સંજય રાઉતને ભડકાઉ ભાષણ બદલ બેલગાંવની કોર્ટના સમન્સ
શિવસેના નેતા ફરી મુશ્કેલીમાં
મને કોર્ટમા બોલાવી હુમલો કરવાનું કાવતરું: હાલ જ જામીન પર છુટેલા સાંસદનો આરોપ
મુંબઈ : ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉત હજી હાલમાં જ પતરા ચાલ કૌભાંડમાં સો દિવસ જેલવાસ ભોગવીને જામીન પર છૂટયા છે તેવામાં તેમની સામે ફરી ધરપકડની તલવાર લટકી રહી છે. ઉશ્કેરણીજનક ભાષણ કરવાના કેસમા ંબેલગાંવ કોર્ટે તેમની સામે સમન્સ જારી કર્યા છે. તેમને પહેલી ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ કરેલા ભાષણ પ્રકરણે આ સમન્સ બજાવાયા છે.
બેલગાંવ કોર્ટે આપેલા સમન્સ અને પોતે કરેલા ભાષણ વિશે સંજય રાઉતે જણાવ્યું હતું કે સીમા વિસ્તારના બંધુઓ પર કર્ણાટક સરકાર હુમલા કરશે કે કાયદાના જોરે તેમને જેલમાં નાખશે ત્યારે મહારાષ્ટ્રમાં તેના પ્રત્યાઘાત પડશે. એમાં ઉશ્કેરણી ક્યાં આવી? એ મને સમજાતું નથી, ૨૦૧૮માં કરેલા ભાષણની દખલ લઈને મને હવે કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવી રહ્યું છે એનો અર્થ કે હું ત્યાંની કોર્ટમાં જાઉ ત્યારે કોર્ટમાં ગયા બાદ મારા પર હુમલો કરવામાં આવે, એવી મને માહિતી મળી છે.
તેમણે વધુમાં જણાવ્યુંહતું કે મને બેલગાંવની જેલમાં નાખવાનું કાવતરું ચાલી રહ્યું હોવાનું બે દિવસથી સંભળાઈ રહ્યું છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમ્મઈએ મહારાષ્ટ્ર સંબંધે કરેલું નિવેદન પણ ચાર દિવસ પૂર્વેનું છે. મહારાષ્ટ્રના સોલાપુર અને સાંગલી વિસ્તારને તોડીને કર્ણાટકમાં લેવા સંબંધી તેમણે વક્તવ્ય કર્યું હતું હતું. તેમણે એક મુદ્દો છંછેડયો છે.એવામાં અમારા જેવા મહારાષ્ટ્રના સ્વાભિમાન માટે લડત ચલાવનારા લોકોને કાયદામાં સંડોવીને તેમને બેલગાંવ બોલાવીને હુમલા કરવાનું કાવતરું તૈયાર થઈ રહ્યાનું જણાય છે. આની દખલ સરકારે લેવી જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.
શિવસેનાએ સીમાના બાંધવો માટે ૬૯ હુતાત્મા આપ્યા છે. હું બેલગાંવનો ૭૦મો હુતાત્મા બનવા તૈયાર છું, એમ રાઉતે જણાવ્યું હતું. બાળાસાહેબ ઠાકરેએ સીમાના પ્રશ્ન માટે ત્રણ મહિના જેલ ભોગવી હતી. શિવસૈનિકોએ ત્રણ દિવસ મુંબઈ સળગાવ્યું હતું. આ જ્વાળા હજી કાયમ છે. મહારાષ્ટ્ર માટે મારી ધરપકડ થવાની હશે તો હું બેલગાંવ જઈશ.