બાઝ પ્લેયર મોહિનીનો ખુલાસો, રહેમાન મારા માટે પિતા સમાન
અફેરની અફવાઓ વચ્ચે ખુલાસો
બંનેએ સાથે સાથે છૂટાછેડાની જાહેરાત કરતાં અફેર હોવાની અફવા ચગી હતી
મુંબઇ : એ આર રહેમાને પત્ની સાયરાબાનુ સાથે છૂટાછેડાની ઘોષણાકરી હતી તેના બીજ જ દિવસે રહેમાનની ટીમની બાઝ પ્લેયર મોહિનીએ પતિ સાથે છૂટાછેડાની ઘોષણા કરી હતી. પરિણામે બન્ને વચ્ચે અફેર હોવાની અટકળો શરુ થઈ હતી. અંતે મોહિની ડે એ તેના અને એ આર રહેમાનના સંબંધને લઇને ચૂપકીદી તોડતાં કહ્યું છે કે, એ આર રહેમાન તો મારા પિતા સમાન છે.
બાઝ પ્લેયર મોહિનીએ તેના અને એ આર રહેમાના સંબંધોની અફવાનું ખંડન કરતાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તેમને પિતા સમાન જણાવ્યા છે. મોહિની એ કહ્યું છે કે હું અમેરિકા ગઇ તે પહેલાં મેં એ આર રહેમાન સાથે ૮. ૫ વરસ સુધી કામ કર્યું છે. હું છેલ્લા ઘણા વરસોથી અમેરિકામાં ઘણા પોપ કલાકારો સાથે જોડાયેલી છું. હાલ હું મારા કામમાં વ્યસ્ત હતી, પરંતુ હવેે મારે આ અફવાઓનું ખંડન કરવાની જરુર છે. તેણે વીડિયોમાં એમ પણ કહ્યું છે કે, રહેમાન મારા પિતા કરતાં નાના છે, અને રહેમાનની પુત્રીઓ લગભગ મારી જ વયની છે.
તેણે લખ્યું છે કે અમારા અંગત જીવનની ઘટનાઓને આમ અશ્લીલ રીતે રજૂ કરાશે તેવી મને કલ્પના પણ ન હતી. લોકોની માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની થઈ ગઈ છે તેનો આ પુરાવો છે.