વધુ તપાસમાં તકલીફ આવી રહી હોવા છતાં સાઇન લેગ્વેજના એક્સપર્ટની મદદથી આ સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરાઇ રહી છે.દુબઈથી અપાયેલી સોપારી પ્રમાણે હત્યા થઈ હોવાનો આરોપ તેમણે કર્યો હતો.