સેલિબ્રીટીઓ દ્વારા ઓનલાઈન જુગારની જાહેરાતો પર પ્રતિબંધ મૂકો

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
સેલિબ્રીટીઓ દ્વારા ઓનલાઈન જુગારની જાહેરાતો પર પ્રતિબંધ મૂકો 1 - image


નવી મુંબઈના કાર્યકરે હાઈ કોર્ટમાં કરી જનહિત અરજી

ક્રિકેટરો તથા અભિનેતાઓની જાહેરાતોથી આકર્ષાઈ યુવા વર્ગ જુગારના રવાડે ચડી પાયમાલ થાય છે તેવી દલીલ

મુંબઈ :  ઓનલાઈન રમી કે જુગારને પ્રોત્સાહન આપતીઓનલાઈન રમતોનો રાફડો ફાટયો છે. અવી રમતોની જાહેરાતો અનેક પ્રસિદ્ધ અભિનેતાઓ કરતા હોવાથી યુવા વર્ગ આ જાળમાં ફસાઈ  રહ્યો છે. આવા ઓનલાઈન જુગારની પાછળ આર્થિક રીતે પાયમાલ થાય છે. આથી ઓનલાઈન રમી કે એવા ગેમની એપ્લિકેશનની જાહેરાત પર બંધી લગવાવવામાં આવે. તેમ જ મહારાષ્ટ્ર જુગાર પ્રતિબંધક કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન કરતી આવી રમતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારને આપવાની વિનંતી જનહિત અરજી મારફત હાઈ કોર્ટમાં કરવામાં આવી છે.

નવી મુંબઈના સામાજિક કાર્યકર્તા રાજેન્દ્ર પાટીલે એડવોકેટ વિનોદ સાંગવીકર મારફત કરેલી અરજી પર મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્ર ઉપાધ્યાયની બેન્ચ ટૂંક સમયમાં સુનાવણી કરે એવી શક્યતા છે.

રમી પત્તાનો પારંપારિક ખેલ હોવા છતાં તેને ડિજિટલ અવતારમાં લાવીને ઓનલાઈન ગેમ બનાવવામાં આવી છે. તેમાં પૈસાના ઈનામો તેમ જ એક જ સાથે અનેક લોકો રમતા હોવાથી વિવિધ પ્રકારના ઈનામોની લાલચ આપવામાં આવે છે. રમતમાં સહભાગી થવા માટે પ્રવેશ ફી અથવા રમત માટે પૈસા લગાવવા જેવી બાબતોને લીધે ઓનલાઈન રમતમાં વધુ પૈસા જીતવા વધુ પૈસા લગાવવાનું જોખમ રહે છે. આથી આ રકમ જુગારમાં આવે છે.

રમી, પોકર અથવા આવા પ્રકારના ઓનલાઈન જુગારની જાહેરાત હિન્દી અને મરાઠી ફિલ્મ જગત તેમ જ ક્રિકેટર સહિત અન્ય રમતવીરો જેવી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત સાર્વજનિક સ્થળે આ બાબતની જાહેરાતો ઝળકાવાય છે. આથી આવી રમતો લોકપ્રિય થતી જાય છે અને વધુ પૈસા કમાવવાના મોહમાં ઓનલાઈન જુગારના ભરડામાં સપડાય છે. યુવાવર્ગ તેના વ્યસની થાય છે. અનેક વર્ગ મોટું આર્થિક નુકસાન કરી બેસે છે. મહારાષ્ટ્ર જુગાર પ્રતિબંધક કાયદાની જોગવાઈ અનુસાર ઓનલાઈન જુગારને પ્રોત્સાહન આપનારી જાહેરાતો પર  બંધી છે. આથી આવી જાહેરાત પર પણ બંધી લાવવાનો આદેશ સરકારને આપવામાં આવે. આ સાથે આવી રમતના વિરોધમાં કાયદેસર જોગવાઈ અનુસાર કાર્યવાહીનો આદેશ આપવાની વિનંતી અરજીમાં કરવામાં આવી છે.

નાગરિકો જુગારની રમતમાં ફસાઈને આર્થિક નુકસાન કરે છે અને સામાજિકપ્રશ્નો નિર્માણ થતા હોવાથી આસામ, આંધ્ર પ્રદેશ, ઓડિસા, નાગાલેન્ડ, સિક્ક્ીમ, મેઘાલય, તેલંગણા અને કર્ણાટક રાજ્યોમાં ઓનલાઈન રમીને ગેમ્બલિંગ પ્રવૃત્તિ ગણાવીને તેના પર બંધી લાવતો કાયદો લવાયો છે, એમ પણ અરજીમાં જણાવાયું છે.



Google NewsGoogle News