મુંબાદેવી મંદિરમાં બેગ સ્કેનર, 40 સીસીટીવી કેમેરા ગોઠવાયા
અગાઉ ધમકીઓ મળી હોવાથી જડબેસલાક સિક્યુરિટી
નવરાત્રિમાં ભક્તોની ભીડનો પ્રવાહ શરુ થતાં મહિલા પોલીસ,ક્વિક રિસ્પોન્સ ટીમ, ૭૫ સુરક્ષા જવાનો તૈનાત
મુંબઈ - તહેવારમાં મુંબઈના ધર્મસ્થાનકો પર ઝળુંબતા જોખમને ધ્યાનમાં લઈને શહેરના સૌથી પુરાણા મુંબાદેવી મંદિરમાં જડબેસલાખ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજથી નવરાત્રોત્સવની ધામધૂમથી ઉજવણી શરૃ થઈ ગઈ છે.
મુંબઈનું નામ જેના પરથી પડયું એ મુંબા- આઈ એટલેમુંબાદેવીના મંદિરમાં આજે સવારે ઘટસ્થાપન થયા પછી ભક્તોનો વણથંભ્યો પ્રવાહ શરૃ થઈ ગયો છે. મંદિર પ્રશાસન તરફથી લગભગ ૭૫ સુરક્ષા રક્ષકો અને ૧૫૦ સ્વયંસેવકો ગોઠવવામાં આવ્યા છે. ભીડ પર નજર રાખવા માટે ૪૦ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર પર બેગ સ્કેનર મશીન ગોઠવાયા છે. મંદિના બહારના ભાગની સુરક્ષા માટે એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશન તરફથી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મહિલા પોલીસ ટીમ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.
સવાર, બપોર, સાંજ અને રાત્રે ૧૦ વાગ્યા સુધી મુંબાદેવીના દર્શન કરી શકાશે. ભીડમાં કોઈની તબિયત બગડે તો તરત ઉપચાર માટે ડોક્ટર અને એમ્બ્યુલન્સની પણ જોગવાઈ રાખવામાં આવી છે. મંદિરના વ્યવસ્થાપક હેમંત જાધવના જણાવ્યા પ્રમાણે નવરાત્રીમાં રોજ ૨૪થી ૨૫ હજાર ભક્તજનો દર્શને આવે છે. રવિવાર અને રજાના દિવસે તો ભક્તોની સંખ્યા અનેકગણી વધી જાય છે. દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.