બોર્ડની ધો.10ની હૉલટિકીટ વેબસાઈટ પર ઉપબલ્ધ
શાળાઓએ વિનામુલ્યે કોપી આપવાની રહેશે
મહારાષ્ટ્ર બોર્ડની એસએસસીની પરીક્ષા પહેલીથી 26મી માર્ચ સુધી ચાલશે
મુંબઈ : મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા માર્ચમાં થનારી ધો.૧૦ની પરીક્ષાની હૉલટિકીટ આજે બુધવારથી ઓનલાઈન ઉપલબ્ધ કરી અપાઈ છે. સ્કૂલોએ કોઈપણ ફી લીધા વિના હૉલટિકીટની કૉપી વિદ્યાર્થીઓને આપવાની રહેશે, એવી માહિતી બોર્ડ સેક્રેટરી અનુરાધા ઓકે આપી હતી.
ધો.૧૦ની પ્રેક્ટિકલ્સ, મૌખિક અને ઈન્ટરનલ અસેસમેન્ટની પરીક્ષા ૧૦ ફેબુ્રઆરીથી શરુ થઈ રહી છે તો લેખિત પરીક્ષા પહેલીથી ૨૬ માર્ચ સુધી છે. આથી વિદ્યાર્થીઓને હૉલટિકીટ બોર્ડે અત્યારથી જ ઉપલબ્ધ કરી આપી છે. સ્કૂલોએ કોઈપણ વધારાની ફી ન લેતાં હૉલટિકીટની કૉપી ડાઉનલોડ કરી તેના પર પ્રાચાર્યનો સિક્કો મારી તે વિદ્યાર્થીઓને આપવાની રહેશે. હૉલટિકીટમાં વિષય, માધ્યમમાં કોઈ ભૂલ હોય તો તે સ્કૂલ-જૂનિયર કૉલેજે ડિવિજનલ બોર્ડ ઓફિસમાં જઈ સુધારી લેવાની રહેશે. બાકી જો નામ, ફોટો કે સહી બાબતે કોઈ ભૂલ હોય તો તે સ્કૂલે જાતે સુધારી તેની કોપી ડિવિજનલ બોર્ડને પહોંચાડવાની રહેશે.
જો હૉલટિકીટમાં ખોટો ફોટો છપાયો હોય તો પ્રાચાર્યએ વિદ્યાર્થીનો સાચો ફોટો ચિપકાવી તેના પર સ્ટેમ્પ મારી સહી કરવાની રહેશે. જો હૉલટિકીટ ખોવાઈ જાય તો સ્કૂલે ફરી તે ડાઉનલોડ કરી તેના પર લાલ શ્યાહીથી ડૂપ્લીકેટ એવું લખી તે હૉલટિકીટ વિદ્યાર્થીને આપવાની રહેશે.