સક્ષમ અધિકારીના આદેશ વિના બેન્ક એકપક્ષી રીતે ખાતું ફ્રિઝ ન કરી શકે
ખાની પેઢીનું બેન્ક ખાતું તત્કાળ ડીફ્રિઝ કરવા હાઈકોર્ટન આદેશ
એક જ દિવસમાં હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન થતાં પગલાનો બેન્કનો દાવોઃ કોઈ નોટિસ ન અપાતાં ધંધાને માઠી અસર થયાની અરજદારની દલીલ
મુંબઇ : બોમ્બે હાઇકોર્ટે એક ખાનગી બેંકને તેણે એક ભાગીદારી પેઢીના ફ્રીઝ કરેલા બેંક ખાતાને તાત્કાલિક ધોરણે ડિફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો. બુધવારના વચગાળાના એક આદેશમાં જસ્ટીસ આરિફ ડોક્ટર અને સોમશેખર સુંદરેશને જણાવ્યું હતું કે અમને જણાયું છે કે કોઇપણ સક્ષમ સત્તાધિકારીના આદેશની ગેરહાજરીમાં ગ્રાહકના બેંક ખાતાને ફ્રીઝ કરવાનો કોઇ આધાર નથી.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર બાંદ્રામાં એકાઉન્ટ ધરાવતી ચીરાબઝારની એક પાર્ટનરશીપ પેઢી જે વિવિધ વસ્તુઓનું ટ્રેડિંગ કરે છે અને નાણાકીય સેવા પૂરી પાડે છે તેમનું બેંક ખાતું ૩૧ ઓક્ટોબરના રોજ કોઇપણ પૂર્વ સૂચના આપ્યા વગર ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. તેથી આ પેઢીએ વેકેશન કોર્ટમાં એકાઉન્ટ ડિફ્રીઝ કરવાના આશયથી ધા નાંખી હતી. ખાનગી પેઢીએ તેની અરજીમાં જણાવ્યું હતું કે બેંકે કોની સૂચનાના આધારે અને શા માટે એકાઉન્ટ ડિફ્રીઝ કર્યું તેની માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
પેઢીએ તેની અરજીમાં એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેની સામે કોઇ કેસ પણ નોંધાયેલા નથી. આ પેઢીએ હાઇકોર્ટને આરબીઆઇને પેઢીના ખાતાને ગેરકાયદે ખાતુ ફ્રીઝ કરવાના સંદર્ભમાં તપાસ હાથ ધરવા અને આવી તપાસના પરિણામને આધિન, કાયદાનુસાર તેમની સામે જરૃરી કાર્યવાહી શરૃ કરવાનો નિર્દેશ આપવાની માગણી કરી હતી.
પેઢીના વકીલે બેંક તરફથી મળેલો પત્ર રજૂ કર્યો હતો અને એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે કોઇ યોગ્ય અથવા વાજબી કારણ ન હોવાનું જણાવ્યું હતું. આ પત્રમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ઉક્ત ખાતામાં થયેલ લેણ-દેણ બેંક સાથે ઉક્ત પેઢી દ્વારા અપડેટ કરાયેલ વિવરણો અનુરૃપ પ્રતીત થતું નથી. તેથી આગમચેતીના ઉપાયરૃપે આ એકાઉન્ટ ફ્રીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથેવકીલે ે દલીલ કરી હતી કે એકાઉન્ટ ફ્રીઝ કરવું એ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને મનસ્વી છે. આ નિર્ણયને લીધે પેઢીને ભોગવવું પડયું હતું કારણ કે તેઓ નિયમિત વ્યવસાય માટે ચેક જારી કરે છે અને આ એકાઉન્ટનો વ્યાપક ઉપયોગ કરે છે. હાઇકોર્ટના જજોના પ્રશ્નોના જવાબમાં બેંકના એડવોકેટે જણાવ્યું હતું કે તેમના ધ્યાનમાં એવું આવ્યું હતું કે એક જ દિવસમાં મોટી રકમ જમા કરવામાં આવી હતી અને કાઢવામાં આવી હતી. આ રીતે હાઇ-વેલ્યૂ ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાતા બેંકે આ મુજબનો નિર્ણય લીધો હતો.
આ બાબતે જજોએ કહ્યું હતું કે જો પ્રતિવાદી બેંકનો એવો તર્ક છે કે આ ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર મની લોન્ડરિંગ માટે થયો હતો તો ખાતું ફ્રીઝ કરવા પહેલા નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું જરૃરી હતી. આ પ્રશ્નના જવાબમાં બેંકના વકીલે આવી કોઇ પ્રક્રિયાનું પાલન ન થયું હોવાનું જણાવ્યું હતું. અંતે જજોએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ અમે એવો અભિપ્રાય ધરાવીએ છીએ કે અરજદારના ખાતાને તાત્કાલિક ડિફ્રીઝ કરવામાં આવે.