નિયમોની ઐસીતૈસી માટે ભાવેશ ભિંડેને 100થી વધુ નોટિસો અપાઈ હતી
એજન્સીઓ નોટિસ ફટકારતી રહી અને ઘાટકોપરમાં 17નો જીવ ગયો
આટલી બધી નોટિસો છતાં પણ ભિંડેની કંપનીને કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાયા, પ્રોજેક્ટમાથી કેટલી આવક કરી તે અંગે તપાસ
મુંબઇ : ઘાટકોપર હોર્ડિંગ-ટ્રેજેડી માટે જવાબદાર હોર્ડિંગ કંપની ઈગો મીડિયાના માલિક ભાવેશ ભિંડેની સામે ૧૦૦થી વધુ નોટિસ અને પેનાલ્ટી ઇસ્યૂ કરવામાં આવી છે. આ તમામ મામલા બિલબોર્ડના નિયમોના ઉલ્લંઘન સંબંધી છે તેવું પોલીસ સ્ત્રોતોથી જાણવા મળ્યું છે. ૧૩મે તારીખે ઘાટકોપરના પંતનગર સ્થિત પેટ્રોલપંપ પરનું ૧૪,૦૦૦ ચોરસ ફીટ કદ ધરાવતું જંગી હોર્ડિંગ તૂટી પડયું હતું જેના નીચે દબાઇ જવાથી ૧૭ વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ૭૫ને ઇજા થઇ હતી.
ભિંડેને આટલી બધી નોટિસો ફટકારાઈ હતી તેનાથી એ સ્પષ્ટ થયું હતું કે તે નિયમોનાં ઉલ્લંઘનનની ટેવ ધરાવતો હતો.
બુધવારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કેસની વિસ્તૃત તપાસ કરી શકાય તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી હતી. એસઆઇટીમાં છ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.મુખ્ય આરોપી ભાવેશ ભિંડેના નિવાસસ્થાન પર એસઆઇટીએ તપાસ કરી હતી અને કેસ સંબંધી મહત્વના દસ્તાવેજો કબ્જે કર્યા હતા તેવું મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના સ્ત્રોતોથી જાણવા મળ્યું છે. ભિંડે વિવિધ બેંકોના સાત ખાતા ધરાવે છે તેવું સર્ચ ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું હતું. ભિંડેએ કયા સંજોગોમા હોર્ડિંગ કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો અને પ્રોજેક્ટમાંથી કેટલી આવક કરી હતી તેની પણ એસઆઇટી તપાસ કરી રહી છે.
ભિંડેની કંપની સાથે સંકળાયેલા મહત્વના કર્મચારીઓના નિવેદન તપાસના ભાગરૃપે નોંધવામાં આવ્યા છે તેવું મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના સ્ત્રોતોથી જાણવા મળ્યું છે. ૧૭મે તારીખે કેસ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
ભાવેશ ભિંડેની ૧૬મે તારીખે ઉદયપુરથી અટકાયત કરવામાં આવી હતી. તેની પાસેથી પાંચ મોબાઇલ ફોન અને છ સિમ કાર્ડ મળી આવ્યા હતા. મુંબઈની સ્થાનિક કોર્ટે ભિંડેને ૨૬મે તારીખ સુધી પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપ્યા છે.
બૃહન્મુંબઇ મહાનગરપાલિકાની પરવાનગી વગર ગર્વર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ની જમીન પર ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડે હોર્ડિંગ ઉભા કર્યા હતા તેવું તપાસમાંથી જાણવા મળ્યું છે. હોર્ડિંગનું સ્ટ્રક્ચરલ ઓડિટ પણ કંપનીએ કરાવ્યું ુન હતું અને કથિત રીતે હોર્ડિંગના કન્સ્ટ્રક્શનમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો.