Get The App

માનવીય ભૂલ, અયોગ્ય તાલીમના કારણે બેસ્ટ બસની દુર્ઘટના સર્જાઇ

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
માનવીય ભૂલ, અયોગ્ય તાલીમના કારણે બેસ્ટ બસની દુર્ઘટના સર્જાઇ 1 - image


રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના અધિકારીનો દાવો

ઇલેક્ટ્રિક બસની હેડલાઇન, બ્રેક્સ અન્ય તમામ સિસ્ટમ સારી રીતે કામ કરતી હતી

મુંબઇ :  કુર્લામાં બેસ્ટ બસનો જીવલેણ અકસ્માત માનવ ભૂલ અને યોગ્ય તાલીમના અભાવે થયો હતો એમ મુંબઇ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું. કુર્લામાં સોમવારે રાતે અકસ્માતમાં સાતના મોત અને ૪૨ જણ ઘાયલ થવાની ઘટના બાદ તરત જ વડાલા રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)ની ઇન્વેસ્ટિગેશન ટીમને તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇલેક્ટ્રિક બસની બ્રેક સારી રીતે કામ કરતી હતી.

કુર્લા (પશ્ચિમ)માં એસજી બર્વે માર્ગ પર પાલિકા સંચાલિત બૃહન્મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની ઇ- બસે સોમવારે રાતે ૯.૩૦ વાગ્યે રાહદારીઓ અને વાહનોને અડફેટમાં લીધા બાદ ડ્રાઇવર સંજય મોરે (ઉં.વ. ૫૪)ની ધરપકડ કરવામાં આવી હતી.

શરૃઆતમાં બ્રેક ફેલ થવાના કારણો અકસ્માત થયો હોવાની શંકા હતી. ડ્રાઇવર મોરેના પરિવારે પણ એવો દાવો કર્યો હતો કે બ્રેક ફેલ થવાને કારણે ઘટના બની હતી. અને મોરેએ દારૃ પીધો ન હતો. ઇન્સ્પેક્ટર ભરત જાધવની આગેવાની હેઠળ વડાલા આરટીઓની એક ટીમે બેસ્ટના કુર્લા ડેપોમાં બસનું નિરીક્ષણ પૂર્ણ કર્યું હતું.  અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આરટીઓની ટીમે બસની તપાસ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે તેની બ્રેક સારી રીતે કામ કરી હતી.

જો કે તપાસ અહેવાલ સબમિટ કરતા પહેલા તેઓ કેટલીક વધુ બાબતની તપાસ કરવા માગે છે. તેમણે ઓલેક્ટ્રા અને બેસ્ટ બંને પાસેથી કેટલીક વિગતો માંગી છે. અધિકારીએ જણાવ્યું કે એવું લાગે છે કે જૂની બસોની જેમ કલચ અને ગિયર વિનાની ઓટોમેટિક ટ્રાન્સમિશન બસને હેન્ડલ કરવામાં ડ્રાઇવર બિનઅનુભવી હતો. ૧૨ મીટર લાંબી બસને ચલાવવાની પરવાનગી આપતા પહેલા ડ્રાઇવરને યોગ્ય તાલીમ આપવામાં આવી ન હતી.

ડ્રાઇવરને ઓટોમેટિક ટ્રાન્સમિશન બસ ચલાવવાનો અનુભવ ન હોય તો તેને એક્સિલરેશન અને બેક્રિંગનો યોગ્ય નિર્ણય લઇ શકતો નથી. આથી માનવીય ભૂલને કારણે અકસ્માત સર્જાયો હોય એવું લાગે છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું. અકસ્માતગ્રસ્ત બસના આરટીઓના નિરીક્ષણ દરમિયાન તેની હેડલાઇન, બ્રેક્સ અને અન્ય તમામ સિસ્ટમો સારી રીતે કામ કરતી હોવાનું માલૂમ પડયું હતું.

ઇલેક્ટ્રિક બસ માત્ર ત્રણ મહિના જૂની હતી. તે  ૨૦ ઓગસ્ટના એવે ટ્રાન્સના નામે નોંધાયેલી હતી. આરટીઓ સૂત્રોના જણાવ્યા મુજબ પુણે સ્થિત તૃતીય-પક્ષ એજન્સી દ્વારા ડ્રાઇવરને રાખવામાં આવ્યો હતો. બસની અંદરના ત્રણ સીસીટીવી કેમેરાની તપાસણી કરાઇ હતી. તેમના ફૂટેજ સૂચવે છે કે ૫૨થી ૫૫ સેકન્ડમાં જ ગમખ્વાર અકસ્માત થયો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

બેસ્ટના રેકોર્ડ મુજબ સોમવારે બપોરે લગભગ ૨.૪૫ વાગ્યે ડ્રાઇવરે ડયુટી પર આવવાની સહી કરી હતી ત્યારબાદ રાતે ૯.૩૫ વાગ્યે દુર્ઘટના બની હતી. ઇ- બસ ૪૦૦થી ૪૫૦ મીટરના અંતર બાદ પ્રથમ એક વાહનને ટક્કર મારી હતી. પછી રાહદારીઓ અન્ય વાહનને અડફેટમાં લઇ છેવટે કુર્લા સ્ટેશનથી સાકીનાકા તરફ જતી વખતે એસજી બર્વે રોડ પરની હાઉસિંગ સોસાયટીની દિવાસ સાથે ટકરાઇ અટકાઇ ગઇ હતી. 

બસની પ્રથમ વાહન સાથે અથડામણ થયા બાદ ડ્રાઇળર ગભરાઇ ગયો હતો અને કદાચ સ્પીડ વધારી દીધી હશે એવી પણ શંકા છે. રેકોર્ડ મુજબ ડ્રાઇવર ૨૯  નવેમ્બર, ૨૦૨૪ના ફરજમાં જોડાયો હતો તેને ૧ ડિસેમ્બરથી ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે આપવામાં આવી હતી. ડ્રાઇવરના પરિવાર અને બેસ્ટ પ્રશાસને તેની તાલીમને લઇને વિરોધાભાસી નિવેદનો કર્યા છે.

પત્રકારો સાથે વાત કરતા બેસ્ટના જનરલ મેનેજર અનિલ દિગ્ગીકરે દાવો કર્યો હતો કે આરોપી સંજય મોરેને ત્રણ દિવસની ઇન્ડક્શન ટ્રેનિંગ આપવામાં આવી હતી જ્યારે મોરેના પુત્રએ દાવો કર્યો કે તેના પિતાને ૯થી ૧૦ દિવસની તાલીમ અપાઇ હતી. બેસ્ટના રેકોર્ડ મુજબ આરોપી મોરે નવેમ્બર, ૨૦૨૦થી સાતથી નવ મીટરની ટેમ્પો ટ્રાવેલર મીની બસ ચલાવી કરહ્યો હતો પરંતુ તેને ૧૨ મીટરની ઇલેક્ટ્રિક બસ ચલાવવાનો કોઇ અનુભવ નહોતો.

આ પહેલા તેણે એમપી ગુ્રપમાં કામ કર્યું હતું. આ ગુ્રપે તાજેતરમાં તેની લગભગ ૨૮૦ મીની બસોને બેસ્ટની કામગીરીમાંથી પાછી ખેંચી છે. એક નિવૃત આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે ઓટોમેટિક  ટ્રાન્સમિશન ઇળેક્ટ્રિક બસો અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ફોસિલ ફ્યુઅલ બસમાં અલગ-અલગ મિકેનિઝમ હોય છે. આથી તેમને  ડ્રાઇવિંગ કરવાની આદત પાડવામાં થોડો સમય લાગે છે. આથી અકસ્માત કદાચ જ્ઞાાનના અભાવને કારણે માનવીય ભૂલ છે. ડ્રાઇળરને કદાચ જ્ઞાાન ન હતું કે ઓટોમેટિક ટ્રાન્સમિશન ઇલેક્ટ્રિક બસમાં એર- આસિસ્ટેડ બ્રેકિંગ સિસ્ટમ નથી.

મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભીમનવરે જણાવ્યું હતું કે આરટીઓની ટીમે બસની તપાસ કરી છે.

પરંતુ ઓલેક્ટ્રાના એન્જિનિયરોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. અમારી ટીમે સેટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) મુજબ  બસની તપાસ કરી છે. તેઓ તેમનો રિપોર્ટ મુંબઇ પોલીસને સુપરત કરશે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.



Google NewsGoogle News