મુંબઈમાં 10-11 જૂને મેઘરાજાની પધરામણી થાય તેવા સાનુકૂળ સંકેત
મહારાષ્ટ્રમાં આગામી 3-4 દિવસમાં ચોમાસું પહોંચી જશે
ક્ષિણ મહારાષ્ટ્રનાં રત્નાગિરિ, સિંધુદુર્ગમાં વરસાદી ગતિવિધિ વધીઃ મુંબઈના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું
મુંબઇ : હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે નૈઋત્યનું ચોમાસુ આવતા ચાર -પાંચ દિવસ દરમિયાન અરબી સમુદ્રના મધ્ય હિસ્સામાં, કર્ણાટકના બાકીના વિસ્તારો, ગોવા, દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં આગળ વધે તેવાં કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોંકણની સમુદ્રપટ્ટી મુંબઇથી શરૃ થઇને છેકે સિંધુદુર્ગ અને ગોવા સુધી ફેલાયેલી છે. ઉત્તર કોંકણમાં મુંબઇ,થાણે, પાલઘર,રાયગઢનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ કોંકણમાં રત્નાગિરિ, સિંધુદુર્ગનો સમાવેશ થાય છે. તમામ કુદરતી પરિબળો સાનુકુળ રહેશે તો મેઘરાજાની સવારી દક્ષિણ મહારાષ્ટ્રમાં ૭ ,૮ -- જૂન દરમિયાન અને ૧૦,૧૧ -જૂન દરમિયાન મુંબઇના આંગણે આવી પહોંચે તેવી પૂરી શક્યતા છે.
હવામાન વિભાગે એવો સંકેત પણ આપ્યો છે કે હાલ મહારાષ્ટ્રમાં ,ખાસ કરીને દક્ષિણ કોંકણમાં અને મધ્ય મહારાષ્ટ્રમાં પ્રિ -મોન્સુન શાવર્સ(ચોમાસા પહેલાંનો વરસાદી માહોલ)નું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. વરસાદી ગતિવિધિ વધી રહી છે. સાથોસાથ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના,વીજળીના ચમકારા સાથે હળવી વર્ષા પણ થઇ રહી છે. મહારાષ્ટ્ર માટે આ બધાં કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં છે તે સારો સંકેત છે.
૨૦૨૪ના નૈઋત્યના ચોમાસાનું આગમન ૩૦,મે એ કેરળના સમુદ્રમાં થયું છે. ત્યારબાદ વર્ષા ઋતુના પ્રવાસનો માર્ગ દક્ષિણ ભારતમાં કેરળ,તામિલનાડુ,કર્ણાટક, પશ્ચિમ ભારતનાં ગોવા,મહારાષ્ટ્ર,ગુજરાત થઇને ઉત્તર ભારત તરફ છેક જમ્મુ-કશ્મીર તરફનો હોય છે.
હવામાન વિભાગે એવી માહિતી પણ આપી છે કે નૈઋત્યની વર્ષા ઋતુ આવતા ચાર -પાંચ દિવસ દરમિયાન અરબી સમુદ્ર અને કર્ણાટક સહિત રાયલસીમા, આંધ્ર પ્રદેશના દરિયા કિનારાનાં સ્થળો, દક્ષિણ છત્તીસગઢ તેલંગણાના અમુક વધુ વિસ્તારો, ઓડીશા, બંગાળના ઉપસાગરમાં પણ વધુ આગળ વધે તેવાં તમામ પ્રાકૃતિક પરિબળો સાનુકુળ બની રહ્યાં છે.
હાલ ચોમાસાની રેખા(જેને નોર્ધન લિમિટ કહેવાય છે) હોન્નાવર,બલ્લારી,કુન્નુર, નરસપુર,ઇસ્લામપુર પરથી પસાર થઇ રહી છે. આજે ચોમાસુ કર્ણાટક, આંધ્ર, તેલંગણા,બંગાળનો ઉપસાગર વગેરે હિસ્સામાં આગળ વધ્યું છે.
હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્ર પર નૈઋત્ય દિશાના પવનો ફૂંકાઇ રહ્યા છે.વળી, નૈઋત્યના પવનો તેની સાથે ભરપૂર ભેજ પણ લેતા આવતા હોવાથી મુંબઇ -મહારાષ્ટ્રના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. સાથોસાથ વરસાદી વાદળોનો જમઘટ પણ સર્જાઇ રહ્યો છે.
વળી, મહત્વનું પરિબળ અલ નીનો(પેસિફિક મહાસાગરના ગરમ પ્રવાહોને અલ નીનો ,જ્યારે ઠંડા પવનોને લા નીના કહેવાય છે) પરિબળની અસર ૨૦૨૪ના જૂન દરમિયાન મંદ થતી જશે.સાથોસાથ લા નીના પરિબળની સાનુકુળ અસર ઓગસ્ટ -સપ્ટેમ્બર દરમિયાન પણ વરતાવી શરૃ થશે.ઉપરાંત, ઇન્ડિયન ઓશન ડાઇપોલ(આઇ.ઓ.ડી.)નું પરિબળ અને યુરોપમાં બરફનું પ્રમાણ વગેરે કુદરતી પરિબળો પણ ઘણાં ઘણાં સાનુકુળ બની રહ્યાં હોવાથી આ વરસે ભારતમાં લગભગ ૧૦૬ ટકા જેટલો ઘણો સારો વરસાદ વરસવાની પૂરી સંભાવના છે.
હાલના તબક્કે આ બધાં કુદરતી પરિબળો તીવ્રતાથી સાનુકુળ બની રહ્યાં હોવાથી વર્ષા ઋતુનો પ્રવાસ કેરળ,તામિલનાડુ,કર્ણાટક થઇને ગોવા અને મહારાષ્ટ્ર, ગુજરાત તરફ સરળ -સાનુકુળ રહે તેવી પૂરી સંભાવના છે.