મહારાષ્ટ્રમાં મહાયુતિની લહેર વચ્ચે CM કોણ તે અંગે કોયડો યથાવત્, અજિત-શિંદે બ્લેકમેઈલ નહીં કરી શકે
- લોકસભામાં રકાસ બાદ વિધાનસભામાં અનેકગણું જોર દેખાડયું, 80 ટકાથી વધુ ઉમેદવારો જીત્યાં
- શિંદેએ સીએમ પદ માટે દાવો યથાવત રાખતાં કોના વડપણ હેઠળ સરકાર રચાશે તે અંગે અનિશ્ચિતતા
- લોકસભા પરિણામો બાદ અતિ આત્મવિશ્વાસમાં રાચતી મહાવિકાસ આઘાડીનો સફાયો થઈ ગયો
Maharastra Election News 2024 | મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કરી 132 બેઠકો કબજે કરી મહાવિજય હાંસલ કર્યો છે. સાથે તેના સાથી પક્ષો એકનાથ શિંદેની શિવસેનાને 57 અને અજિત પવારની એનસીપીને 41 બેઠકો મળતાં રાજ્યની 288 બેઠકો ધરાવતી વિધાનસભામાં 230 બેઠકો સાથે મહાયુતિએ સપાટો બોલાવ્યો છે. જોકે, ભાજપના જંગી વિજય છતાં પણ એકનાથ શિંદેએ સીએમ પદ માટે દાવો યથાવત રાખતાં સીએમ પદ ભાજપને ફાળે જશે કે કેમ તે અંગે રાત સુધી કોઈ નિર્ણય થયો ન હતો. બીજી તરફ આ ચૂંટણીમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી તથા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને માત્ર ૪૬ જ બેઠકો મળતાં તેમનો કરુણ રકાસ થયો છે. વિપક્ષોએ આ પરિણામોને અવિશ્વસનીય ગણાવ્યાં હતાં અને બહુ મોટાપાયે ગરબડ થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. તમામ એક્ઝિટ પોલમાં મહાયુતિના વિજયની આગાહી થઈ હતી પરંતુ મહાવિકાસ આઘાડીનો આટલી હદે સફાયો થશે તેવું કોઈએ ધાર્યું ન હતું. આ કલ્પનાતીત પરિણામોથી રાજકીય પંડિતો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં પાછલા પાંચ વર્ષની રાજકીય અસ્થિરતા તથા વારંવાર તડજોડ અને તોડફોડના રાજકારણથી વિપરીત રીતે આ વખતે ભાજપને સાદી બહુમતીની લગોલગ બેઠકો મળી છે. મુંબઈ, થાણે અને કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર, મધ્યા મહારાષ્ટ્ર, વિદર્ભ તથા પશ્ચિમ મહારાષ્ટ્ર સહિતના તમામ ઝોનમ મહાયુતિએ શાનદાર દેખાવ કર્યો હતો. કેટલાય જિલ્લાઓમાં તો મહાવિકાસ આઘાડીના એક પણ ઉમેદવાર ચૂંટાયા નથી. કોંગ્રેસના સીએમ પદના દાવેદાર ગણાતા પૃથ્વીરાજ ચવ્હાણ, બાળાસાહેબ થોરાત સહિતના નેતાઓ પણ હારી ગયા હતા. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે તેમની વરલીની બેઠક જાળવી રાખવામાં સફળ થયા હતા પરંતુ તેમને કુલ 20 બેઠક જ મળી હતી. લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં 48 માંથી 13 બેઠક મેળવી ચૂકેલી કોંગ્રેસને રાજ્ય વિધાનસભામાં કેવળ 16 જ બેઠક મળી છે. જ્યારે શરદ પવારની એનસીપીને દસ બેઠકો મળી છે. બીજી તરફ રાજ ઠાકરે ફરી ચૂંટણી મેદાનમાં નિષ્ફળ ગયા છે. તેમના પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાને એક પણ બેઠક મળી નથી. તેમના પુત્ર અમિત ઠાકરે પણ માહિમ બેઠકથી ચૂંટણી હારી ગયા છે.
ચૂંટણીમાં હારનો સામનો કરનારા અન્ય નોંધપાત્ર ઉમેદવારોમાં માજી મંત્રી નવાબ મલિકનો પણ સમાવેશ થાય છે. ભાજપની અનિચ્છાની ઉપરવટ જઈને પણ અજિત પવારે તેમને ટિકિટ આપી હતી પરંતુ તેઓ તેમના માનખુર્દ વિસ્તારમાં છેક ચોથા ક્રમે રહ્યા છે.
મુંબઈ શહેરમાં ભાજપને 15 અને ઉદ્ધવ જૂથને 10 બેઠક મળી છે. એકનાથ શિંદેની શિવસેનાને છ બેઠક મળી છે. કોંગ્રેસ માત્ર ત્રણ બેઠક પર સમેટાઈ છે જ્યારે સમાજવાદી પાર્ટીને એક બેઠક મળી છે. અજિત પવારની એનસીપીને એક બેઠક મળી છે.
ભાજપના ભવ્ય વિજય બાદ દેવેન્દ્ર ફડણવીસ સીએમ તરીકે શપથ લેશે તેમ મનાતું હતું. પરંતુ, આજે સાંજે એકનાથ શિંદેએ કહ્યુ ંહતુ ંકે સૌથી વધુ બેઠકો મેળવે તેના જ નેતા સીએમ બને તેવી કોઈ ફોર્મ્યૂલા નક્કી થઈ નથી. બાદમાં ફડણવીસે પણ જાહેર કર્યું હતું કે સીએમ પદનો ફેંસલો ત્રણેય પક્ષ દ્વારા સાથે મળીન લેવાશે. રાજ્યની વર્તમાન વિધાનસભાની મુદ્દત તા. ૨૬મીએ પૂર્ણ થવાની હોવાથી તે પહેલાં નવી સરકારની રચના કરી દેવી પડે તેમ છે.આથી, કોઈપણ ઘડીએ સીએમ પદ અંગે નિર્ણય લેવાય તેવી સંભાવના વ્યક્ત થતી હતી.
ભાજપ સહિતના મહાયુતિના ઘટકોને લોકસભા ચૂંટણીમાં ભારે મોટો ફટકો પડયો હતો તે પછી તેમણે લીધેલાં સુધારાત્મક પગલાંથી તેમને ફાયદો થયો છે. ખાસ કરીને મહિલાઓને દર મહિને ૧૫૦૦ રુપિયાની રોકડ ટ્રાન્સફર કરવાની લાડકી બહિન યોજનાની લ્હાણી ભાજપને ફળી ગઈ હોવાનું મનાય છે. આ ઉપરાંત મરાઠા અનામત આંદોલન બાદ ભાજપે ઓબીસી મતોને મજબૂત કરવા લીધેલાં પગલાંથી પણ તેને ફાયદો થયો હોવાનું મનાય છે. બીજી તરફ કોંગ્રેસ તથા ઉદ્ધવ જૂથને સીએમ પદ માટે તકરાર તથા અતિ આત્મવિશ્વાસ સહિતનાં પરિબળો નડી ગયાં હોવાનું મનાય છે.
ઉદ્ધવ ઠાકરેએ આ પરિણામો અંગે પ્રત્યાઘાત આપતાં કહ્યું હતું કે તેમને આ રિઝલ્ટ પર ભરોસો નથી. તેમને આ પરિણામ ગળે ઉતરતાં નથી. જરુર કશુંક ખોટું થયું છે. ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે પરિણામો અંગે ત્વરિત પ્રત્યાઘાત આપતાં કહ્યું હતું કે આ પરિણામ પર અમને ભરોસો નથી. મોટાપાયે કોઈ ગરબડ થઈ છે. મતપત્રકથી જ ચૂંટણી થવી જોઈએ તેવી માગણી તેમણે કરી હતી. કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નિથલાએ પણ તેમની માંગમાં સૂર પુરાવ્યો હતો.
ભાજપ ધારે તો શિંદે-અજિત વિના સરકાર રચી શકે
શિંદે અને અજિત ભાજપને બ્લેકમેઈલ નહિ કરી શકે
- સીએમ પદ, પ્રધાનમંડળની રચના સહિતના અગત્યના નિર્ણયોમાં ધાર્યું કરાવવાની દાદાગીરી નહીં ચાલે
મુંબઈ : મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ બેઠકોમાંથી ભાજપને એકલાને જ ૧૩૨ બેઠકો મળી છે. આથી, ભાજપ ધારે તો એકનાથ શિંદે કે અજિત પવારના સાથ વિના પણ સરકાર રચી શકે તેવી સ્થિતિમાં છે.
ભાજપે આ બે ઘટક પક્ષોના સાથ વિના સરકાર રચવી હોય તો ફક્ત ૧૩થી ૧૫ ધારાસભ્યોની જરુર છે. ભાજપને જે રીતે સફળતા મળી છે તે જોતાં તેને અન્ય પક્ષો કે અપક્ષોનો ટેકો મેળવવામાં કોઈ તકલીફ પડે તેમ નથી. આ ચૂંટણીમાં કરુણ રકાસથી નાસીપાસ થયેલા ઉદ્ધવની શિવસેના કે શરદ પવારની એનસીપી અથવા તો કોંગ્રેસના ધારાસભ્યોને પણ ખેરવવામાં તેને બહુ મહેનત પડવાની નથી.
આ સંજોગોમાં નવી રચાનારી સરકારમાં એકનાથ શિંદે તથા અજિત પવાર હવે ધાર્યું કરાવવાની સ્થિતિમાં નહીં હોય. સીએમની પસંદગી હોય કે પ્રધાનમંડળની રચના, અધિકારીઓની બદલી કે અન્ય કોઈ પણ મોટા નિર્ણયોમાં ભાજપ તેમને સતત રાજી રાખવા માટે મજબૂર નહિ હોય. વિપક્ષોને એટલી ઓછી બેઠક મળી છે કે શિંદે, અજિત, ઉદ્ધવ, શરદ પવાર બધા સાથે મળી જાય તો પણ સરકાર રચી શકવાની સ્થિતિમાં નથી. આ સંજોગોમાં સરકારનું પતન નોતરવાનું બ્લેકમેઇલિંગ હવે ચાલશે નહિ તેવું વર્તમાન પરિણામો પરથી જણાઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર પક્ષવાર સ્થિતિ
ભાજપ |
૧૩૨ |
શિંદે શિવસેના |
૫૭ |
એનસીપીએપી |
૪૧ |
શિવસેનાયુબીટી |
૨૦ |
કોંગ્રેસ |
૧૬ |
એનસીપીએસપી |
૧૦ |
અન્ય પક્ષો |
૧૦ |
અપક્ષ |
૦૨ |
કુલ |
૨૮૮ |