નાગપુરમાં આઈસ ફેકટરીમાં બ્લાસ્ટઃ 70 વર્ષીય કામદારનું મોત, ત્રણ ઘાયલ
- એમોનિયા ગેસ લીક થવાને કારણ વિસ્ફોટે
- મહારાષ્ટ્રમાં વધુ એક ફેક્ટરી દુર્ઘટનાઃ ગેસ પ્રસરી જતા આસપાસનાના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
મુંબઈ ; મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક અકસ્માતોની ચાલુ વણઝારમાં નાગપુરમાં એક ફેકટરીમાં ગેસ લીક થવાથી થયેલા વિસ્ફોટમાં ૭૦ વર્ષીય કામદારનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. ગેસના લીધે ફેકટરીની ાસપાસનો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો હતો.
નાગપુરના ઉપ્પલ વાડી વિસ્તારમાં બાલાજી આઈસ ફેકટરીની માલિકી વિજય શાહુની છે. ગત જૂનથી ઉત્પાદન બંધ છે. ફેકટરની પહેલા માળે કામદારો રહે છે. ફેકટરી અઠવાડિયામાં બે દિવસ થોડા કલાકો માટે ખુલ્લી રહે છે.
પરિવાર સાથે વિજય બહાર ગયો હતો. જ્યારે તેનો ભત્રીજો અજય ફેકટરીનું કામ સંભાળી રહ્યો હતો.
કામદારોસ ગઇકાલે સાંજે સાફ સફાઈ કરી રહ્યા હતા તે સમયે એમોનિયા ગેસ લીક થયો હતો. પરિણામે એમોનિયા ગેસ સ્ટોરેજ ટાંકીમાં વિસ્ફોટ થયો હતો.
આ ધડાકામાં ડુંગરસિંહ રાવત (ઉ.વ.૭૦), સાવન બધેલ (૫૫), ખેમુસિંહ, નયન આર્યને ઈજા થઈ હતી.
વિસ્ફોટની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી. તેમણે ફેકટરીમાંથી ચાર જણને બહાર કાઢ્યા હતા. તેમને હોસ્પિટલમાંસ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રાજસ્થાનના ડુંગરસિંહનું મોત થયું હતું. ધડાકાથી ફેકટરીની દીવાલ અને વાહનો કાચ તૂટી ગયા હતા.
એમોનિયા ગેસ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. આથી લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. અહીં પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.