મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યનો પોલીસ મથકમાં જ શિંદે જૂથના નેતા પર ગોળીબાર
- રાજ્યમાં સાથે મળીને સત્તા ભોગવતા પક્ષોના નેતાઓ વચ્ચે લોહી રેડાયું
- ઉલ્હાસનગર પોલીસ મથકમાં ફિલ્મી દૃશ્યોઃ ઉચ્ચ સ્તરે તપાસના આદેશઃ સીએમ શિંદે પોતાના નેતાને મળવા હોસ્પિટલ દોડયાઃ ધારાસભ્ય સામે હત્યાના પ્રયાસ, એટ્રોસિટીની કલમો
મુંબઈ : મુંબઈથી નજીક આવેલાં ઉલ્હાસનગરમાં પોલીસ મથકની અંદર સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરની કેબિનમાં જ ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કલ્યાણ શહેરના સીએમ એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાના પ્રમુખ મહેશ ગાયકવાડ તથા અન્ય એક કાર્યકર પર અંધાધૂંધ ગોળીબાર કરતાં મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ ગોળીબારમાં મહેશ ગાયકવાડ તથા અન્ય કાર્યકરને ગંભીર ઈજાઓ થઈ છે. ધારાસભ્ય ગણેશ ગાયકવાડની હત્યાના પ્રયાસ માટે ધરપકડ કરી ૧૧ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા છે. મહારાષ્ટ્રમાં સાથે મળીને સત્તા ભોગવતા ભાજપ અને શિવસેનાના નેતાઓ વચ્ચે જ આ લોહિયાળ ઘટનાના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડયા છે. જોકે, બંને પક્ષોના પ્રદેશ નેતાઓ દાવો કરી રહ્યા છે કે આ ઘટના જમીન વિવાદમાં જબની છે અને આ બંને વચ્ચેની વ્યક્તિગત દુશ્મનાવટનો મામલો છે.
ઉલ્હાસ નગરમાં ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડ તથા શિવસેનાના નેતા અને કલ્યાણના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીન બાબતે કોઈ વિવાદ ચાલતો હતો. ગત શુક્રવારે મોડી રાતે તે સંદર્ભમાં તેઓ ઉલ્હાસનગરમાં હિલલાઈન પોલીસ મથકમાં એકઠા થયા હતા. સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરની કેબિનમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે મામલો એકદમ ઉગ્ર બની ગયો હતો. કહેવાય છે કે તે સમયે ગણેશ ગાયકવાડે ગોળીબાર કરતાં મહેશ ગાયકવાડ ઘાયલ થયા હતા. તેમને તત્કાળ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયાં હતાં. પોતે ગોળીબાર કર્યો હોવાનું કબૂલતાં ગણેશ ગાયકવાડે કહ્યું હતું કે મારા પુત્રને માર મારવામાં આવી રહ્યો હતો આથી પોતે સ્વ બચાવમાં ગોળી છોડી હતો.
હોસ્પિટલ ખસેડાયેલા મહેશ ગાયકવાડની હાલત જોવા માટે સીએમ એકનાથ શિંદે તથા તેમના પુત્ર શ્રીકાંત શિંદે તત્કાળ દોડયા હતા. મહેશ ગાયકવાડ શ્રીકાંત શિંદેના અત્યંત વિશ્વાસુ અને નિકટવર્તી નેતાઓમાંના એક ગણાય છે.
સીએમ શિંદેએ આ ઘટનાને બહુ કમનસીબ ગણાવી હતી જ્યારે નાયબ મુખ્યપ્રધાને દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર ઘટના અંગે તપાસના આદેશો આપ્યા હતા.
ફરિયાદી મહિલા વ્દારલી ગામમાં જમીનની માલિકી ધરાવે છે આ જમીનને લઈને વિવાદ થયો હતો. ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડની જમીન માલિકના પરિવાર સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે ગાયકવાડ તેના અન્ય સાત સાથીદાર સામે ફરિયાદીને મળવા ગયા હતા. ત્યારે તેમણે મહિલાની જાતિને લઈને અપશબ્દો કહ્યા હતા.
હિલલાઈન પોલીસ સ્ટેશનની અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે વ્દારલી ગામની રહેવાસી ફરિયાદના આધારે ગણપત ગાયકવાડ અને અન્ય સાત લોકો પર એટ્રોસિટી એક્ટ હેલી ગુનો દાખલ કર્યો છે. પોલીસ ફરિયાદી મહિલાના આરોપોની તપાસ કરી રહી છે.
આ બનાવ બાદ વિપક્ષોએ શિંદે સરકાર પર પસ્તાળ પાડી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે અને એક ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ પોલીસ મથકની અંદર જ સત્તાધારી પક્ષના નેતા પર ગોળીબાર કરવાની હિંમત દર્શાવે છે તે સૂચવે છે કે રાજ્યમાં કોઈને પોલીસનો ડર રહ્યો નથી એમ એનસીપીનાં શરદ પવાર જૂથ તથા શિવસેના ઉદ્ધવ જૂથના નેતાઓએ જુદાં જુદાં નિવેદનોમાં કહ્યું હતું.