મોટીવેશનલ સ્પીકર, યુ ટયુબર ચૈતન્ય મહારાજની તોડફોડ કેસમાં ધરપકડ
ભાઈઓ અને સંબંધીઓ સાથે મળી રસ્તો ખોદી કાઢ્યો
પ્લોટના વિવાદમાં જેસીબી દ્વારા તોડફોડથી ગેસ પાઈપલાઈનને નુકસાન કરી જાહેર જોખમ સર્જ્યું
મુંબઇ : પિંપરી ચિંચવડમાં કીર્તન ગાયક અને યુટયુબર ચૈતન્ય વાડેકરે તેમના બંને ભાઈઓ અને સંબંધી સાથે મળીને તેમના ઘરની નજીક રહેલ કંપની પ્લોટ પર જેસીબી અને પોકલેન મશીનનો ઉપયોગ કરીને ગેરકાયદે રસ્તો ખોદીને જાહેર સલામતી માટે જોખમ ઉભું કરવા તથા જેસીબી અને પોકલેન મશીનનો ઉપયોગ કરીને ગેસ પાઈપલાઈનને નુકસાન પહોંચાડવા બદલ પોલીસે ગઈકાલે મધ્યરાત્રીએ ચૈતન્ય વાડેકર સહિત તેમના બે ભાઈઓ અને એક સંબંધીની ધરપકડ કરી હતી.
વિગત મુજબ, ચૈતન્ય મહારાજ વાડેકર મ્હાલુંગે વિસ્તારમાં રહે છે. ચૈતન્ય વાડેકર યુટયુબર અને રીલ્સ બનાવતો હોવાથી તેના લાખો ચાહકો છે. ચૈતન્ય યુટયુબર વિડીયો દ્વારા યુવાનોને મોટીવેશન અને સલાહ સુચનો આપે છે.તેથી તેમની ધરપકડથી તેમના ચાહકોને પણ આધાત લાગ્યો હતો.
આ મામલે પોલીસના જણાવ્યા મુજબ, તેમના ઘરની નજીક એક કંપની છે. જેમાં કંપની તરફ જતા રસ્તા તથા પ્લોટને લઈને બિલ્ડર અને ચૈતન્ય વચ્ચે ઘણા વર્ષોથી વિવાદ છે. જેમાં વાડેકર પરિવારનો આક્ષેપ છે કે બિલ્ડરે તેમની જમીન પચાવી પાડી છે અને તેના ઉપર આ કંપની બનાવી છે. આ અંગે કોર્ટમાં પણ લડાઈ ચાલી રહી છે.
જો કે, બુધવારે રાત્રે ચૈતન્ય વાડેકર અને તેના બે ભાઈઓ તથા એક સંબંધી દ્વારા જેસીબી અને પોકલેન મશીન વડે ગેરકાયદેસર રીતે કંપની તરફનો ખાનગી માર્ગ ખોદી નાખીને કમ્પાઉન્ડ દીવાલ તોડી પાડીને આ તમામ લોકો કંપની પ્લોટમાં ઘુસી ગયા હતા. જેમાં ઉચ્ચ વોલ્ટેજ પાવર લાઈનને પણ નુકસાન થયું હતું. તો ત્યાં સ્થિત ગેસ પાઈપલાઈનમાં પણ ભંગાણ થયું હતું. જેથી ગેસ લીક થયો હતો. જેના કારણે સ્થાનિકો માટે ગંભીર જોખમ ઉભુ થયું હતું.
આ ઘટના બાદ, કંપનીના મેનેજરે મ્હાંલુંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ચૈતન્ય વાડેકર, અમોલ, પ્રમોદ અને ઋષિકેશ સામે કેસ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.