મુંબઇ ઝૂમાં બર્ડ ફલૂ સામે એલર્ટ : વાઘ અને દીપડાને ચિકન નહી પીરસાય
નાગપુરમાં બર્ડ-ફલૂથી 3 વાઘ અને દીપડાના મોત
રખેવાળો માટે માસ્ક પહેરવા તથા સેનિટાઈઝરના ઉપયોગો સહિતના નિયમો ફરજિયાત
મુંબઇ - ભાયખલાના વીરમાતા જીજાબાઇ ભોસલે પ્રાણી સંગ્રહલાયમાં પ્રાણીઓને બર્ડ-ફલૂનો શિકાર બનતા અટકાવવા સાવચેતીના કડક પગલાં લેવામાં આવ્યા છે. નાગપુરના ગોરેવાડા ઝૂમાં બર્ડ-ફ્લૂની બીમારીએ ત્રણ વાઘ અને એક દીપડાનો ભોગ લીધો તેના પગલે મુંબઇ સહિત રાજ્યભરના પ્રાણી સંગ્રહાલયોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
ભાયખલાના રાણીબાગમાં માસાહારી પ્રાણીઓને ચિકન ખવડાવવાનું બંધ કરવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલયમાં ચાર વાઘ, ચાર દીપડા, બે હાયના અને બે શિયાળ છે. આમ તો આ માંસાહારી પ્રાણીઓને બફેલો મીટ ખવડાવવામાં આવે છે. પરંતુ વચ્ચે વચ્ચે સ્વાદફેર માટે ચિકન ખવડાવવામાં આવતું હતું. પરંતુ બર્ડ-ફલૂને પગલે ચિકન આપવાનું તત્કાળ બંધ કરવામાં આવ્યું છે.
ઝૂના કર્મચારીઓ અને પ્રાણીના રખેવાળો માટે કડક નિયમાવલી બહાર પાડવામાં આવી છે. કર્મચારીઓને માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. માંસાહારી પ્રાણીઓના પિંજરામાં જતા પહેલાં ફૂટબાથમાં પગ ધોવા પડશે. વારંવાર સેનિટાઇઝરથી હાથ ધોવાના રહેશે અને જંતુનાશકનો છંટકાવ કરવાનો રહેશે. ડયુટીના સમય સિવાય પ્રાણીના પાંજરાની નજીક અસસ્તા ફરવાની પણ રખેવાળોને મનાઇ કરાઇ છે.
છેલ્લાં થોડા સમયથી અનેક દેશોમાં એચ-૫, એન-૧ એટલે કે બર્ડ-ફલૂની બીમારી ફેલાવા લાગી છે. જાન્યુઆરીની શરૃઆતમાં જ નાગપુરના ગોરેવાડા ઝૂમાં ત્રણ વાઘ અને એક દીપડાનો બર્ડ-ફ્લૂનો ભોગ લેતા દેશભરમાં પ્રાણી-સંગ્રહાલયોમાં સાવચેતીનો આદેશ જારી કરવામાં આવ્યો છે જેથી પ્રાણીઓને આ બીમારીનો ભોગ બનતા બચાવી શકાય.