દિલ્હીમાં બેઠા બેઠા મુંબઈની તાજ હોટલ ઉડાડી દેવાની ધમકી

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં બેઠા બેઠા મુંબઈની તાજ હોટલ ઉડાડી દેવાની ધમકી 1 - image


- મુંબઈ પોલીસ બોમ્બ મૂકાયાના ખોટા ફોનથી ભારે ત્રાસી ગઈ

- ફાયર બ્રિગેડ કન્ટ્રોલને ધમકીભર્યો કોલઃ આરોપીએ પોલીસ કન્ટ્રોલને ૨૮ વખત ફોન કર્યા

મુંબઈ : મુંબઈ પોલીસને બોમ્બ વિસ્ફોટની પોકળ ધમકીના ફોન સતત મળી રહ્યા છે. આવા વધુ એક બનાવમામં  મુંબઈની પ્રખ્યાત હોટેલ તાજમાં બોમ્બ સ્ફોટ કરવાની ધમકીભર્યો કોલ કરનારા નવી દિલ્હીના યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ મુંબઈ ફાયર બ્રિગેડ કન્ટ્રોલને ફોન કર્યો હતો. પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ '૧૪ ઓક્ટોબરના રાતે ૮.૩૦ વાગ્યે એક વ્યક્તિએ મુંબઈ ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું હતું કે 'હોટેલ તાજમાં બોમ્બ રાખવામાં આવ્યો છે. આ હોટેલમાં બોમ્બ સ્ફોટ કરવામાં આવશે, તમે જે કરવું હોય તે કરી શકો છો. પછી ફાયર બ્રિગેડે તાત્કાલિક મુંબઈ પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસ, બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ હોટેલ તાજમાં પહોંચી ગયા હતા.

પોલીસે એક કલાક સુધી હોટેલમાં બોમ્બની શોધખોળ કરી હતી. પરંતુ કંઈ મળ્યું નહોતું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બોમ્બ વિશે નનામા ફોન કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કોલરનો નંબર ચેક કર્યો હતો. 

દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે ફાયર બ્રિગેડને ફોન કરતા પહેલાં મુંબઈ પોલીસ કન્ટ્રોલને ૨૮ વખત ફોન કર્યો હતો.

પોલીસે કોલ રેકોર્ડ અને અન્ય માહિતીના આધારે નવી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા ધરમપાલ સિંહ (ઉં.વ.૩૬)ની ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસે આ વર્ષે સેંકડો ધમકીભર્યા ફોન આવ્યા છે. અગાઉ ૩૧ ઓગસ્ટે મંત્રાલયને ઉડાવી દેવાની ધમકી આપતો  ફોન આવ્યો હતો. આ ફોન અહમદનગરના રહેવાસી બાલકૃષ્ણ ઢાકણેએ કર્યો હોવાનું માલૂમ પડયું હતું.

૬ ઓગસ્ટના મુંબઈમાં ટ્રેનમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટના ધમકી મુંબઈ પોલીસ કંટ્રોલને આપવામાં આવી હતી. જૂહુમાંથી ફોન કરનારને પકડવામાં આવ્યો હતો.

આ સિવાય ગત શુક્રવારે એમએમઆરડીએ બિલ્ડિંગના પાર્કિંગમાં કારમાં બોમ્બ હોવાની ધમકી આપનારા ટેક્સી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી.


Google NewsGoogle News