ઓરંગાબાદનો જાયકવાડી ડેમ 16 વર્ષે ભરાયોઃ તમામ 27 દરવાજા ખોલાયા
- અછતગ્રસ્ત મરાઠવાડાનું જળસંકટ ટળ્યું
- પૈઠણ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાંઃ સેંકડો પરિવારોનું સ્થળાંતરઃ નાશિકમાં ઉપરવાસમાં વરસાદ પડતાં ગોદાવરીનાં જળસ્તરમાં વધારો
મરાઠવાડાની ઓળખ દુકાળગ્રસ્ત અને અછતગ્રસ્ત વિસ્તાર તરીકે થાય છે. પરંતુ આ વિસ્તારમાં પડેલા મુશળદાર વરસાદ તેમજ નાશિક બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગોદાવરી નદીમાં સતત છોડવામાં આવતા પાણીને લીધે ઔરંગાબાદ પાસેનો નાયકવાડી ડેમ છલકાવાને આરે પહોંચી ગયો હતો. પરિણામે ડેમના બધા જ ૨૭ દરવાજા ખોલી નાખવામાં આવતા પૈઠણ અને આજુબાજુના ગામોમાં પાણી ફરી વળ્યા હતા. પરિણામે સેંકડો પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
જાયકવાડી ડેમની ગણના એશિયાના મોટામાં મોટા માટીના ડેમમાં થાય છે. ગોદાવરી નદી પર ઔરંગાબાદ જિલ્લામાં બાંધવામાં આવેલો આ ડેમ સોળ વર્ષ પછી છલોછલ ભરાયો છે. આ ડેમના પાણીનો ઉપયોગ મુખ્યત્વે ખેતી માટે થતો હોવાથી મરાઠવાડાના ખેડૂતોએ માથેથી જળસંકટ ટળ્યું હોવાનો હાશકારો અનુભવ્યો હતો.
જિલ્લા પ્રશાસન તરફથી મળતી માહિતી મુજબ પૈઠણ તરફ નીચાણવાળા વિસ્તારમાં વસતા ૭૦૦થી વધુ પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ બધાને માટે લગ્નની વાડીઓ, સ્કૂલો અને હોલની અંદર તાત્પુર્તી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.