ભાજપના નેતાની કોલેજના વિદ્યાર્થીઓનું બોગસ આઈડી સાથે મતદાન
શિર્ડીમાં બોગસ વોટિંગનો વિપક્ષનો દાવો
ધૂળેમાં રહેતી વિદ્યાર્થિનીએ શિર્ડીમાં આવીને મતદાન કર્યું હોવાનો કોંગ્રેસના સભ્ય શ્રીનિવાસનો દાવો
મુંબઈ : મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. જેમાં સવારથી મતદાન શરુ થઈ ગયું હતું. ત્યારે શિર્ડીમાં વિપક્ષી ઉમેદવારોએ દાવો કર્યો હતો કે, ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલની કોલેજના વિદ્યાર્થીઓએ બનાવટી ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરીને મતદાન કર્યા હતા. જેમાં ધૂળેમાં રહેતી વિદ્યાર્થિનીએ શિર્ડીમાં મતદાન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ સોશિયલ મિડીયા એકાઉન્ટમાં એક વિડીયો શેર કરીને આ માહિતી આપી હતી. જેમાં ચૂંટણી પંચના વલણ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
વિડીયોમાં શ્રીનિવાસે દાવો કર્યો હતો કે, શિર્ડી મતવિસ્તારમાં મતદાન મથક પર ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ સાથે જોડાયેલા કોલેજના વિદ્યાર્થીઓ બનાવટી ચૂંટણી કાર્ડ બતાવીને અહીં મતો આપી રહ્યા છે.
જેમાં બીજા પ્રદેશથી કેટલાક વિદ્યાર્થીઓ અહીં આવીને બનાવટી ઓળખ કાર્ડ બતાવીને મતો આપી રહ્યા છે. વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ધૂળેમાં રહેતી વિદ્યાર્થિની અહીં શિર્ડીમાં મતદાન કરવા આવી હતી. તેથી અહીં ફર્જી વોટીંગ ચાલી રહ્યું છે.
બીજી તરફ મતદાન મથક પર એક વિદ્યાર્થીેને આધાર કાર્ડ વિશે પૂછવામાં આવતા તેની પાસે તેનું આધાર કાર્ડ ન હતું. આ બાદ વિદ્યાર્થીેએ તેનું ચૂંટણી કાર્ડ બતાવ્યું હતું. જે બનાવટી હોવાનો શ્રીનિવાસે દાવો કર્યો હતો.
આ વિડીયો વાયરલ થતા અને આ ઘટના પ્રકાશમાં આવતા વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓએ ચૂંટણી પંચની આકરી ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે, તે આ પ્રવૃત્તિઓ તરફ આંખ આડા કાન કરી રહ્યા છે. તો કેટલાકે પ્રશ્નો કર્યો હતા કે શું ચૂંટણી પંચ કોઈ દબાણ હેઠળ કામ કરી રહ્યું છે.