રાયગઢમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટઃ 3 કામદારના મોત, 3 ઘાયલ
ધડાકાનો અવાજ 1 કિલોમીટર દૂર સુધી સંભળાયો
રોહા પાસે ઘાટાવ એમઆઈડીસીની સાધાના નાઈટ્રોકેમમાં વેલ્ડિંગ કામ વખતે મિથેનોલ ધરાવતી સ્ટોરેજ ટાંકીમાં વિસ્ફોટ
મુંબઇ : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગુરુવારે એક કેમિકલ ફેકટરીમાં વેલ્ડિંગ કામ દરમિયાન મિથેનોલ ભરેલી સ્ટોરેજ ટાંકીમાં વિસ્ફોટ થતા ત્રણ કામદારના મોત અને અન્ય ત્રણ જખમી થયા હતા. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
રાયગઢના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ સોમનાથ ઘારગેએ જણાવ્યું હતું કે મુંબઇથી લગભગ ૧૧૦ કિમી દૂર રાયગઢના રોહા ખાતે ઘાટાવ એમઆઇડીસીમાં સાધના નાઇટ્રોકેમ લિમિટેડ કંપનીમાં આજે સવારે ૧૧.૧૫ વાગ્યે બની હતી.
કંપનીમાં અત્યત જવલનશીલ મિથેનોલ ધરાવતી સ્ટોરેજ ટાંકીમાં કામદારો વેલ્ડીંંગનું કામ કરી રહ્યા હતા. તે સમયે સ્પાર્કને કારણે આગ ભભૂકી હતી. ટાંકીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.
જેના લીધે ઉતર પ્રદેશના બાસુકી યાદવ (ઉ.વ.૪૫), દિનેશકુમાર ખરબાન (ઉ.વ.૬૦), સંજીવકુમાર (ઉ.વ.૨૦) અને અન્ય ત્રણ કામદાર ગંભીર પણે જખમી થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ યાદવ, દિનેશકુમાર, સંજીવ કુમારનું મોત નિપજ્યું હતું.
ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે નવી મુંબઇના ઐરોલીના નેશનલ બર્ન્સ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની માહિતી મળતા ફાયરબ્રિગેડ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યાહતા. તેમણે અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાર બાદ કુલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.