બાણગંગામાં વારાણસીની જેમ ભક્તિ પરિક્રમા માર્ગ રચાશે
પૌરાણિક સ્થળે પ્રભુ રામજીના પાવન પગલાં થયાં હતાં
પગથિયા પાસેના ઝૂંપડા હટાવીને રહેવાસીઓનું પુનર્વસન કરાયુંઃ તળાવનાં પથ્થરનાં પગથિયાંનું સમારકામ કરાશે
મુંબઈ : પ્રભુ રામ, સીતા અને લક્ષ્મણના પાવન પગલાંથી પવિત્ર થયેલા દક્ષિણ મુંબઈના વાલકેશ્વરમાં આવેલા પ્રાચીન બાણગંગા તળાવને નવો ઓપ આપવાની કામગીરી પાલિકાએ હાથ ધરી છે.
સૌથી પહેલાં તો તળાવમાંથી કાંપ કાઢી ઊંડુ બનાવવામાં આવશે અને ૧૬ દિપસ્તંભનું સૌંદર્યકરણ કરવામાં આવશે. પાલિકાના 'ડી' વોર્ડના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ તળાવના પથ્થરના પગથિયાનું સમારકામ કરવામાં આવશે.
વારાણસીની જેમ તળાવકાંઠે વર્તુળાકાર ભક્તિ પરિક્રમા માર્ગ રચવામાં આવશે. આ નવીનીકરણનું કામ ત્રણ તબક્કામાં કરવામાં આવશે.
પહેલાં તબક્કામાં પથ્થરના પગથિયાંનું સમારકામ, તળાવ પરિસરના દીપસ્તંભને પુનઃ બાંધણી, આકર્ષક રોશની કરવામાં આવશે. બીજા તબક્કામાં તળાવની આસપાસના ઘરોમાં એકસરખો રંગ કરવામાં આવશે. રામકુંડ પુનર્જિવીત કરવામાં આવશે. મંદિરની જાળવણીનું કાર્ય કરાશે.
ત્રીજા તબક્કામાં બાણગંગા અને અરબી સમુદ્રના કિનારા વચ્ચે માર્ગ તૈયાર કરવામાં આવશે. આ માટે સૌથી પહેલાં તો જે ઝૂંપડપટ્ટીઓ હટાવીને ઝૂંપડાવાસીઓનું પુનર્વસન કરવામાં આવશે. અત્યાર સુધીમાં પગથિયા પાસેથી ૧૩ ઝૂંપડા હટાવીને તેના રહેવાસીઓનું પુનર્વસન કરવામાં આવ્યું છે.