નીતીશ કુમાર ભૂલવાની બીમારીથી પીડિત છે: સંજય રાઉતનો કટાક્ષ
- દેશ, રાજનીતિ અને લોકતંત્ર માટે પણ આ ખૂબ જ ખતરનાક બીમારી છે: સંજય રાઉત
મુંબઈ, તા. 29 જાન્યુઆરી 2024, સોમવાર
Maharashtra: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડી ફરી એક વખત NDA સાથે જોડાઈને સરકાર બનાવી છે. ગઈકાલે તેમણે 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. બિહારમાં એક સપ્તાહથી ચાલતા રાજકીય નાટકનો રવિવારે અંત આવ્યો હતો અને નીતીશ કુમારે RJD સાથે પોતાનો રસ્તો અલગ કરી લીધો હતો. હવે તેના પર સતત INDIA ગઠબંધનમાં સામેલ પાર્ટીઓના નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે પણ નીતીશ કુમારના બીજેપી સાથે ગઠબંધન પર પ્રતિક્રિયા આપી છે.
નીતીશ કુમાર ભૂલવાની બીમારીથી પીડિત: સંજય રાઉતે
સાંસદ સંજય રાઉતે કહ્યું કે, નીતીશ કુમાર ભૂલવાની બીમારીથી પીડિત છે. બે વર્ષની અંદર તેમની આ બીમારી વધી ગઈ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, મને યાદ છે કે, તેઓ હવે બીજેપીમાં જોડાઈ ગયા છે. પરંતુ કાલે જ્યારે તેઓ દવા ખાશે ત્યારે તેમને ખબર પડશે કે, તેઓ બીજેપીમાં આવી ગયા છે. ત્યારબાદ ફરીથી તેઓ INDIA ગઠબંધનમાં આવી જશે. દેશ, રાજનીતિ અને લોકતંત્ર માટે પણ આ ખૂબ જ ખતરનાક બીમારી છે.
આ બીમારી અમિત શાહ અને વડાપ્રધાનને પણ છે
શિવસેના સાંસદે વધુમાં કહ્યું કે, આ બીમારી માત્ર સીએમ નીતિશ કુમારને જ નથી પરંતુ આ બીમારી અમિત શાહ અને વડાપ્રધાનને પણ છે. આ તે નેતા છે જે વારંવાર કહેતા હતા કે, અમે નીતિશ કુમારને અમે ફરીથી પાર્ટીમાં સામેલ નહીં કરીશું. અમારી પાર્ટીનું ગમે તે થાય અને ભલે તેઓ હાથ જોડીને આવે તો પણ તેમને સામેલ નહીં કરીશું. તેઓ બિહારની જનતાને આ વચન આપતા હતા. પરંતુ હવે નીતીશ કુમારની બિમારીએ તેમને પણ અસર કરી છે અને તેઓ પણ ભૂલી ગયા છે.
શરદ પવારની પણ આવી હતી પ્રક્રિયા
શરદ પવારે બિહારમાં મહાગઠબંધનને ખતમ કરવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'તેઓ બીજેપી વિરુદ્ધ INDIA ગઠબંધન પર કામ કરી રહ્યા હતા, મને નથી ખબર કે, અચાનક એવું શું થયું કે, તેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા. પરંતુ ભવિષ્યમાં જનતા તેમને તેમની આ ભૂમિકા માટે જરૂર પાઠ ભણાવશે.'