Get The App

ક્રિકેટ મેચ માટે પોલીસ બંદોબસ્ત ફી રદ કરવામાં દાળમાં કાળું : હાઈકોર્ટ

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
ક્રિકેટ મેચ માટે પોલીસ બંદોબસ્ત ફી રદ કરવામાં દાળમાં કાળું : હાઈકોર્ટ 1 - image


આયોજકોને ફીની જાણ હતી જ , પુરોગામી અસરથી લાભ કેમ આપ્યો

અન્ય શહેરોમાં અને મુંબઈમાં કંઈ ફરક નથી? એમસીએ અને બીસીસીઆઈને સોગંદનામું દાખલ કરવા નિર્દેશ

મુંબઈ :  મહારાષ્ટ્રમાં ૨૦૧૧ની પૂરોગામી અસરથી ક્રિકેટ મેચ દરમ્યાન લાગુ પોલીસ સંરક્ષણ ચાર્જને માફ કરવા અને તેમાં ઘટાડો કરવાના નિર્ણય પર બોમ્બે હાઈકોર્ટે મંગળવારે સવાલ કર્યા હતા અને દાળમાં કંઈ કાળું હોવાનું જણાવ્યું હતું.

રાજ્યમાં આવી મેચો યોજીને રાજ્યની તિજોરીને આર્થિક લાભ કરાવવાની દ્રષ્ટીએ નિર્ણય લીધો હોવાનું સરકારે જણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે અન્ય રાજ્યોમાં સરખામણીએ સિક્યોરિટી ફી બહુ ઓછી છે.

આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ જનહિત અરજી કરીને રાજ્ય સરકારે ૨૦૧૧થી ક્રિકેટ મેચમાં પોલીસ રક્ષણના ચાર્જ ઘટાડવાના લીધેલા નિર્ણયને પડકાર્યો હતો. 

રાજ્ય સરકાર મુંબઈમાં યોજાતી મેચને કાનપુર કે લખનઉ જેવા શહેરોમાં યોજાતી મેચ સાથે કઈ રીતે સરખાવી શકે એવું આશ્ચર્ય કોર્ટે વ્યક્ત કર્યું હતું. મુંબઈમાં યોજાતી મેચનો સુરક્ષા ખર્ચ લખનઉમાં યોજાતી મેચ જેટલો હોય છે? આનો શું ખુલાસો છે? કંઈક ગડબડ છે, એમ મુખ્ય ન્યા. ઉપાધ્યાયે સવાલ કર્યો હતો.

રાજ્ય સરકાર વતી વરિષ્ઠ વકિલ મિલિન્દ સાઠેએ કોર્ટને જણાવ્યું હતું કેે અન્ય રાજ્યોમાં ઓછા દર સંબંધે ક્રિકેટ એસોસિયેશન દ્વારા માગણી કરીને વિરોધ થઈ રહ્યો છે. આથી પુરોગામી અસરથી નિર્ણય લેવાયો છે. કોર્ટે નોંધ કરી હતી  કે જ્યારે મેચ થતી ત્યારે આયોજકોને જાણ હતી કે તેમણે ચૂકવણી કરવાની છે. તમે ચાર્જ વિના સિક્યોરિટી આપી શકતા હતા પણ તમને સરકારી  ઠરાવ (ભૂતકાળમાં સિક્યોરિટી કવર માટેના ચાર્જ નક્કી કરવા) જારી કરીને તેમને જાણ કરી કે તમારે ચાર્જ આપવો પડશે. તેમણે મેચ યોજી અને દસ વર્ષ બાદ તમે ફીમાં ફેરફાર કરો છો, એમ કોર્ટે  ઠપકો આપ્યો હતો. 

કોર્ટ ૧૭ ડિસેમ્બરે સુનાવણી રાખીને બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) અને મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ)ને અરજીના જવાબમાં સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.



Google NewsGoogle News