Get The App

'અડવાણીની દશા એકાંતવાસ વેઠતાં શાહજહાં જેવી, મોદી રાજમાં વારાણસીના મંદિર તૂટ્યાં...' : સંજય રાઉત

Updated: Mar 24th, 2025


Google News
Google News
'અડવાણીની દશા એકાંતવાસ વેઠતાં શાહજહાં જેવી, મોદી રાજમાં વારાણસીના મંદિર તૂટ્યાં...' : સંજય રાઉત 1 - image


ઔરંગઝેબની કબર વાસ્તવમાં મરાઠા પરાક્રમોનો પુરાવો છે

ભારતમાં સૌથી વધુ અત્યાચાર તૈમુર લંગે આચર્યો હતો,  પોતાના સંતાનનું નામ તૈમુર રાખનારા કલાકારોને પીએમ પ્રેમથી હળેમળે છે

Sanjay raut News :  મહારાષ્ટ્રમાં ધર્મઝનૂની અને ક્રુર મુઘલ શાસક ઔરંગઝેબની કબરના મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે શિવસેના (યુ.બી.ટી.)ના વાચાળ નેતા સંજય રાઉતે ભારતીય જનતા પક્ષનું નિશાન સાધીને જણાવ્યું હતું કે વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીની દશા જોઈને મને બંદિવાન શાહજહાંની સ્થિતિ યાદ આવે છે. ઔરંગઝેબે તેના પિતા શાહજહાંને લાલ કિલ્લામાં કેદ કરેલા.

મોદી રાજમાં વારાણસીમાં મંદિરો તોડવામાં આવ્યા

વારાણસીમાં ઔરંગઝેબે મંદિરો તોડયા હતા. પરંતુ આજે અમૃત કાળમાં વારાણસીમાં કોરિડોર બનાવવા માટે સેંકડો મંદિરો અને મૂર્તિઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. એ મંદિરો અને મૂર્તિઓનું શું થયું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજમાં મંદિરો અને મૂર્તિઓનો ધ્વંસ કરવામાં આવ્યો.

શિવસેના (યુ.બી.ટી.)ના મુખપત્ર 'સામના'ની કોલમ 'રોખટોક'માં રાઉતે લખ્યું હતું કે ઔરંગઝેબની કબર હટાવવાની માગણી થાય છે. પણ ઔરંગઝેબની કબર તો મરાઠાના પરાક્રમનું સ્મારક ગણાય. આ કબર ઉખાડી નાખવાની માગણી થાય છે ત્યારે બીજી બાજુ ભારતમાં જેણે સૌથી વધુ હિંસાચાર આચર્યો હતો એવાં સૌથી ક્રુર આક્રમણખોર તૈમુર લંગનું નામ એક ફિલ્મસ્ટારે પોતાના પુત્રને આપ્યું છે અને તેનું સન્માન (રાજ કપૂરના પરિવારજનો સાથે મુલાકાત કરી ત્યારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એટલે તૈમુર સામે તમને વાંધો નથી અને ઔરંગઝેબની કબર તોડવાની વાતો કરવી છે. ઉલ્લેખનીય છે કે કરીના કપૂર તથા સૈફ અલી ખાને પોતાના પુત્રનું નામ તૈમુર રાખ્યું છે. તાજેતરમાં રાજ કપૂરની જન્મ શતાબ્દિ નિમિત્તે વડાપ્રધાન કપૂર પરિવારને મળ્યા હતા ત્યારે સૈફ અને કરીના પણ તેમની સાથે સામેલ હતાં. વડાપ્રધાને સૈફ અને કરીનાને તમારા સંતાનોને સાથે કેમ ન લાવ્યા તેવું   પૂછ્યું હતું. 

રાઉતે લખ્યું છે કે ભાજપમાં લાલકૃષ્ણ અડવાણીજીની દશા શાહજહા જેવી જ છે. અડવાણીજી હિન્દુત્વવાદ અને રામમંદિર સહિતની બાબતોના શિલ્પકાર છે. એમણે હિન્દુત્વનું શિલ્પ ઉભું કર્યું એનાં બદલામાં તેમને એકાંતવાસ મળ્યો. શાહજહા જેવી બંદિવાન સ્થિતિમાં રહેતા અડવાણી વિશે કબર તોડવાની વાતો કરનારાએ ક્યારેય સવાલ ઉઠાવ્યો છે કે ક્યાં છે અડવાણી? એમને બંદિવાન દશામાં કેમ રાખવામાં આવ્યાં છે? એમ રાઉતે લખ્યું છે. 

ઔરંગઝેબને મૂરખાઓએ ફરી સજીવ કર્યો

મરાઠાશાહીનું નામનિશાન મિટાવવાના ખ્વાબ જોતો ઔરંગઝેબે લાવલશ્કર સાથે દક્ષિણ ભારતમાં આવ્યો હતો. પરંતુ બહાદુર મરાઠાઓએ ઔરંગઝેબનું સપનું રોળી નાખ્યું અને આખરે દિલ્હીથી દૂર મહારાષ્ટ્રમાં જ મોતને ભેટયો અને મહારાષ્ટ્રની માટીમાં જ ભળી ગયો. આ ઔરંગઝેબનો વિવાદ જગાવી મૂરખાઓએ ફરી સજીવ કર્યો છે અને માથે ચડાવ્યો છે.

ઔરંગઝેબ બેશક ક્રૂર હતો, પરંતુ તેના પછી આવેલા અંગ્રેજ શાસકો એટલાં જ બેરહેમ અને ક્રૂર હતા. આઝાદીના લડવૈયાઓને નિર્દયતાથી માર્યા હતા. જલિયાનવાલા બાગમાં સેંકડો નિર્દોષ લોકોને ગોળીએ દીધા હતા. પરંતુ આજે એ જ બ્રિટીશરો સાથે આપણાં સારા સંબંધ છે. મુઘલો સાથેનો નાતો તોડવા માગીએ છીએ પણ અંગ્રેજો સાથેના સંબંધો જાળવવા માગીએ છીએ. ઔરંગઝેબે તેના પિતાને કેદમાં રાખેલા અને સગા ભાઈઓની હત્યા કરેલી. ભાજપમાં અત્યારે અડવાણીજીની સ્થિતિ જોઈ ઘણાંને શાહજહાની યાદ આવ્યા વિના નહીં રહે.

Tags :