દિવ્યાંગ સંતાનની માતા મહિલા કર્મચારી સાથે અમાનવીય વલણ બદલ બેન્કને દંડ
પોલિસી કરતાં માનવતા મહત્વની, બિનસંવેદનશીલતાની ટીકા
પ્રમોશન જતું કરવાની તૈયારી છતાં પણ બદલી પાછી ન ખેંચતાં ટીકાઃ બાળકની સંભાળ વિશે બેન્ક કરતાં માતાને વધારે વાકેફ
મુંબઈ - દિવ્યાંગ બાળકની દેખભાળ કરવા માટે પ્રમોશન છોડી દેવાની કર્મચારીની તૈયારી હોવા છતાં બેન્કે ચેન્નાઈમાં કર્મચારીની બદલીનો નિર્ણય પાછો નહીં ખંેચવા બદલ બોમ્બે હાઈકોર્ટે ઈન્ડિયન ઓવરસીસ બેન્ક (આઈઓબી)ની બિનસંવેદનશીલતાની ટીકા કરી હતી. અદાલતે બેન્કને પચ્ચીસ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.
બેન્કના અભિગમમાં માનવિય સંવેદનાનો અભાવ હોવાનું કોર્ટે નોંધ્યું હતું. અમે બેન્કના વલણથી આશ્ચર્યચકીત છીએ. બઢતીને જતી કરવા તૈયાર હોવા છતાં મહિલા કર્મચારીને મુંબઈમાં રહેવા દેવાની વિનંતી બેન્ક સ્વીકારી શકતી નતી કેમ કે એવી કોઈ પોલિસી નથી. આવી સ્થિતિ માટે પોલીસીનો અભાવ કોઈ બાધા બની શકે નહીં પણ માલિકના સંવેદનશીલ અભિગમનો અભાવ જરૃર બાધારૃપ બને છેે. આવા કેસમાં અમે અરજદારની વ્હારે આવવાની ફરજબદ્ધ છીએ, એમ કોર્ટે ત્રીજી જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું હતું.
મહિલા કર્મચારીએ ખુલાસો કર્યો હતો કે તેનો દસ વર્ષનો પુત્ર ૯૫ ટકા નેત્રહિન છે અને પોતાની રોજિંદા જીવનને સ્વતંત્ર રીતે જીવી શકે તેમ ન હોવાથી તેને મુંબઈમાં તેની સંભાળ મારે રહેવા દેવામાં આવે. ડિસેમ્બરમાં બેન્કે આવી વિનંતી ઈમેઈલ દ્વારા કરાશે તો સ્વીકારાશે એમ પણ જણાવ્યું હતું. જોકે બેન્કે બાદમાં તેની વિનંતી ફગાવી હતી. ત્રીજી જાન્યુઆરીની સુનાવણીમાં બેન્કના વકિલે જણાવ્યું હતું કે એક વાર બઢતીને સ્વીકાર્યા પછી તે બદલી શકાતી નથી. આવા પગલાંને માન્ય કરતી કોઈ નીતિ નહોવાનું કોર્ટને જણાવાયું હતું.
બેન્કના આવા અભિગમથી કોર્ટે નિરાશા વ્યક્ત કરી હતી. કર્મચારીના બાળકની દેખભાળ ચેન્નાઈમાં પણ થઈ શકે છે એવા બેન્કના નિવેદનનો કોર્ટે વાંધો લીધો હતો.બાળકની સારસંભાળ કેવી રીતે લઈ શકાય એ માતા કરતાં બેન્ક વધુ જાણી શકે નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે બેન્કના નિર્ણયને રદ કર્યો હતો અને અરજદારને મુંબઈમાં ક્લાર્ક તરીકેના પદ પર કાયમ રાખવાનો આદેશ આપ્યો હતો. નિર્ણય બદલ મહિલાને કારકિર્દીમાં કોઈ અવળા પરિણાનો સામનો કરવાનો આવે નહીં અને ચેન્નાઈમાં આસિસ્ટંટ મેનેજર તરીકે ટૂંકા ગાળા દરમ્યાન મળેલા આર્થિક લાભ જાળવી શકે છે, એમ સ્પષ્ટતા કરાઈ હતી.
કોર્ટે બેન્ક પર પચ્ચીસ હજારનો દંડ પણ લાગ્યો છે અને આ રકમ અંધજનો માટેની નેશનલ એસોસિયેશનને આપવાનો નિર્દેશ આપ્યો છે.