ભંડારામાં ઓર્ડિનન્સ ફેકટરીમાં બ્લાસ્ટ : 8નાં મોત, 7 ઘાયલ
5 કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાતા ભયનો માહોલ
આગ લાગ્યા બાદ ધરાશયી થયેલી ઈમારતના કાટમાળ હેઠળ વધુ લોકો દટાયા હોવાની આશંકાઃ એનડીઆરએફની ટીમ તૈનાત
મુંબઈ - મહારાષ્ટ્રના ભંડારામાં આજે વિસ્ફોટક બનાવની કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં આઠ લોકો માર્યા ગયા હતા અને સાત ઘાયલ થયા હતા. ધડાકા બાદ આગ લાગી હતી અને એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. આમ કાટમાળ નીચે વધુ લોકો દબાયેલા હોવાની શંકા છે. બીજી તરફ બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની મદદ લેવામાં આવી છે. આ ઘટનામાં મૃતકની સંખ્યા વધી શકે છે.
મહારાષ્ટ્રના વિદર્ભમાં ભંડારા જિલ્લાના જવાહર નગરમાં ઓર્ડનન્સ ફેકટરી આવેલી છે. ફેકટરીમાં એલટીપી સેકશનમાં આજે સવારે અંદાજે ૧૦.૩૦ વાગ્યે વિસ્ફોટ થયો હતો એમ પોલીસ અને જિલ્લા સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
જ્યારે જિલ્લા કલેકટર સંજય કોલ્ટેએ કહ્યું હતું કે આ ઘટના બની તે સમયે યુનિટમાં ૧૩ થી ૧૪ કામદારો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ બાદ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી અને મકાન તૂટી પડયું હતું. આમ કામદારો કાટમાળ નીચે પણ દબાઇ ગયા હતા.
વિસ્ફોટના અવાજ અંદાજે પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમ રાહત કામગીરી માટે ધસી ગઇ હતી.
તેમની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
એનડીઆરએફ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે બચાવ કામગીરી માટે વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમામ લોકોની સલામતી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 'ફેકટરીમાં ૧૩ થી ૧૪ કામદારો દબાયા છે. જ્યારે પાંચ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આઠ પ્રારંભિક માહિતી મુજબ વિસ્ફોટમાં મૃત્યુઆંક આઠ થયો છે અને સાત ઘાયલ છે.
જ્યારે જિલ્લા કલેકટર સંજય કોલ્ટેએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અને પાંચ ઘાયલ લોકોને બચાવી લેવાયા છે.
કાટમાળ નીચે હજુ ચારથી પાંચ લોકો દબાયેલા છે તે માટે બચાવ કામગીરી ચાલું છે.
ચાર મૃતક કામદારની ઓળખ ચંદ્રશેખર ગોસ્વામી (ઉ.વ.૫૯), મનોજ મેશ્રામ (ઉ.વ.૫૫), અજય નાગદેવે (ઉ.વ.૫૧), અંકિત બારાઇ (ઉ.વ.૨૧) તરીકે થઇ છે. જ્યારે એન.પી. વંજારી (ઉ.વ.૫૫) સંજય રાઉત (ઉ.વ.૫૧), રાજેશ બડવાઇક (ઉ.વ.૩૩), સુનિલ કુમાર યાદવ (ઉ.વ.૨૪), જયદીપ બેનર્જી (ઉ.વ.૪૨) ઘાયલ થયા હતા.
પોલીસે બનાવની નોંધ લીધી છે. વિસ્ફોટ ચોક્કસ કેવી રીતે થયો એની તપાસ હાથ ધરવામાં આવી છે.