બીએમસીના આસિ. એન્જિનિયર 3 લાખની લાંચ લેતાં ઝડપાયા
10 લાખની માગણી કરી 6 લાખમાં સોદો નક્કી કર્યો
પે એન્ડ યુઝ સ્કીમ હેઠળ સાર્વજનિક શૈચાલય બાંધવાની બે અરજી મંજૂર કરવા માટે લાંચ માંગી
મુંબઈ : મુંબઈના એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ઈ વોર્ડના મહાનગરપાલિકાના સહાયક એન્જિનિયરને ૫૦ વર્ષીય કોન્ટ્રાક્ટર પાસેથી રુ. ૩ લાખની લાંચ લેવાના આરોપમાં તેની ધરપકડ કરી હતી.
વિગત મુજબ, કોન્ટ્રાક્ટરે મહાનગરપાલિકાની પે એન્ડ યુઝ સ્કીમ હેઠળ સાર્વજનિક શૌચાલય નિર્માણ પ્રોજેક્ટ માટે મંજૂરી માંગી હતી. જેનું સંચાલન ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ દ્વારામાં કરવામાં આવે છે.
એસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદી છેલ્લા પચ્ચીસ વર્ષથી શૌચાલય બાંધકામ અને જાળવણી માટે મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટમાં સંકળાયેલા છે. તેથી તેણે મહાનગરપાલિકાના ઈ વોર્ડ, ભાયખલામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ અને રે રોડ રેલવે સ્ટેશન પાસે શૌચાલય નિર્માણ પ્રોજેક્ટ માટે અરજીઓ કરી હતી.
જેમાં ઘન કચરા વ્યવસ્થાપન વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર બાગવેએ ઓકટોબર ૨૦૨૪માં આ પ્રોજેક્ટ મંજૂર કરવા માટે કથિત રીતે રુ. ૧૦ લાખની માંગણી કરી હતી. જ્યારે કોન્ટ્રાક્ટરે આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવી ત્યારે બાગવેએ લાંચની રકમ ઘટાડીને રુ. ૬ લાખ કરી દીધી હતી.
આ ઘટના બાદ કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે એસીબી અધિકારીઓએ ઈ વોર્ડમાં છટકુ ગોઠવ્યું હતું અને બાગવેની તેની કેબિનમાં રુ. ૩ લાખની લાંચ લેતા રંગે હાથ પકડયો હતો.