ભાજપ નેતાનું બિલ્ડર સાથે મળીને કૌભાંડ, ફાઈવ સ્ટાર હોટલની 3200 કરોડની જમીન 888 કરોડમાં પચાવી પાડી
BJP Leader's land scam in Mumbai: મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલી, સૌથી પ્રતિષ્ઠિત ફાઈવ સ્ટાર હોટેલની કિંમતી જમીન ટોચના બિલ્ડરના નામે પાણીના ભાવે પચાવી પાડવાનું ભાજપના એક ટોચના નેતાએ કરેલું કૌભાંડ બહાર આવ્યું છે. સેન્ટોર હોટેલની ખાલી જમીનની કિંમત, જંત્રી કે રેડી રેકનર અનુસાર રૂ. 3200 કરોડ કરતાં વધારે થાય છે. આ જગ્યા ઉપર મેક્રોટેક ડેવલપર લક્ઝરી ટાવર બનાવી રૂ 13500 કરોડ કમાવાનો પ્લાન ઘડ્યો છે, પણ આ હોટેલ માત્ર રૂ. 888 કરોડમાં ખરીદવા માટે બિલ્ડર અને નેતાએ કાયદાનો દુરુઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
જોકે, ભાજપના નેતાની ઓથ અને આશીર્વાદ સાથે ભાગીદારી પણ હોવાથી કોઈ ઊંચો અવાજ કે વિરોધ થઈ રહ્યો નથી. દેવાના કારણે નાદારીની કાર્યવાહી હેઠળ રહેલી આ કંપની ખરીદવા માટે આઇબીસીની પ્રક્રિયાનો કે દુરુઉપયોગ થયો છે તે ચોંકાવનારું છે. દેશના હોટેલ ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત એવા 93 વર્ષના ડો. અજિત કેરકર સાથે માત્ર નેતા અને બિલ્ડરે જ નહિ પણ રિઝોલ્યુશન પ્રોફેશનલ અને લેણદારોએ પણ દગો કર્યો છે.
હોટેલની માલિકી વી હોટેલ્સ લિમિટેડની હતી અને તેને ધિરાણ કરનાર બેંકોમાં બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, વિજયા બેંક અને ઇન્ડિયન બેન્કનો સમાવેશ થતો હતો. લોનની 37 ટકા જવાબદારીમાં પેગાસસ નામની કંપનીએ કેનેરા ઇન્ડિયન બેન્કને તથા બાકીની 63 ટકા જવાબદારી એસેટ રિકન્સ્ટ્રકશન કંપની ઓફ ઈન્ડિયા (આર્સિલ)ને સોંપવામાં આવી હતી. બેન્કોએ પોતાનું ધિરાણ આ કંપનીઓને 2010માં વેચ્યું હતું.
કેવી રીતે લૂંટી લીધા?
સુવ્યવસ્થિત પ્લાન હેઠળ 2011માં રૂ. 150 કરોડનું દેવું પરત કરવામાં કંપની નિષ્ફળ ગઈ એટલે દર મહિને 22 ટકાના તોતિંગ પ્લાન સાથે વ્યાજ અને હપ્તા ચૂકવવા એવો એક પ્લાન આર્સિલે ફરજિયાત અમલમાં મૂક્યો હતો, ત્યારબાદ આ પ્લાન 2013માં અચાનક જ રદ કરી નખાયો હતો. ત્યાર પછી 2015થી 2019માં વિવિધ ડેટ રિકવરી કેન્દ્રોમાં કાયદાની લડાઈ ચાલી. બાદમાં બોમ્બે હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે આર્સિલ આ રીતે પ્લાન બદલી શકે નહીં. એટલું જ નહીં, તેઓ લેણદાર પાસે પ્લાનનો ફરજિયાત અમલ પણ ના કરાવી શકે.
વ્યાજનો દર 12.5 ટકાથી 22 ટકા વધારવા અંગેની પેગાસસની યોજના પણ ટ્રિબ્યુનલ અને એપેલેટ ટ્રિબ્યુનલે નકારી કાઢી. ત્યાર પછી મે 2019માં કંપની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવા આર્સિલે એક અરજી કરી, જેમાં બાકી મુદ્દલ રૂ. 150 કરોડ અને વ્યાજનો દર ફરી 22 ટકા રખાયો. આઇબીસી મુજબ કરાયેલી આ અરજીમાં કંપની સામે નાદારીની કાર્યવાહી કરવા માટે મે 2019માં મંજૂરી મળી હતી. કંપની એપલેટ ટ્રિબ્યુનલમાં નાદારીની અરજી કાઢી નાખવામાં આવી કારણ કે અરજી સમયમર્યાદામાં કરાઈ ન હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજી સ્વીકારી કાર્યવાહી આગળ કરવા આદેશ આપ્યો છે.
લેણદારોના કેટલા નાણાં પરત નીકળે છે તે નક્કી ના થાય ત્યાં સુધી આ કંપનીનો રિઝોલ્યુશન પ્લાન તૈયાર થઈ શકે નહીં, ફેબ્રુઆરી 2023માં એપેલેટ ટ્રિબ્યુનલે એવો ચુકાદો આપ્યો. ક્રેડિટર કમિટીમાં 97 ટકા બહુમતી ધરાવતા આર્સિલ અને પેગાસસે જૂન 2023માં ભાજપના નેતાના ખાસ એવા મેક્રોટેક ડેવલપરનો પ્લાન 19 જૂન 2023ના રોજ ગેરકાયદે મંજૂર કરી દીધો. ત્રીજા જ દિવસે એટલે કે 21 જૂનના ટ્રિબ્યુનલે પણ મુદ્દલ પર કોઈ વ્યાજ નહીં વસૂલવું એવો, સુપ્રીમ કોર્ટ અને અન્ય કોર્ટના આદેશથી વિરુદ્ધ, પ્લાન મંજૂર કરી દીધો હતો.
અન્ય અરજીઓ પેન્ડિંગ હોવા છતાં, વ્યાજનો દર 22 ટકા નહીં પણ 14.5 ટકા રાખવો એવા એપેલેટ ટ્રિબ્યુનલના નિર્દેશ છતાં આ પ્લાન રાજકારણીઓ અને બિલ્ડરોના દબાણના કારણે મંજૂરી માટે જુલાઈમાં કોર્ટમાં રજૂ કરી દેવાયો હતો. નાણાકીય સંસ્થાઓ અને બેન્કોએ પણ આ કૌભાંડમાં મિલિભગત કરી છે. સૌથી પહેલા કંપની સામે રૂ. 2,085 કરોડના દેવાના દાવા દાખલ થયેલા, તેમાંથી રૂ. 1,143 કરોડના દાવા મંજૂર થયા પણ મિલિભગત કરનારા અને કૌભાંડમાં ભાગીદાર એવા રિઝોલ્યુશન પ્રોફેશનલે વ્યાજ સહિત રૂ. 943 કરોડના લેણાં જ મંજૂર કર્યા.
હોટેલ કેટલી સસ્તામાં પચાવી પાડી?
વિવિધ કોર્ટ અને એપેલેટમાં અરજીઓ સુનાવણી હેઠળ હોવા છતાં પ્લાન મંજૂર થઈ જવા માટે અને ભાજપના નેતાની જ મેક્રોટેક ડેવલપરને ફાયદો કરાવી આપવામાં એક વાત મહત્ત્વની હતી. હોટેલની જમીન અત્યંત કિંમતી છે અને તેના કરતાં પણ વધારે અહી હોટેલ પાડી બિલ્ડિંગ બને તો ફાયદો થવાનો હતો. એટલે ભાજપ નેતા, બિલ્ડર, આર્સિલ, પેગાસસ અને કંપની ફડચામાં જાય તો કેટલું મૂલ્ય ઉપજે એ નક્કી કરનારા બધાની મિલિભગત ઉડીને આંખે વળગે છે. કંપની ફડચામાં જાય તો તેનાથી રૂ. 797.68 કરોડ ઉપજે કે રૂ. 719 કરોડ એવું બે મૂલ્યાંકન સલાહકારો રજૂ કરેલું છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે.
વર્ષ 2013માં દેવાની વસૂલાત અને નાદારીની પ્રક્રિયા માટે આ હોટેલની ઓછામાં ઓછી કિંમત રૂ. 1315 કરોડ અંકાઈ હતી. હોટલની 5.5 એકર જમીનના સરકારી રેડી રેકનર મુજબ રૂ. 2117.27 કરોડ કિંમત થાય છે, તો 2013થી 2024 વચ્ચે માત્ર રૂ. 888 કરોડમાં આ હોટલની નિલામી કેવી રીતે થઈ શકે એવો સવાલ હોટલ મૂળ માલિક ડો. અજીત કેરકર કરી રહ્યા છે. હોટલના મૂળ માલિકો, શેર હોલ્ડર અને અન્ય પક્ષકારોને નુકસાન થયું હોવાનો આક્ષેપ પણ થયો છે. સરકારી રેડી રેકનર કરતા જમીનની કિંમત ઓછી કેવી રીતે હોઈ શકે એવો પણ સવાલ છે.
કેરકર સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે અત્યંત મૂલ્યવાન આ જમીન સસ્તામાં મેક્રોટેકને પધરાવી દેવા માટે હોટલેની લિક્વિડેશન કિંમત માત્ર રૂ. 943 કરોડ અંકાઈ હતી. એવી પણ શક્યતા છે કે રાજકીય દબાણ કે મિલિભગતના કારણે હોટેલ ખરીદવા માટે માત્ર મેક્રોટેક ડેવલપરની એક જ બીડ થઈ હતી. બીજું મેક્રોટેકને હોટેલ આપવી એવો આદેશ એપ્રિલ 2024માં થયો એ પહેલા જ વિવાદિત જગ્યાનો 51,531 ચોરસ મીટરનો કબજો સોંપી દેવાયો હતો. આ સ્થળ પરનું બિલ્ડિંગ તોડી પાડવાની શરૂઆત થઈ ગઈ છે. તેના કાટમાળ અને સ્ટિલથી પણ રૂ. 50 કરોડની કમાણીનો અંદાજ છે.
આ સિવાય સેન્ટોર હોટલમાં મૂકાયેલી ઈલેક્ટ્રિકલ અને અન્ય ડિસ્પ્લે આઈટમની કિંમત પણ રૂ. 40 કરોડ જેટલી હોય તેવી શક્યતા છે. મેક્રોટેક અહીં એક ફ્લોર ઉપર 10,200થી 21000 ચોરસ ફૂટના ફ્લેટ ઊભા કરવાની પોતાના મિત્રોને જાણ કરી રહ્યા છે. જૂહુમાં અરબ સાગરના કિનારે આવેલી આ જગ્યામાં આવા વિશાળ ફ્લેટ ઉભા કરી કંપની રૂ.13,500 કરોડની જંગી આવક કરશે.
રાજકીય ઓથ, મિલિભગત અને કાયદાની દરેક પ્રક્રિયામાં દબાણ લાવી આમ મેક્રોટેકે માત્ર રૂ. 888 કરોડમાં 15 ગણી કમાણી કરવાનો પ્લાન સફળતાથી પાર પાડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે ભાજપના નેતાની ઓથ અને આશીર્વાદ સાથે ભાગીદારી પણ હોવાથી કોઈ ઊંચો અવાજ કે વિરોધ થઈ રહ્યો નથી.