બીએ-એમએ ગુજરાતીનો સળંગ 5 વર્ષનો ઈન્ટિગ્રેટેડ કોર્સ શરુ

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
બીએ-એમએ ગુજરાતીનો સળંગ 5 વર્ષનો ઈન્ટિગ્રેટેડ કોર્સ શરુ 1 - image


મુંબઈ યુનિ.ના ગુજરાતી વિભાગની પહેલ

સાહિત્ય અને પત્રકારત્વ, દલિત સાહિત્ય તેમજ નારીવાદના ઓનલાઈન કોર્સ પણ ઉપલબ્ધ

મુંબઇ :  મુંબઈ યુનિવર્સિટીમાં આ વર્ષથી નવું રાષ્ટ્રીય શૈક્ષણિક ધોરણ (એનઈપી) લાગુ થઈ રહ્યું છે. જે હેઠળ તેના વિવિધ કોર્સમાં ઘણાં ફેરફારો થયાં છે. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં છેલ્લાં છ દાયકાથી ભાષાસાહિત્યના સંવર્ધન અને શિક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે. વિભાગ દ્વારા ચાલું શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી બી.એ.-એમ.એ. સળંગ પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ કોર્સની શરુઆત કરવામાં આવી રહી છે. જેનો બેચલર ઓફ આર્ટ્સ (બીએ)ના વિદ્યાર્થીઓને બહોળો લાભ થશે.

ખાસ ઉલ્લેખનીય કે, આ કોર્સ એનઈપી મુજબ બનાવાયો છે. જેમાં મલ્ટીપલ એન્ટ્રી તથા એક્ઝિટની સુવિધા છે. વળી, ઓન ધ જોબ ટ્રેનિંગ હેઠળ વ્યવસાયલક્ષી તાલીમ અને કારકિર્દી તથા નોકરીની ઉજ્જવળ તકો વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પૂરી પડાશે.

ગુજરાતી વિભાગમાં સ્નાતક-અનુસ્નાતકના સળંગ અભ્યાસ માટે બીએ-એમએ ઈન્ટિગ્રેટેડ કોર્સ ઉપરાંત સર્ટીફિકેટ કોર્સ ઈન ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર તેમજ ડિપ્લોમા કોર્સ ઈન ગુજરાતી - લેંગ્વેજ એન્ડ લિટરેચર તથા એમએ ડિગ્રી કોર્સ ઈન ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર (રેગ્યુલર) તથા ગુજરાતી ભાષા સાહિત્ય અને અન્ય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે એક વર્ષના બે ક્રેડિટના ઓનલાઈન કોર્સ પણ ઉપલબ્ધ છે. જેમાં સાહિત્ય અને પત્રકારત્વ, દલિત સાહિત્ય અને નારીવાદ જેવા મહત્ત્વપૂર્ણ અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો છે. અહીં પીએચડી કોર્સની પણ સુવિધા છે અને મુંબઈ બહારના વિદ્યાર્થીઓ માટે કિફાયતી દરે ગર્લ્સ અને બોય્ઝ હૉસ્ટેલની સુવિધા પણ છે. તદુપરાંત અનુસ્નાતક કક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીને બ.ક.ઠાકોર સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવે છે. 

ઉપરોક્ત કોર્સમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ મુંબઈ યુનિવર્સિટીની અધિકૃત પ્રવેશ વેબસાઈટ તથા કાલિના કેમ્પસના રાનડે ભવન સ્થિત ગુજરાતી વિભાગની મુલાકાત લઈ શકે છે.     



Google NewsGoogle News