બાપ્પાને મુંબઈની ભાવભરી વિદાય, 37 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન
ગિરગાવ, દાદર, જૂહુ, અક્સા બીચ પર માનવમહેરામણ
બુધવાર સવાર સુધી વિસર્જન ચાલતું રહ્યું, ૨૪ હજાર જવાનો સાથે બચાવ ટૂકડીઓ ઉપરાંત પાલિકાના સ્ટાફે 24 કલાક સુધી અવિરત ફરજ બજાવી
મુંબઈ : ગણેશોત્સવનું સમાપન થતાં લાખો મુંબઈગરાઓએ અશ્રુભરી આંખે ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી. મંગળવારથી શરુ થયેલું વિસર્જન બુધવારે સવારે પણ ચાલતું રહ્યું હતું અને મહાપાલિકાના ડેટા મુજબ આશરે ૩૭ હજારથી પણ વધારે પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.
સાતમી સપ્ટેમ્બરે પ્રારંભ થયેલા ગણેશોત્સવની પૂર્ણહુતિ ના ભાગરુપે વિસર્જનની ધામધૂમ મંગળવારે સવારથી શરૃ થઇ ગઇ હતી અને મોડી રાત સુધી ચાલી હતી. શહેરના તળાવો, દરિયાકિનારા અને કૃત્રિમ તળાવોમાં બાપાની મૂર્તિના વિસર્જન માટે તથા નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટયો હતો. લાલબાગના રાજાને સવારે ૧૦.૩૦ વાગ્યે ગિરગામંવ ચોપાટી ખાતે અરબી સમુદ્રમાં વિસર્જિત કરાયા હતા. ચીંચપોકલીચા ચિંતાવણી જેવા લાલબાગના પ્રખ્યાત મંડળ અને અન્ય મંડળોની મૂર્તિઓ પણ આ બીચ પર વિસર્જન માટે લાવવામાં આવી હતી.
ગિરગાવ ચોપાટી ઉપરાંત દાદર, જૂહુ, માર્વે, અક્સા બીચ અને ઠેરઠેર કૃત્રિમ તળાવોમાં ગણેશભક્તોએ તેમના આરાધ્યને અંતિમ વિદાય આપી હતી. પાલિકાના ડેટા મુજબ બુધવારે સવારે છ વાગ્યા સુધીમાં મુંબઇમાં વિવિધ ઠેકાણે કુલ ૩૭૦૬૪ મૂર્તિઓ જળમાં પધરાવાઇ હતી. જેમાંથી સાર્વજનિક મંડળોની ૫૭૬૨ મૂર્તિઓ હતી બાકીની ૧૧,૭૧૩ ગણેશ મૂર્તિઓ ક્રુત્રિમ તળાવોમાં વિસર્જન પામી હતી.
પાલિકાએ શહેરભરમાં વિસર્જનની વિધિ સરળ તથા સુરક્ષિત પણે પાર પડે તેના માટે વ્યાપક ગોઠવણો કરી હતી. ભીડને કાબૂમાં રાખવા ૨૪ હજાર પોલીસ કર્મચારીઓ તહેનાત કર્યા હતા તેમજ લાઇફ ગાર્ડ અને ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ રાખી હતી. સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સ, ક્વિક રિસ્પોન્સ ટીમો, રાયોટ કંટ્રોલ પોલીસ, હોમગાર્ડ્સ અને મહારાષ્ટ્ર સુરક્ષા દળને પણ સામેલ કરાયા હતા.