બેંગ્લુરુ હાઈવે ઠપઃ ઠેરઠેર બસો, સરકારી કચેરીઓને આગચંપી અને તોડફોડ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
બેંગ્લુરુ  હાઈવે ઠપઃ  ઠેરઠેર બસો, સરકારી કચેરીઓને આગચંપી અને તોડફોડ 1 - image


મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે સ્ફોટક બનતું મરાઠા આંદોલન

પોલીસે ભાંગફોડિયાઓની અટકાયતો શરુ કરીઃ બદલાપુર અને સોલાપુરમાં ટ્રેન રોકવા પ્રયાસઃ ધારાશિવમાં પર કરફ્યૂ લદાયો

મુંબઇ :  મરાઠા આરક્ષણની માગણી સાથે છેડાયેલા આંદોલન આજે વધુ વકર્યું હતું અને અનેક ઠેકાણે આગજની અને પથ્થરમારાના બનાવો બન્યા હતા. મુંબઇ- બેંગ્લોર હાઇવે ઉપર પુણે પાસે આંદોલનકારીઓએ આજે બપોરે સળગતા ટાયરો ફેંકીને બંને તરફનો ટ્રાફિક ખોરવી નાખ્યો હતો અને વાહનોની કેટલાય કિલોમીટર લાંબી લાઇનો લાગી ગઇ હતી. આ ઉપરાંત આંદોલનકારીઓએ મુંબઈ નજીકના બદલાપૂર ઉપરાંત સોલાપુરમાં ટ્રેન અટકાવવા પ્રયાસ કર્યો હતો.  આંદોલનનું કેન્દ્ર બનેલા બીડમાં પરિસ્થિતિ સુધરી હોવાનો દાવો સરકારી તંત્ર કરી રહ્યું છે પરંતુ ત્યાં કરફ્યૂ અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત છે. બીજી તરફ ધારાશિવ જિલ્લામાં પણ કેટલાય વિસ્તારોમાં કરફ્યૂ લાદવો પડયો છે. 

મુંબઇ- બેંગ્લોર હાઇવે પર પુણેના નવલેબ્રિજ ઉપર આંદોલનકારીઓ સૂત્રો પોકારતા ધસી ગયા હતા અને ટાયરો સળગાવીને વાહનોની અવરજવર થંભાવી દીધી હતી. તરત જ પોલીસ ટીમ પહોંચી ગઇ હતી અને આંદોલનકારીઓને દૂર હટાવી રસ્તો ક્લિયર કર્યા પછી ધીમે ધીમે મુંબઇ અને બેંગ્લોર વચ્ચેનો વાહન- વ્યવહાર પૂર્વવત થયો હતો.

જાલના જિલ્લાના ઘનસાવંગી ગામે આરક્ષણ સમર્થક કાર્યકરોએ પંચાયત સમિતિની ઓફિસ ઉપર હલ્લો કર્યો હતો અને ભારે ભાંગફોડ કરી હતી. ત્યાર પછી બહાર આવીને પંચાયત સમિતિની ઇમારતને આગ ચાંપી હતી. પોલીસ અને ફાયર- બ્રિગેડવાળા પહોંચી ગયા હતા અને આગ બુઝાવી હતી. ભાંગફોડને લીધે ભારે નુકસાન થયું હતું એટલું જ નહીં આગમાં પંચાયતના મહત્વના દસ્તાવેજો અને કામના કાગળો બળી ગયા હતા.

જાલના જિલ્લામાં જ મરાઠા સમાજવાળા બદનાપુર તહેસીલમાં રેલવે ટ્રેક ઉપર બેસી ગયા હતા અને રેલ-રોકો આંદોલનનો પ્રયાસ કર્યો હતો. જો કે રેલવે પ્રોટેક્શન ફોર્સે તેમની સાથે સમજાવટથી કામ લઇ પાટા પરથી ખસેડયા હતા. દરમિયાન બીડ જિલ્લામાં ગઇ કાલે એસ.ટી.ની બસોની તોડફોડ, આગજની અને પથ્થરમારો કરવા બદલ ૪૯ આંદોલનકારીઓની ધરપકડ કરી હતી. બીડ જિલ્લામાં કરફ્યુ લાદવામાં આવ્યા બાદ આજે પરિસ્થિતિ કાબૂમાં છે એવો પોલીસે દાવો કર્ય ોહતો.

બિડ જિલ્લાના માજલગાંવમાં એનસીપી (અજીત પવાર)ના વિધાનસભ્ય પ્રકાશ સોલંકેના બંગલાને આગ ચાંપવામાં આવી હતી. ત્યાર બાદ આંદોલનકારીઓએ માજલગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલની ઓફિસમાં ભાંગફોડ કર્યા બાદ આગ લગાડી દીધી હતી. ઉપરાંત એનસીપી એમએલએ સંદીપ ક્ષીરસાગર અને ભૂતપૂર્વ પ્રધાન જયદત્ત ક્ષીરસાગરના ઘર પણ સળગાવ્યા હતા. આ કાર્યકરોનું ટોળું એનસીપીના નેતા અમરસિંહ પંડિતના નિવાસસ્થાનને નિશાન બનાવવા પહોંચ્યું ત્યારે પોલીસે ટીયર-ગેસ છોડીને તેમને ભગાડી મૂક્યા હતા.

છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ)માં ભાજપના વિધાનસભ્ય પ્રકાશ બામ્બની ઓફિસ પર હલ્લો કરી તોડફોડ કરવા બદલ પોલીસે કેટલાય આંદોલનકારીઓ સામે ઇન્ડિયન પિનલ કોડની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આમાંથી સાત ઓળખાયા છે અને દસથી પંદર વણઓળખાયેલા છે. આ બધાની સામે ગુનાહિત ઇરાદે કાવતરુ રચવાનો, ઇજા પહોંચાડવાના આશયથી ઘરમાં ઘૂસણખોરી, તોફાન મચાવી નુકસાન કરવાનો, ગેરકાયદેસર ભેગા થઇને હુમલો કરવાના આરોપસર એફઆઇઆર નોંધવામાં આવ્યો છે. 

બસને આગ ચંપી બાદ કર્ણાટક એસટીની મહારાષ્ટ્ર આવતી બસો બંધ 

મરાઠા આરક્ષણ આંદોલનની અસર પાડોશી કર્ણાટકને પણ થઇ છે. ગઇ કાલે મહારાષ્ટ્રના ઓમેરગામાં આંદોલનકારીઓએ કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સળગાવી દીધા બાદ કર્ણાટકે જ્યાં સુધી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી મહારાષ્ટ્ર માટેની બસસેવા બંધ કરી દીધી છે.

ગઇ કાલે કર્ણાટક એસટીની બસ બીદરથી પુણે જતી હતી ત્યારે ઓમરેગા ગામે આંદોલનકારીઓએ બસને આંતરી હતી અને બધા જ પ્રવાસીઓને નીચે ઉતાર્યા બાદ બસ સળગાવી દીધી હતી. એટલે આંતરરાજ્ય બસ-સેવા સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સોલાપુરમાં ટ્રેન રોકોનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

મરાઠા આરક્ષણની માગણીના ટેકામાં મરાઠા ક્રાંતિ મોર્ચાના કાર્યકરોએ આજે સોલાપુરમાં રેલ-રોકો આંદોલન કર્યું હતું. હાથમાં ભગવા ઝંડા સાથે કાર્યકરો ટ્રેક રોકીને બેસી ગયા હતા. જ્યારે સોલાપુરના રસ્તા પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. પોલીસે બે આંદોલનકારીઓની અટકાયત કરી હતી. અને અન્ય આંદોલનકારીઓને પાટા પરથી હાંકી કાઢયા હતા.



Google NewsGoogle News