રાજ્યનાં પર્યટન સ્થળો પર જોખમી જગ્યાએ સેલ્ફી-રીલ પર પ્રતિબંધ
ભુશી ડેમ ટ્રેજેડીને પગલે નિર્ણય, પર્યટકો-પોલીસ વચ્ચે ઘર્ષણ વધશે
ટાઈગર પોઈન્ટ, લાયન્સ પોઈન્ટ પવના ડેમ, શિવનેરી ફોર્ટ માલશેજ ઘાટ, સિંહગઢ ફોર્ટ, મુલશી ડેમ સહિતની જગ્યાઓ પર પ્રતિબંધ
મુંબઈ : ભૂશી ડેમ દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં જાણીતાં પર્યટનો સ્થળો પર જોખમી જગ્યાઓએ સેલ્ફી અને રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આથી આ પર્યટન મથકો પર હવે પછીથી પર્યટકો તથા સ્થાનિક પોલીસ વચ્ચે ઘર્ષણ વધે તેવી શક્યતા છે. લોનાવાલાના મોટાભાગનાં પર્યટન પોઈન્ટસને આ પ્રતિબંધમાં આવરી લેવાયાં છે.
પ્રતિબંધક આદેશો બે જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી અમલમાં રહેશે. પર્યટક સ્થળો પર પાંચ અથવા વધુ વ્યક્તિ ભેગા નહીં થઈ શકે તેવું આદેશમાં કહેવામાં આવ્યું છે. ઊંડા જળાશયો, ધોધ વિગેરેમાં જવા પર પ્રતિબંધ, આવી જોખમી સાઈટસ પર સેલ્ફી લેવી અને રીલ્સ (વીડિયો) બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રવિવારે લોનાવલા હિલ સ્ટેશનના એક જાણીતા પિકનિક સ્થળ પર એક મહિલા અને ચાર બાળકો ધોધના ધસમસતા જળપ્રવાહમાં તણાઈ ગયા હતા તે પછી પૂણે વહીવટીતંત્ર સફાળુ દોડધામ કરી રહ્યું છે.
માવલ, મુલશી, આંબેગાંવ, ખેડ, જુન્નર, ભોર, વેલ્હા, ઈંદાપૂર અને હવેલી તાલુકામાં ચોક્કસ પર્યટન સ્થળો પર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ- ૨૦૦૫ (આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ- ૨૦૦૫)નો અમલ કરવામાં આવશે તેવું પૂણે કલેકટર સુહાસ દિવસેએ બહાર પાડેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું હતું.
નિયમોનું ભંગ કરનારાઓ સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ પગલાં ભરવામાં આવશે. ભૂશી ડેમ, બેંદેવાડી, અને ડાકુલી ધોધ, ટાઈગર પોઈન્ટ, લાયન્સ પેઈન્ટ, રાજમાચી પોઈંટ (ખંડાલામાં), સહારા બ્રિજ, પવના ડેમ વિસ્તાર, ટાટા ડેમ, વિગેરે સાઈટસ પર પ્રતિબંધક આદેશો અમલમાં રહેશે.
મુલશી તાલુકામાં મુલશી ડેમ, તામ્હિણી ઘાટ, મિલ્કીબાર ધોધ, હવેલી તાલુકામાં ખડકવાસલા, વારસગાંવ ડેમ અને સિંહગઢ ફોર્ટના આસપાસના વિસ્તારોમાં, આંબેગાંવ તાલુકામાં ભીમાશંકર વિસ્તાર, દિંભે ડેમ વિસ્તાર અને કોંઢવાલ ધોધ વિસ્તાર, જુન્નર તાલુકામાં માલશેજ ઘાટ, સ્થાનિક ડેમ, શિવનેરી ફોર્ટ વિસ્તાર, માણિક ડોહ, ભાટધર ડેમ વિસ્તાર, ભોર અને વેલ્હા તાલુકામાં ફોર્ટ વિસ્તારો, ખેડ, ઈંદાપૂર તાલુકામાંના જળાશયો અને ઘાટ વિસ્તારનો પ્રતિબંધ વિસ્તારોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પવના ડેમમાં જાન્યુઆરી ૨૦૨૪ પછી ચાર વ્યક્તિ ડૂબી ગયા છે. વન્યજીવ રક્ષક મંડળ (વીઆરએમ) અનુસાર માર્ચ અને મે ૨૦૨૪ની વચ્ચેના સમયગાળામાં વિવિધ જળવિસ્તારમાંથી ૨૭ મૃતદેહ કાઢવામાં આવ્યા હતા.
કલેકટરના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે મહેસૂલ વિભાગ, વન વિભાગ, રેલવે, નગરપાલિકાઓ, પીડબલ્યુડી વિગેરએ તરવૈયા, બચાવકાર્ય માટેની બોટ, લાઈફગાડર્સ અને લાઈફ જેકેટની લોકપ્રિય પર્યટન સ્થળો પર વ્યવસ્થા કરવી જોઈએ. એમ્બ્યુલન્સ પણ તૈનાત થવી જોઈએ તેવું કલેકટરે કહ્યું હતું.