અકસ્માતમાં રાહદારીના મૃત્યુના કેસમાં બેસ્ટ બસનો ડ્રાઈવર 27 વર્ષે દોષમુક્ત
બેદરકારીથી વાહન ચલાવ્યાનું પુરવાર ન થયું, જાતે હોસ્પિટલ લઈ ગયો હતો
અકસ્માતને પગલે બરતરફ કે સસ્પેન્ડ કરાયો હોય તો ત્યારના પગારની ભરપાઈ સાથે ફરી ફરજ પર લેવા તથા નિવૃત્તિ લાભો આપવા આદેશ
મુંબઈ : ૨૭ વર્ષ પૂર્વે રાહદારીના મૃત્યુ સંબંધે બેસ્ટ બસના ડ્રાઈવરને થયેલી સજા બોમ્બે હાઈ કોર્ટે રદબાતલ કરીને નોધ કરી હતી કે બેદરકારીથી વાહન ચલાવ્યાનો કોઈ પુરાવો નથી.
ન્યા. મિલિંદ જાધવની બેન્ચે બસ ચાલક શિવાજી કરણેને મુક્ત કરીને જણાવ્યું હતું કે સરકારી પક્ષ પુરવાર કરી શક્યો નથી કે અકસ્માત તેના બેદરકારીથી વાહન ચલાવવાને લીધે થયો છે. કોઈ સાક્ષીદારે જણાવ્યું નથી કે કરણે પૂરપાટે વાહન ચલાવતો હતો અને ટ્રાફિક સિગ્નલ તોડયું હતું.
ઘટનાને લીધે એક વ્યક્તિનું મોત થયું હોવાની વાતમાં કોઈ શંકા નથી પણ જ્યારે બેદરકારીથી વાહન ચલાવ્યાનો કોઈ પુરાવો નથી તો અરજદારને કસૂરવાર ઠેરવવો અયોગ્ય છે, એમ કોર્ટે જણાવ્યું હતું. કરણેએ પોતે જ મૃતકને હોસ્પિટલમાં ખસેડયો હોવાની વાતની પણ કોર્ટે નોંધ લીધી હતી.
ઈજાગ્રસ્તના મૃત્યુને કારણે મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટ લાગણીમાં તણાઈ ગયા હોવાનું જણાય છે, એમ પણ બેન્ચે જણાવ્યું હતું.
મેજિસ્ટ્રેટ કોર્ટે કરણેને બેદરકારીથી વાહન ચલાવવા અને મોત નીપજાવવાના આરોપસર કસૂરવાર ઠેરવ્યો હતો અને સેશન્સ કોર્ટે પણ ૨૦૦૨માં આદેશ બહાલ રાખ્યો હતો.
કરણેને ત્રણ મહિનાની સાદી જેલની સજા થઈ હતી અને તેને કસ્ટડીમાં લઈને બે મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન પર મુક્ત કરાયો હતો. બીજી ડિસેમ્બર ૧૯૯૭માં કરણે ચિરાબહજારથી ક્રાફર્ડ માર્કેટ બસ લઈ જઈ રહ્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર વળાંક લેતી વખતે રસ્તો ઓળંગી રહેલો શખસ ભટકાયો હતો. કરણે અને બસ કન્ડક્ટર તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેને મૃત ઘોષિત કરાયો હતો.
કોર્ટે નોંધ કરી હતી કે ઘટના વખતે કરણે ૩૨ વર્ષનો હતો અને અત્યારે ૫૮ વર્ષનો હશો. જો તેને કસૂરવાર ઠેરવતા આદેશને લીધે સેવામાંથી બરતરફ કરાયો હોય કે સસ્પેન્ડ કર્યો હોય તો તેને એ વખતના પગારની ભરપાઈ સાથે સેવામાં લેવાનો રહેશે. કરણે નિવૃત્ત થાય તો બેસ્ટે તેને નિવૃત્તિના લાભ આપવાના રહેશે, એમ આદેશમાં જણાવ્યું હતું.