1700 ગ્રાહકોને ઠગી લેનારા બિલ્ડર લલિત ટેકચંદાનીને જામીનો ઈનકાર
તળોજા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૪૩૨ કરોડનું કૌભાંડ
પ્રોજેક્ટના પૈસા અન્ય પ્રોજેક્ટમાં તથા અંગત ઉપયોગમાં વાળ્યાની પોલીસની દલીલ ઃહાઈકોર્ટે જામીન આપવા અનિચ્છુક હોવાનું જણાવી અરજી ફગાવી
મુંબઈ : નવી મુંબઈના તળોજા હાઉસિંગ પ્રોજેક્ટના ૧૭૦૦થી વધુ ફ્લેટ ખરીદદારોની ઠગાઈ કરવા બદલ નોંધાયેલો કેસ રદ કરવા માટે સુપ્રીમ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સના ભૂતપૂર્વ ડિરેક્ટર લલિત ટેકચંદાનીએ કરેલી અરજીને હાઈ કોર્ટે સોમવારે ફગાવી દીધી છે. અરજદારને રાહત આપવા પોતે ઈચ્છુક નહોવાનું જણાવીને કોર્ટે સવિસ્તર આદેશ બાદમાં અપાશે, એમ ન્યા. નાઈક અને ન્યા. બોરકરની બેન્ચે અરજી ફગાવતાં જણાવ્યું હતું.
પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા ટેકચંદાનીએ તમામ પ્રયાસ કર્યા હોવાનું જણાવીને જમીન માલિક નરેન્દ્ર ભલ્લા સાથે થયેલા વિવાદ અને પ્રોજેક્ટ લાગુ કરવા કોર્ટે આપેલી મનાઈને કારણે અટકી પડયો હોવાનું ટેકચંદાની વતી દલીલ કરાઈ હતી.
આ પ્રકરણે પહેલો ગુનો ચેમ્બૂર પોલીસ સ્ટેશનમાં ૧૫ જાન્યુઆરીના રોજ નોંધાયો હતો. ત્યાર બાદ કેટલિક મિનિટમાં જ તળોજા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બધા ગુના એક કરવાની માગણી કરાઈ હતી. કેસની તપાસ ૩૦ જાન્યુઆરીના રોજ આર્થિક ગુના શાખાને સોંપાઈ હતી.
બીજી તરફ અરજદારોે ૨૦૧૦માં ફ્લેટ ખરીદદારો પાસેથી પૈસા લીધા અને પ્રોજેક્ટ હજી પૂર્ણ કર્યો નથી. સુમારે ૧૭૧૨ ફ્લેટ ખરીદદારોએ ૪૨૩ કરોડની રકમ ટેકચંદાની પાસે જમા કરી હતી. પણ પૈસા અન્ય પ્રકલ્પમાં વાળવામાં આવ્યા હતા અને ટેકચંદાનીએ અગંત મિલકત ખરીદી હતી, વ્યાજ પર પૈસા આપ્યા અને મૂળ જમીન માલિકને આપવામાં અવાનારા ફ્લેટ ગિરવે રાખ્યા હતા, એમ પોલીસ તરફથી કોર્ટને જણાવાયુંહતું. કોર્ટે પોલીસના દાવાની દખલ લઈને ટેકચંદાનીની અરજી ફગાવી હતી.