Get The App

મહારાષ્ટ્રમાં સરેરાશ 60 ટકા મતદાન સાથે મતદારોનો ચુકાદો અનામત

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં સરેરાશ 60 ટકા મતદાન સાથે મતદારોનો ચુકાદો અનામત 1 - image


નેતાઓએ મન બદલ્યાં પણ મતદારોની નિરસ મનોદશા યથાવત  

વર્ષોવરષ મહારાષ્ટ્રમાં 60થી 65 ટકાની સરેરાશઃ મુંબઈગરા ફરી આળસુ પુરવાર થયાઃ  બૂથોની તોડફોડ સહિત હિંસાના છૂટાછવાયા બનાવો 

ગત વિધાનસભામાં 61.74 ટકા જ મતદાન થયું હતું

મુંબઇ : મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકો માટે આજે એક જ તબક્કામાં થયેલાં મતદાન દરમિયાન રાજ્યના ૯.૭૦ કરોડ મતદારોમાંથી આશરે ૬૦ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હોવાનું ચૂંટણી પંચે આજે સાંજ સુધીમાં જણાવ્યું હતું. જોકે, આ અંદાજિત આંકડા છે અને તેમાંં ફેરફાર થઈ શકે છે. આ મતદાન સાથે જ રાજ્યમાં ફરી ભાજપ, અજિત પવારની એનસીપી તથા એકનાથ શિંદેની શિવસેનાની મહાયુતિ સરકાર રચાશે કે પછી  મતદારો આ જોડાણને ફગાવી કોંગ્રેસ, ઉદ્ધવઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીની મહાવિકાસ આઘાડીને તક આપશે તેનો  મતદારોનો ચુકાદો ઈવીએમમાં કેદ થઈ ચૂક્યો છે. હવે તા. ૨૩મીએ મતગણતરી સાથે મતદારોએ આપેલા ચુકાદાની જાણ થશે. 

રાજ્યભરમાં આજે મતદાન શરુ થયું ત્યારથી લગભગ બધે ધીમી ધારે મતદાન આગળ વધતું હોવાનો એકસરખો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે, નક્સલગ્રસ્ત આદિવાસી જિલ્લા ગઢચિરોલીના મતદારોએ રાજ્યના તમામ જિલ્લાના મતદારોને હંફાવ્યા હતા. અહીં ચૂંટણી બહિષ્કારની નકસલોની ધમકીઓ છતાં પણ મતદારો દુર્ગમ વિસ્તારોના મતદાન મથકો સુધી મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને આશરે ૭૦ ટકા જેટલું મતદાન થયું હતું. 

પાછલી તમામ ચૂંટણીઓમાં ગઢચિરોલીમાં વિક્રમી મતદાનનો રેકોર્ડ રહ્યો છે. બીજી તરફ મતદાનની બાબતે મુંબઈગરા ફરી આળસુ પુરવાર થયા હતા. ગત લોકસભા કરતાં મતદાનની ટકાવારી સ્હેજ સુધરી હતી .પરંતુ, આજે સાંજ સુધીમાં સમગ્ર શહેરમાં આશરે બાવન ટકા જ મતદાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ મૂકવામાં આવ્યો હતો. 

સાઉથ મુંબઈના કોલાબામાં તો સાજનાં પાંચ વાગ્યા સુધી માંડ ૪૧ ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ વરલી માં ૪૭ ટકા અને મુંબાદેવીમાં ૪૬ ટકા જ મતદાન થયું હતું. જ્યારે પરાં વિસ્તારોમાં ભાંડુપ અને બોરીવલી જેવી બેઠકો પર ૬૦ ટકાથી વધુ મતદાન થયું હતું. બીજી તરફ મલાડમાં ૪૮ ટકા જેટલું  સુસ્ત મતદાન થયું હતું. બીજાં તમામ પરાંમાં મતદાનની સરેરાશ બાવનથી ચોપન ટકા જેટલી જ જોવા મળી હતી. 

આ વખતે મુંબઈમાં મતદાર જાગૃતિ માટે ભરચક પ્રયાસો થયા હતા .લોકસભા ચૂંટણી વખતે મતદાન મથકો  પર ભારે ગરબડોના કારણે મતદાન ઘટયું હતું. તેનું પુનરાવર્તન આ વખતે ટળે તેવા પ્રયાસો કરાયા હતા. જોકે, તેમ છતાં પણ લગભગ ૪૫ ટકા જેટલા મુંબઈગરાઓએ મતદાન મથક સુધી લાંબા થવાનું ટાળ્યું હતું. 

દરમિયાન, રાજ્યમાં મતદાન દરમિયાન હિંસાના છૂટાછવાયા બનાવો પણ નોંધાયા હતા. સૌથી મોટી ઘટના તરીકે બીડ જિલ્લાના પરલીમાં એનસીપના બે જૂથના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન અજિત પવારની એનસીપીના કાર્યકરોએ છ બૂથની તોડફોડ કરી ઈવીએમ તોડી નાખ્યાં હતાં. અહીં નવાં ઈવીએમ લાવી મતદાન કરાવાયું હતું. 

નાસિક જિલ્લામાં અપક્ષ ઉમેદવાર સમીર ભુજબળ તથા શિંદે સેનાના કાર્યકરો વચ્ચે તડાફડી થઈ હતી જેમાં શિંદે સેનાના ઉમેદવારે સમીર ભુજબળને હત્યાની ધમકી આપ્યાનો આક્ષેપ થયો હતો. શ્રીરામપુરમાં મતદાન શરુ થવાના કલાકો પહેલાં જ ઉદ્ધવ જૂથના ઉમેદવારની કાર પર ફાયરિંગ થયું હતું. 

આજે ઈવીએમ ખોટકાવા જેવી ઘટનાઓના સમાચાર પણ દિવસભર આવતા રહ્યા હતા. મુંબઈના બોરિવલી તથા પુણેમાં પણ મતદાન શરુ થાય તે પહેલાં જ મોક ડ્રીલમાં અનેક ઈવીએમ ખોટકાઈ ગયાં હતાં. 

રાજ્યની ૨૮૮ બેઠકો માટે ૪૧૪૦   ઉમેદવારોના ભાવિનો ફેંસલો ઈવીએમમાં સીલ થઈ ચૂક્યો છે. સત્તાધારી મહાયુતિમાં ભાજપના સૌથી વધુ ૧૪૯ ઉમેદવાર છે. જ્યારે વિપક્ષી આઘાડીમાં કોંગ્રેસના સૌથી વધુ ૧૦૧ ઉમેદવારો છે. શરદ પવારની એનસીપી ૮૬ બેઠકો પર તો અજિત પવારની એનસીપી ૫૯ બેઠકો પર લડી રહી છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેના ૯૫ બેઠકો પર તો એકનાથ શિંદેની શિવસેના ૮૧ બેઠકો પરથી મેદાનમાં છે. બંને છાવણીના ૧૫૦ બળવાખોરો ઉપરાંત અન્ય ટચૂકડા પક્ષો પણ મેદાનમાં છે.



Google NewsGoogle News