Get The App

જોખમી ઈમારતો ખાલી કરાવવા બીએમસી સુપ્રીમમાં ધા નાખશે

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
જોખમી ઈમારતો ખાલી કરાવવા બીએમસી સુપ્રીમમાં ધા નાખશે 1 - image


- 63 ઈમારતો ખાલી કરવાની પાલિકાની નોટિસને રહીશોનો પડકાર

- ચોમાસામાં ધરાશયી થવાની સંભાવના ધરાવતી ઈમારતો ખાલી કરાવવા માટે પણ પાલિકાને કાનૂની લડતની નોબત

મુંબઇ : જર્જરિત ઇમારતોના મુદ્દે ટૂંક સમયમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા સુપ્રીમ કોર્ટમાં જશે તેવું એક અધિકારીએ કહ્યું હતું. હાલમાં ૬૩ જોખમી જર્જરિત ઇમારતોના રહેવાસીઓ ઘર ખાલી કરવાની પાલિકાની નોટિસને પડકારવા કોર્ટમાં ગયા છે.

તાજેતરમાં પ્રિ-મોન્સૂન સર્વે (ચોમાસુ અગાઉના તંત્રની સજ્જતાના પગલે) પછી મહાનગર પાલિકાએ ૧૮૮ જર્જરિત ઇમારતોને જોખમી ગણાવી હતી અને ૮૪ ઇમારતોને ખાલી કરાવવામાં સફળતા મળી હતી. અન્ય ૧૦૪ ઇમારતમાંથી ૪૧ ઇમારતના રહેવાસીઓને મહાનગરપાલિકાએ નોટિસ મોકલી છે. જ્યારે ૬૩ ઇમારતના રહેવાસીઓએ કોર્ટમાં ધા નાખી છે.

મહાનગરપાલિકાના એક અધિકારીએ કહ્યું કે 'ઘર છોડી દેવા વીજળી અને પાણીપુરવઠો કાપી નાકવા જેવા કડક પગલાં ભરવામાં આવ્યા છે. છતાં તેમને કોઈ ફરક પડતો નથી. માનવતા અમે રાખીએ છે. જો ભારે વરસાદ દરમિયાન ઇમારત તૂટી પડે તો કોણ જવાબદારી લેશે.? આ પ્રશ્નના ઉકેલ માટે અમે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં ધા નાખીશું.

છેલ્લા બે વર્ષમાં મહાનગરપાલિકાએ ૪૯૩ ઇમારતને સી-વન સ્ટ્રક્ચર્સ શ્રેણીમાં વર્ગીકૃત કરી છે. જે મકાનમાં રહેવંુ જોખમી હોય તેવા મકાનોને સી-વન શ્રેણીમાં ગણવામાં આવે છે. ૨૮૯ જોખમી બિલ્ડિંગોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. પશ્ચિમી પરાંઓમાં ૧૪૪, પૂર્વના પરાંઓમાં ૪૭ અને દક્ષિણ મુંબઈમાં ૨૭ જોખમી ઇમારત છે.

જર્જરિત ઇમારતોની યાદી પાલિકાની વેબસાઇટ પર જોઈ શકાય છે. ૩૦ વર્ષથી જૂની ઇમારતોનું ઓડિટિંગ કરી શકાય છે અને દર વર્ષે પાલિકા સરવે કરે છે અને ઇમારતોને વિવિધ શ્રેણીમાં વર્ગીકૃત કરે છે. બિલ્ડિંગનું ડિમોલિશન કરવું જોઈએ કે રિપેરિંગની છૂટ આપવામાં આવે છે.


Google NewsGoogle News