પરિણામ પહેલાં સીએમ પદની હોડ શરુ, શિંદે અને ફડણવીસ વચ્ચે હુંસાતુંસી
ફડણવીસ મતદાન પછી તરત જ સંઘના વડા ભાગવતને મળવા દોડયા
ભાજપમાં જ એક મોટું જૂથ ફડણવીસ સીએમ ન બને તે માટે પ્રયાસરત, આઘાડીમાં કોંગ્રેસ અ ે ઉદ્ધવ જૂથ સામસામેઃ શરદ પવાર સુપ્રિયાને સરપ્રાઈઝ કેન્ડિડેટ બનાવી શકે
ચાર નાના પક્ષોના હાથમાં સત્તાની ચાવી હોવાથી સત્તા જાળવવા બે મોટા રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ કોઈપણ સમજૂતી સાધી શકે
મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભાનું પરિણામ જાહેર થાય તે પહેલાં શાસક મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડી બંનેમાં સીએમ પદ માટે હોડ શરુ થઈ ગઈ છે. ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ તરત જ દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં સંઘના વડા મોહન ભાગવતને મળ્યા હતા. તેમણે સીએમ પદ માટે સંઘના આશીર્વાદ માગ્યા હોવાનું કહેવાય છે. જોકે, રાજ્યમાં ફરી મહાયુતિની જ સરકાર રીપિટ થાય તો તે માટે એકનાથ શિંદેના નેતૃત્વને ક્રેડિટ મળવી જોઈએ તેવી દલીલ સાથે શિંદે સેનાએ પણ સીએમ પદ પર પોતાનો દાવો મજબૂત બનાવ્યો છે. રસપ્રદ એ છે કે શિંદેને સીએમ બનાવવા માટે ભાજપના જ કેટલાક નેતાઓ ઈચ્છુક છે. તેઓ કોઈપણ સંજોગોમાં ફડણવીસને છૂટો દોર મળે તેમ ઈચ્છતા નથી. બીજી તરફ મહાવિકાસ આઘાડીમાં પણ સીએમ પદ માટે ઉદ્ધવ જૂથ તથા કોંગ્રેસ વચ્ચેના મતભેદો ફરી સપાટી પર આવી ચૂક્યા છે. કોઈપણ જોડાણ સરકાર બનાવે તેમાં અજિત પવાર અને શરદ પવારની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. આ સંજોગોમાં શરદ પવાર સમાધાનના ભાગરુપે સુપ્રિયા સૂળેને પણ સીએમ તરીકે આગળ ધરે તેવી અટકળો પણ નકારાતી નથી.
બંને એનસીપી અને બંને સેના કોઈપણ હદે જઈ શકે
પરિણામ ગમે તે આવે પરંતુ એટલું નક્કી છે કે મહાયુતિમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે અને આઘાડીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે. જોકે, મોટો પક્ષ હોય તે જ સરકાર રચે તેવું જરુરી નથી. મહારાષ્ટ્રમાં ભૂતકાળમાં એનસીપી અને કોંગ્રેસની યુતિ હતી ત્યારે પણ એનસીપીની વધુ બેઠક હોવા છતાં પણ કોંગ્રેસના સીએમ બન્યા હતા. વર્તમાન સરકારમાં પણ એકનાથ શિંદે કરતાં બે ગણાથી પણ વધારે ધારાસભ્ય ભાજપના હોવા છતાં પણ શિંદે સીએમ બન્યા છે. આમ, ટેકો આપનાર પક્ષ સીએમ પદ માટે મમત પકડે તો સૌથી વધુ બેઠક ધરાવનાર પક્ષે પણ નમતું જોખવું પડે તેવું બની શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો છે પરંતુ તેમની સામે હવે બે શિવસેના અને બે એનસીપી એમ કુલ ચાર પ્રાદેશિક પક્ષો છે. આ ચારેય પ્રાદેશિક પક્ષોમાંથી કોઈને પણ ૪૦ કરતાં વધુ બેઠકો મળે તેવા સંજોગોમાં તેઓ મોટા પક્ષ પાસે ધાર્યુ ંકરાવવાની જીદ પકડી શકે તેમ છે. આ ચારેયમાંથી એકેય પક્ષ વર્તમાન જોડાણને સો ટકા વફાદાર રહેશે જ તેમ કોઈ છાતી ઠોકીને કહેવાની સ્થિતિમાં નથી. આ સંજોગોમાં રાષ્ટ્રીય પક્ષોએ સમાધાન કરવું પડે તેવું પણ બની શકે છે.
૨૦૧૯ પછી બધાએ બધી શરમ મૂકી દીધી
૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી ભાજપ અને ત્યારની અવિભાજિત શિવસેના સાથે મળીને લડયાં હતાં. જોકે, તે પછી મુખ્યપ્રધાનપદ માટેની શિવસેનાની જીદના કારણે પરિણામ પછી આ યુતિ તૂટી હતી. ત્યારબાદ કોઈને કલ્પનામાં ન આવે તે રીતે ભાજપ અને અજિત પવારે સરકાર રચી હતી. જોકે, આ સરકાર થોડા કલાકોમાં જ ગબડી પડયા બાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનું વધુ એક અણધાર્યું જોડાણ રચાયું હતું. આ જોડાણ અઢી વર્ષ ચાલ્યા બાદ શિવસેનામાં બળવો થતાં એક ફાંટો ભાજપ સાથે જોડાયો હતો. આઘાડીએ સત્તા ગુમાવી હતી અને તેની જગ્યાએ ભાજપ અને શિંદેની ભાગીદારીની સત્તા રચાઈ હતી. ત્યારબાદ અજિત પવારે પણ એનસીપીમાં ભાગલા સર્જ્યા હતા અને તેઓ વિપક્ષી છાવણી છોડી સરકારમાં જોડાઈ ગયા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તમામ પક્ષો સત્તા ખાતર તડજોડનો ખેલ ૨૦૧૯થી સતત અજમાવતા રહ્યા છે અને આ વખતે પણ તેનું પુનરાવર્તન કરવામાં તેમને કોઈ છોછ નહિ નડે.
ભાજપ શિંદેને વધુ સાંખી લેવા તૈયાર નહિ પણ શિંદે અડગ
ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહ ફડણવીસને સીએમ બનાવવા સ્પષ્ટ ઈશારો આપી ચૂક્યા છે. છેલ્લાં અઢી વર્ષમાં ભાજપના એકથી વધુ નેતાઓ જાહેરમાં કહી ચૂક્યા છે કે તેમને મન ફડણવીસ જ સીએમ છે અને શિંદેને સીએમ બનાવવા એ તેમની રાજકીય મજબૂરી છે. મતદાન પૂર્ણ થયા પછી તરત જ ફડણવીસ સંઘના વડા મોહન ભાગવતને મળવા ધસી ગયા હતા. તેઓ સીએમ પદ માટે ફરી સંઘના આશીર્વાદ મેળવવા ગયા હોવાનું મનાય છે. ભાજપને એ પણ ડર છે કે શિંદેને એકવાર શિવસેનામાં ભાગલા પડાવવા માટે સીએમ પદ આપી દીધું પરંતુ હવે તેમને વધારે મુદ્દત માટે સીએમ બનાવવામાં આવે પક્ષના કોર સમર્થકો અને કાર્યકરો નાસીપાસ થઈ શકે છે. શિંદે વધુ મજબૂત બને તો આગામી વર્ષોમાં મહારાષ્ટ્રમાં એકલા હાથે સત્તા મેળવવાની ભાજપની મુરાદ પર પાણી ફરી વળી શકે છે. જોકે, ભાજપના જ કેટલાક નેતાઓ ફડણવીસને રાજ્યના ટોચના નેતા તરીકે વધુ સાંખી લેવા તૈયાર નથી. આ માટે જ ભાજપમાં વિનોદ તાવડ જેવા નેતાઓનાં નામ સીએમ પદના દાવેદાર તરીકે ચર્ચાયા કરે છે. જોકે, શિંદે પણ સીએમ પદે ટકી રહેવા માટે અડગ છે. લોકસભા તથા વિધાનસભા બંને ચૂંટણીઓની બેઠક સમજૂતીમાં તેમણે ભાજપ હાઈકમાન્ડ પાસે ધાર્યું કરાવ્યું છે. તેઓ લોકસભા બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ સારા સ્ટ્રાઈક રેટના જોરે સીએમ પદ માગી શકે છે. શિંદે સત્તા ખાતર શરદ પવાર સાથે પણ સમજૂતી સાધી શકે છે તેવો ભાજપને ડર છે.
કોંગ્રેસ કે ઉદ્ધવ મોકો છોડવા તૈયાર નહિ
આઘાડીમાં કોંગ્રેસ કે ઉદ્ધવ બેમાંથી કોઈપણ સરકારની રચનાનો મોકો છોડવા તૈયાર નથી. કોગ્રેસ લોકસભા પછી પોતાના રિવાઈવલ પર મુસ્તાક છે. તેણે આઘાડીમાં બેઠક સમજૂતીમાં સૌથી વધુ ૧૦૧ બેઠક મેળવી છે. કોંગ્રેસને ભરોસો છે કે કોઈપણ સિનારિયોમાં શરદ પવાર તેને જ સાથ આપશે .જોકે, ઉદ્ધવ સત્તા પર પુનરાગમન માટે તલપાપડ છે. જરુર પડે તો ઉદ્ધવ ફરી ભાજપ તરફ નહિ સરકે તેવું માનવાન કોઈ કારણ નથી.
શરદ અને અજિત પવાર પર નજર
અજિત પવાર પોતાની જાતને સીએમ તરીકે પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. તેઓ ટેકાના બદલામાં કોઈની પણ સાથે સોદાબાજી કરી શકે છે. બીજી તરફ શરદ પવાર પક્ષમાં ભાગલા પછી પણ મહત્તમ બેઠકો સાથે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ભાજપ, કોંગ્રેસ કે ઉદ્ધવ સાથે સમાધાનના ભાગરુપે સુપ્રિયાને સીએમ બનાવવાના પાસો ફેંકી શકે તેમ છે.