નવી મુંબઈમાં રસ્તા પર ચા પીતા કોન્ટ્રાક્ટર પર બાઈકસવારોનું ફાયરિંગ
- એપીએમસીના કોન્ટ્રાક્ટર પર પાંચ રાઉન્ડ ફાયર કર્યા
- ફાયરિંગમાં કાન્ટ્રાક્ટરને ગંભીર ઈજાઃ કોન્ટ્રાકટના વિવાદને લીધે ગોળીબારની શંકા : સીસીટીવીની તપાસણી
મુંબઈ : નવી મુંબઇના સાનપાડામાં બાઇક પર આવેલા બે શખસ કોન્ટ્રાકટર પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કરી નાસી ગયા હતા. ફાયરિંગમાં તેને ગંભીર ઇજા થઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આ ઘટના સાનપાડામાં ડી-માર્ટ નજીક આજે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. વાશી એપીએમસીમાં રાજારામ ઠોકે ગાર્બેજ કોન્ટ્રાકટર છે. તે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારમાં ચા પી રહ્યો હતો. ત્યારે બાઇક પર બે શખસ આવ્યા હતા. તેમણે કારની નજીક જઇ અંદાજે પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. હુમલાખોરો ગોળીબાર બાદ ભાગી ગયા હતા. ગોળીબારમાં ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
આ બનાવ બાદ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી હતી.
આરોપીઓની ઓળખ માટે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફુટેજની પોલીસ તપાસ કરી રહી છે.
ડી-માર્ટ પાસેના રસ્તાનો ઘણા લોકો ઉપયોગ કરે છે. ગોળીબારથી ભયનો માહોલ સર્જાયો હતો. કોન્ટ્રાકટર કે અન્ય કયા કારણથી ગોળીબાર કરવામાં આવ્યો એની તપાસ ચાલું છે.