Get The App

એઆઈ જનરેટેડ ઓડિયો ટેપના આધારે સુપ્રિયા સામે આક્ષેપો કરી ભાજપે કાચું બાફ્યું

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
એઆઈ જનરેટેડ ઓડિયો ટેપના આધારે સુપ્રિયા સામે આક્ષેપો કરી ભાજપે કાચું બાફ્યું 1 - image


- મતદાનના આગલા દિવસે ટેપ જાહેર કરી સનસનાટી સર્જવાનો દાવ અવળો પડયો

- સુપ્રિયા અને નાના પટોળે બિટકોઈન કૌભાંડમાં સામેલ થયાના આક્ષેપો પણ એડવાન્સ ટૂલ્સ દ્વારા ચકાસણી કરતા 98 ટકા ઓડિયો ફેક જણાયો

મુંબઈ : મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે ૨૮૮ વિધાનસભા બેઠકના માત્ર ૧૨ કલાક પહેલાં ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી રવિન્દ્રનાથ પાટીલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બિટકોઈન કૌભાંડનાં નાણાંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ મૂકીને સનસનાટી મચાવી દીધી. પાટિલના આક્ષેપ પ્રમાણે, બારામતીનાં સાંસદ સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોળે પોતે બિટકોઈન કૌભાંડમાં સામેલ છે. 

ભાજપે આ આક્ષેપોના પગલે સુપ્રિયા સૂલે અને પટોળેની કહેવાતી ઓડિયો ક્લિપ જાહેર કરીને તેમને ભ્રષ્ટાચારી ગણાવીને તેમના માથે માછલાં ધોવાનું શરૂ કરી દીધું. સુપ્રિયાના પિતરાઈ અજીત પવારે પણ અવાજ સુપ્રિયાનો જ હોવાનો દાવો કર્યો પણ ચકાસણીમાં ખબર પડી કે, આ ઓડિયો ફેક છે અને સુપ્રિયા સૂલે તથા નાના પટોળે તેમજ બીજાંના અવાજ પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા ક્રિયેટ કરાયા છે. 

મીડિયા દ્વારા ઓડિયો ડાઉનલોડ કરીને એડવાન્સ્ડ ટૂલમાં સુપ્રિયા સૂલે સહિતનાં લોકોના ઓડિયો નાંખવામાં આવતાં ખબર પડી કે, ૯૮ ટકા વોઈસ ક્લોનિંગ કરીને ઓડિયો બનાવાયો છે. ઓડિયોને હાઈવ મોડરેશનમાં ચલાવ્યો તેમાં બહાર આવ્યું કે. વોઈસ ક્લિપ ૯૯.૯ ટકા  આર્ટિફશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા જનરેટેડ છે. 

સુપ્રિયા સૂલેએ આ ઓડિયો ક્લિપ સામે ચૂંટણી પંચમાં અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આ ફેક ઓડિયો ક્લિપ દ્વારા મતદારોને અને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે તેથી તેમની ધરપકડ કરાવી જોઈએ  એવી પણ માગણી કરી છે. 

રવિન્દ્ર પાટીલે ન્યુઝ એજન્સી એએનઆઇ  સામે દાવો કર્યો હતો કે, બિટકોઇન ડીલરે પોતે તેમને કહ્યું છે કે બારામતીના સાંસદ સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેેસ પ્રમુખ ૧૫૦ કરોડ રૂપિયાના બિટકોઈન વેચી ચૂક્યા છે અને તેમની પાસે હજુય કરોડો રૂપિયા છે.

આ આક્ષેપો પછી ભાજપે મંગળવારે રાત્રે એક પ્રેસ-કોન્ફરન્સ યોજીને કેટલાક ઓડિયો શેર કર્યા કે જેમાં બિટકોઈન ડીલર, પૂણેના પોલીસ કમિશ્નર અમિતાભ ગુપ્તા, સુપ્રિયા સુલે, નાના પટોલે વચ્ચેની  કહેવાતી વાતચીત હતી.  ત્રિવેદીએ સવાલ કર્યો 

હતો કે,  ડીલર જેની વાત કરી રહ્યો છે તે મોટા લોકો કોણ છે?

સુપ્રિયા સુલેએ રવિન્દ્ર નાથ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને ઠ પરની પોસ્ટમાં લખ્યું કે, ભાજપ ગંદુ રાજકારણ રમી રહ્યો છે.  સુલેએ સુધાંશુ ત્રિવેદી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની પણ ચેતવણી આપી છે.

ભાજપના સુધાંશુ ત્રિવેદી સામે બદનક્ષીના દાવાની સુપ્રિયાની ચિમકી 

એઆઈ દ્વારા બનાવટી ઓડિયો ક્લિપ બનાવીને સુપ્રિયા સૂલેને ફસાવવાના ભાજપના કારસા સામે સુપ્રિયાએ ચૂંટણીપંચ અને સાયબર ક્રાઈમને ફરિયાદ કરી છે. સુપ્રિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, અમે બિટકોઈનના દુરુપયોગના ખોટા આરોપો મુદ્દે ચૂંટણીપંચ અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. હું સુધાંશુ ત્રિવેદીના તમામ આરોપોને નકારું છું. 

તેમણે કરેલી વાતો અટકળો અને જુઠ્ઠાણાં છે. હું ભાજપના કોઈપણ નેતા સાથે જાહેર મંચ પર ચર્ચા કરવા તૈયાર છું. ભાજપના નેતા પોતે  સમય અને તારીખ પસંદ કરે.

સુપ્રિયાએ સુધાંશુ ત્રિવેદી સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી આપીને કહ્યું છે કે, સુધાંશુ ત્રિવેદીએ આવા પાયાવિહોણા આક્ષેપો કર્યા એ ભયાનક છે પણ આશ્ચર્યજનક નથી.  ચૂંટણીની આગલી રાત્રે જુઠ્ઠાણાં ફેલાવવાં એ ભાજપ માટે નવી વાત નથી.  

ભાજપે બહાર પાડેલી ચાર ઓડિયો ટેપમાં શું છે ? 

પહેલો ઓડિયો :

સારથિ એસોસિયેટ્સ ઓડિટ ફર્મના કર્મચારી ગૌરવ મહેતા દ્વારા પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાને મોકલવામાં આવેલી કહેવાતી વૉઇસ નોટમાં ગૌરવ અંગ્રેજીમાં કહે છે,  અમે પાટીલ અને તેમના સાથી ઘોડેનાં નામે ૪ ક્રિપ્ટો વોલેટ બનાવ્યાં હતાં. આ વોલેટમાંથી વ્યવહારો કરાતા હતા અને તપાસ થશે તો પાટીલ અને ઘોડેને   ફસાવી દેવામાં આવશે. આપણા સુધી કોઈ પહોંચી શકશે નહીં.

બીજી ઓડિયો ટેપ:

સુપ્રિયા સુલેએ ગૌરવ મહેતાને મોકલેલી કહેવાતી વોઇસ નોટમાં સુપ્રિયા અંગ્રેજીમાં સવાલ કરે છે છે,  ગૌરવ, તમે અમને જવાબ કેમ નથી આપતા?  અમને તાત્કાલિક રોકડની જરૂર છે. 

બીજી વોઈસ નોટમાં સુપ્રિયા કહે છે કે, તમારો કોઈ માણસ જવાબ નથી આપતો. અમારી સાથે ગેમ ના રમશો ને પૈસાનું શું થયું? ગુપ્તાએ કહ્યું હતું કે, બધા પૈસા  તમારી પાસે પૈસા છે તો તરત જ ફોન કરો. ચૂંટણી ચાલી રહી છે અને અમને પૈસાની જરૂર છે. 

ત્રીજી નોટમાં સુપ્રિયા કહે છે કે, બોસ, બધા બિટકોઈનને રોકડમાં કેમ નથી ફેરવી રહ્યા ? અત્યારે બિટકોઈનનો ભાવ વધ્યો છે અને  અમને ભંડોળની જરૂર છે. તમે તપાસની ચિંતા કરશો નહીં. અમે સત્તામાં આવીશું ત્યારે અમે બધું સંભાળી લઈશું. તમે બસ આ કામ કરો. 

ત્રીજી ઓડિયો ટેપ

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેની કહેવાતી વોઈસ નોટમાં પટોળે પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાને પૂછે છે,  અમિતાભ, પૈસાનું શું થયું? તમે ગઈકાલે નહોતું પૂછયું?  મારી સાથે મજાક-મસ્તી ના કરો.

ચોથી ઓડિયો ટેપ:

પૂણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ ગૌરવ મહેતાને મોકલેલી કહેવાતી વોઈસ નોટમાંથી પહેલી નોટમાં અમિતાભ કહી રહ્યા છે,  ગૌરવ, તું મારી અને ભાગ્યશ્રીની તમામ ચેટ્સ, બિટકોઈન, બીએચઆરને લગતો  ડેટા ડિલિટ કરી દે. 

બીજી નોટમાં અમિતાભ કહે છે કે, આવતા અઠવાડિયે ૧૦૦ કરોડની જરૂર છે, તૈયાર રાખજો. વિનોદ તમને ૨૫ કરોડ પણ આપશે, કંઈક મોટું થવાનું છે. તમારી બાજુથી કોઈ ભૂલ ન થવી જોઈએ. 

ત્રીજી નોટમાં અમિતાભ કહે છે કે, ગૌરવ, આવતા અઠવાડિયે અમને ૫૦ કરોડની જરૂર છે. તેને દુબઈમાં કોઈને પહોંચાડવાના છે. કૃપા કરીને તમારા મિત્રને રોકડ તૈયાર રાખવા કહો. 

ચોથી નોટમાં અમિતાભ કહે છે કે, અમને આવતા અઠવાડિયે થોડા વધુ બિટકોઈન જોઈએ છે, તમારા ખરીદનારને તૈયાર રહેવા કહો.


Google NewsGoogle News