લાતુરમાં સાઈન બોર્ડ રોડ પર પસાર થતાં બાઈક સવાર પર પડતાં મોત
- ભારે પવન અને જોરદાર વરસાદને કારણે દુર્ઘટના
- અન્ય બે કાર તથા ટેમ્પોને પણ નુકસાન ,ઘાટકોપર જેવી ઘટનાનું નાનું પુનરાવર્તન
મુંબઇ : મહારાષ્ટ્રમાં પુણે સહિત વિવિધ જિલ્લાઓમાં ગઈકાલથી ભારે વરસાદ પડયો હતો. જેમાં લાતુરમા પણં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડયા હતા. આ સમયે લાતુરમાં નેશનલ હાઈ પર ભારે પવન અને જોરદાર વરસાદ વચ્ચે દિશા બતાવતું સાઈન બોર્ડ ધારાશાયી થતાં નીચે પડતા તે એક બાઈક સવાર પર પડયું હતું. આ ઘટનામાં ૨૯ વર્ષીય બાઈકસવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમજ ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું.
લાતુરમાં શનિવારે સાંજે ભારે પવન અને જોરદાર વરસાદને કારણે નેશનલ હાઈવે પર દિશા સૂચક સાઈનબોર્ડ ધારાશાયી થતાં તૂટી પડયું હતું. તે સમયે અષ્ટા નિવાસી મૃતક જ્ઞાાનેશ્વર બાલાજી (ઉ.વ. ૨૯) મોટરસાઈકલ પર સવાર થઈ અહેમદપુરના મહાદેવવાડી પાટી નેશનલ હાઈવે નં. ૩૬૧ પરથી શિરુર તાજબંધ તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેના પર આ બોર્ડ પડયું હતું. આ અકસ્માતમાં જ્ઞાાનેશ્વરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો આ ઘટનામાં અન્ય બે કારો અને એક ટેમ્પોને પણ નુકસાન થયુ હતું.
ઉલ્લેખનીય છે કે, ઘાટકોપરમાં કામરાજ નગરમાં પેટ્રોલ પંપ પર ભારે પવન અને જોરદાર વરસાદને કારણે બિલબોર્ડ પડી જતાં મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં ૧૭ લોકોના મોત થયા હતા, તો ૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ બીએમસીએ તમામ ગેરકાયદે સાઈનબોર્ડ હટાવવાનો નિર્ણય લીધો હતો. જો કે, હજુ પણ શહેરમાં કેટલીક જગ્યાએ ગેરકાયદે બોર્ડ એમ જ ઉભા નજરે ચડી રહ્યા છે. જેના પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.