બિંદી-તિલક પર પ્રતિબંધ લાદશો ? તેવા સવાલ સાથે કોલેજમાં બુરખાની મનાઈ પર સુપ્રીમનો સ્ટે
આઝાદીના આટલા વર્ષે તમને જાણ થઈ કે દેશમાં વિવિધ ધર્મો છે? કોલેજ સંચાલકોની ઝાટકણી
શું પહેરવું તેવા આદેશોથી મહિલાઓનું સશક્તિકરણ કઈ રીતે થશે? વિદ્યાર્થિનીઓને શું પહેરવું તે જાતે નક્કી કરવા દોઃ ચેમ્બુરની કોલેજને તા. 18 નવેમ્બર સુધી જવાબ આપવા નોટિસ
ધર્મ તો નામમાં પણ છતો થાય છે, ઘરેથી કહેતા હશે એટલે વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવે છે, બધાને ભણવા દોઃ કોલેજો દ્વારા આવા નિયમો ઘડવાનું બંધ થવું જોઈએ
મુંબઈ : મુંબઈના ચેમ્બુર ખાતે આવેલી એન જી આચાર્ય અને ડી કે મરાઠે કોલેજનું સંચાલન કરતી ચેમ્બુર ટ્રોમ્બે એજ્યુકેશન સોસાયટી દ્વારા વિદ્યાર્થિનીઓને કોલેજ કેમ્પસમાં બુરખા, હિજાબ કે નકાબ પહેરવા પર લાદવામાં આવેલા પ્રતિબંધની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરીને સંસ્થાએ આ સંબંધે આપેલી નોટિસને આંશિક સ્થગિતી આપી છે. કોર્ટે સવાલ કર્યો હતો કે બિંદી અને તિલક પર પણ તમે બંધી લાવશો ?અદાલતે જણાવ્યું છે ક ે વિદ્યાર્થિનીઓને તેઓ ઈચ્છે તેવાં વસ્ત્રો પહેરવાની છૂટ હોવી જોઈએ.
ન્યા. સંજીવ ખન્ના અને ન્યા. સંજય કુમારની બેન્ચે પ્રતિબંધને પડકારતી અરજી પર નોટિસ જારી કરીને પ્રતિબંધ પર સ્થગિતી આપી હતી. કોર્ટે એજ્યુકેશન સોસાયટીને નોટિસ મોકલાવી છે અને ૧૮ નવેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. પરિપત્રકના ક્લોઝ બેને આંશિક સ્થગિતી આપીએ છીએ જેમાં નિર્દેશ અપાયો છે કે કોઈ હિજાબ, ટોપી કે બેજને પરવાનગી નહીં મળે. અમે આશા રાખીએ છીએ કે વચગાળાના આદેશનો કોઈ દુરુપયોગ કરશે નહીં, એમ કોર્ટે આદેશમાં જણાવ્યું છે. જો દુરુપયોગ થાય તો સંસ્થા કોર્ટમાં આવી શકે છે.
બંધીની યોગ્યતા પર સવાલ
સુનાવણી દરમ્યાન કોર્ટે આવી બંધીના નિર્ણય પાછળની યોગ્યતા પર સવાલ કર્યો હતો અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમને જે પહેરવું હોય તે પહેરવા દેવું જોઈએ. કોલેજનો નિર્ણય મહિલાઓના સશક્તિકરણને અવરોધશે. મહિલાઓને શુ પહેરવું શું નહીં એ જણાવીને તમને કઈ રીતે સશક્તિકરણ કરી શકો? આમાં મહિલાઓને પસંદગીનો અધિકાર ક્યાં છે ? સ્વતંત્રતાના આટલા વર્ષો બાદ તમે આ બધું કહો છો અને દેશમાં વિવિધ ધર્મો છે એની જાણ તમને હવે થઈ, એમ ન્યા. કુમારે જણાવ્યું હતું.
ધર્મ તો નામમાં પણ છતો થાય છે'
વિદ્યાર્થીઓનો ધર્મ જાહેર થવો જોઈએ નહીં એવો કોલેજનો ઈરાદો હોવાને મુદ્દે જજે જણાવ્યું હતું કે નામમાં પણ ધર્મ પ્રતિત થાય છે આવા કોઈ નિયમો લાદો નહીં. નવ વિદ્યાર્થિનીઓએ આ પ્રતિબંધથી તેમની ધાર્મિક આસ્થાના અનુપાલનમાં અવરોધ સર્જાય છે તેમ કહી હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ, હાઈકોર્ટે તેને કોલેજના નિર્ણયમાં કોઈ દખલ દેવાનું જરુરી લાગતું નથી તેમ કહી અરજી ફગાવી દીધી છે. ત્યાર બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
અપીલકર્તા વિદ્યાર્થિનીઓ વતી વકીલે ે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ ચાર વર્ષથી હિજાબ પહેરે છે. કોલેજ વતી કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ સમુદાયની ૪૪૧ છોકરીઓ છે . તેમને આ સૂચના સામે કોઈ વાંધો નથી. માત્ર ત્રણ છોકરીઓ જ હિજાબ પહેરવા માગે છે અને આ પ્રતિબંધનો વિરોધ કરી રહી છે.
નકાબ પહેરવાથી અવરોધ ઊભો થાય છે. કોર્ટે સવાલ કર્યો હતો કે ઓચિંતાનો આવો નિર્ણય કેમ લીધો? તમે સાચા હશો. તેમના પરિવારમાં કહેતા હશે કે હિજાબ પહેરીને જા અને તેમણે પહેરવો પડતો હશે, પણ બધાને સાથે ભણવા દો. કોલેજો દ્વારા વિદ્યાર્થિનીઓએ શું પહેરવું એને શું નહિં તેવા નિયમો ધડવાનું બંધ થવું જોઈએ. તિલક કે બિંદી લગાવનારાને કોલેજ અટકાવાશે એવો સવાલ કોર્ટે કર્યો હતો. તમે સૂચનામાં આવું કંઈ કહ્યું નથી, એમ કોલેજના વકીલને કોર્ટે પૂછ્યું હતું.
કોલેજની દલીલ
કોલજ વતી દલીલ કરાઈ હતી કે કાલે છોકરીઓ ફાટેલાજીન્સ પહેરીને આવશે. હિજાબથીવાતચીતમાં અવરોધ આવે છે. કોલેજની સ્વાયત્તા છીનવો નહીં. એવી વિનંતી કરી હતી. અમે બિનરાજકીય અને સર્વધર્મ સમભાવ ધરાવતી સંસ્થા છીએ. અમને માત્ર હિજાબ અને નકાબને કારણે વાતચીત કરવામાં અવરોધ આવે છે.
ન્યા. ખન્નાએ જણાવ્યું હતું કે તમે આવી રીતે નિર્ણય લઈ શકો નહીં. આનો ઉકેલ યોગ્ય સારું શિક્ષણ છે. બુરખા પહેરીને ક્લાસમાં બેસી શકાય નહીં એની અમને જાણ છે. ક્લાસરુમમાં બુરખા ન પહેરવા જોઈએ કે કેમ્પસમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ ન થવી જોઈએ એવી તમારી વાત સાથે અમે સંમત છીએ. ન્યાય ખન્નાએ જણાવ્યું હતુંં કે શૈક્ષણિક સંસ્થામાં હિજાબને પરવાનગી આપવાનો મુદ્દે લાર્જર બેન્ચ સમક્ષ વિચારણા હેઠલ પ્રલંબિત છે.કર્ણાટકમાં હિજાબના વિવાદ નક્કી કરવા લાર્જર બેન્ચ હજી ગઠીત થઈ નથી.
બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો શું હતો?
અગાઉ બોમ્બે હાઈ કોર્ટના ન્યા. ચાંદુરકર અને ન્યા. રાજેશ પાટીલની બેન્ચે જણાવ્યું હતું કે કોલેજે લેધીલે નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા કોર્ટ ઈચ્છુક નથી અને નવ વિદ્યાર્થીનીઓએ કરેલી અરજીને ફગાવવામાં આવે છે.
ડ્રેસ કોડ કોલેજમાં શિસ્ત પાલન જાળવવા માટે છે અને શૈક્ષણિક સંસ્થાના સંચાલન અને વ્યવસ્થાપન માટે કોલેજના મૂળભૂત અધિકારનો ભાગ છે, એમ કોર્ટે નોંધ્યું હતું . વળી હિજાબ, નકાબ અને બુરખા અરજદારોના ધર્મમાં અગત્યની પ્રથા હોવાની દલીલ પણ કોર્ટે સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે કંઝ ઉલ ઈમાન અને સુમન અબુ દાઉદના અંગ્રેજી ભાષાંતરને આધારે આ બાબતને ધર્મની મહત્ત્વની બાબત મનાય છે એ સિવાયઅરજદારની દલીલને સમર્થન આપતું કોઈ સાહિત્ય રજૂ કરાયું નથી. આથી આ દલીલ નિષ્ફળ ગઈ છે, એમ કોર્ટે નોંધ્યું હતું.
વળી ડ્રેસ કોડ કોલજના પ્રાંગણની અંદર જ ફરજિયાત હોવાથી અરજદારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા હણાતી નથી. આનો ઈરાદો વિદ્યાર્થીઓનો ધર્મ છતો થઈ શકે નહીં એ છે અને વિદ્યાર્થિઓ અને પ્રશાસન માટે તેમ જ કોલેજની શિસ્ત જાળવવા શૈક્ષણિક હિતમાં છે.કોલેજે ડ્રેસ કોડ જાળવવા માટે વિદ્યાર્થિનીઓ માટે ચેન્જિંગ રૃમ પણ ઉપલબ્ધ કર્યો છે, એમ કોર્ટે નોંધ કરી હતી.
અરજી શું હતી?
કોલેજનાં દ્વિતિય અને તૃતીય વર્ષમાં ભણતી વિદ્યાર્થિનીઓએ અરજી કરતાં જણાવ્યું હતું કે કોલેજ દ્વારા પક્ષપાતી વહીવટ દાખવાઈ રહ્યો છે. આ ડ્રેસ કોડથી તેમના મૂળભૂત અધિકારો અને ખાસ તો પોતાના ધર્મનું અનુપાલન કરવું, પ્રાઈવસી જાળવવી તથા વ્યક્તિગત પસંદગીના બંધારણીય અધિકારોનો ભંગ થાય છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે કોલેજ ે લાદેલી બંધી જોહુકમી, ગેરવાજબી અને કાયદાની દ્રષ્ટીએ વિકૃત છે.
બીજી તરફ કોલેજ મેનેજમેન્ટે આ નિર્ણય સમાન ડ્રેસ કોડ લાગુ કરવાના ઈરાદે લેવાયો હોવાનું જણાવ્યું હતું. કોલેજે કહ્યું હતું કે તે કોઈ વિશેષ ધાર્મિક સમુદાયની વિરુદ્ધ નથી અને ડ્રેસ કોડ તમામ ધર્મના વિદ્યાર્થીઓને એકસમાન રીતે લાગુ પડે છે.