Get The App

હત્યા-ધાડના કેસોમાં પતાવટનો પ્રયાસ એ ન્યાયની ઠેકડીઃહાઈકોર્ટ

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
હત્યા-ધાડના કેસોમાં પતાવટનો પ્રયાસ એ ન્યાયની ઠેકડીઃહાઈકોર્ટ 1 - image


આરોપીના કહ્યા પ્રમાણે વર્તતી પોલીસની  પ્રમાણિકતા શંકાસ્પદ

આરોપી અને ફરિયાદી સમાધાન કરી  લેવાના હોવાથી તપાસ અટકી છે તેવી બદલાપુર પોલીસની રજૂઆતથી હાઈકોર્ટ નારાજ

મુંબઈ :  બદલાપુરમાં હત્યાનો પ્રયાસ અને ધાડના ગંભીર ગુનામાં પણ બદલાપુર પોલીસે જે ઉદાસીન અને બેપરવા રીતે તપાસ હાથ ધરી તે વિશે જાણી બોમ્બે હાઈકોર્ટ ભારે નારાજ થઈ હતી. આવા કેસોમાં પતાવટના પ્રયાસો એ ન્યાયની ઠેકડી છે એમ હાઈકોર્ટે જણાવ્યું હતું. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આ આ કેસમાં પોલીસ જે રીતે આરોપીના કહ્યા પ્રમાણે વર્તી રહી છે તે જોતાં તેની પ્રમાણિકતા વિશે શંકા જાય છે.

   જસ્ટિસ એ.એસ. ગડકરી તથા જસ્ટિસ નીલા ગોખલેની એક ડિવિઝન બેન્ચે ગઈ તા. ૨૩મી ઓગસ્ટે એક આદેશમાં જણાવ્યું હતું કે હત્યાનો પ્રયાસ તથા ધાડ દેવા ગુના એ સમાજની વિરુદ્ધના ગુના છે અને આ કેસમાં યોગ્ય તથા પૂરેપૂરી તપાસ થવી જ જોઈએ.

એક વ્યક્તિ તથા તેની માતા પર તલવાર તથા લોખંડના સળિયાથી હુમલો કરવાના કેસમાં હત્યાના  પ્રયાસ તથા ધાડ પાડવાની કલમો લાગુ પાડવા સામે બે  વ્યક્તિઓએ આ ગુના રદ કરાવવા માટે અરજી કરી હતી. તેની સુનાવણી દરમિયાન અદાલતે આ ટિપ્પણી કરી હતી. 

પોલીસે અદાલતને જણાવ્યું હતું કે આરોપીઓએ તેમને એક પત્ર પાઠવીને એમ કહ્યું છે કે તેઓ આ કેસના ફરિયાદીઓ સાથે પતાવટ કરી લેવા માગે છે. આથી, આ કેસની તપાસ અટકી પડી છે. 

પોલીસની આ રજૂઆત સાંભળીને હાઈકોર્ટને આંચકો લાગ્યો હતો. હાઈકોર્ટે કહ્યુ ંહતું કે આ તો ધાડ અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર બાબત છે. 

હાઈકોર્ટે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એમ જણાય છે કે આરોપીઓ સામે નોંધાયેલા ગુના બહુ જ ગંભીર પ્રકારના છે. કાયદામાં એવી સ્થાપિત ભૂમિકા છે કે આઈપીસી ૩૦૭ ( હત્યાનો પ્રયાસ) તથા આઈપીસી ૩૯૭ (ધાડ પાડવી) જેવા ગુના એ બૃહદ સમાજ વિરોધી ગુના છે. આથી આ કેસમાં ભલે સંબંધિત પક્ષકારો સમાધાનની વાતો કરતા હોય તો પણ તપાસ અધિકારીએ આ કેસની યોગ્ય અને પૂરેપૂરી તપાસ કરવી ફરજિયાત છે. 

બેન્ચે કહ્યું હતું કે હત્યાના પ્રયાસ  જેવા ગંભીર ગુનાની તપાસમાં પણ પોલીસ ભારે બેદરકારી અને ઉદાસીનતા દાખવી રહી હોવાનું આ વધુ એક ઉદાહરણ છે. 

અમારી દ્રષ્ટિએ આ કેસના તપાસ અધિકારી દ્વારા આ ફોજદારી ન્યાય પ્રણાલિની મજાક ઉડાવાઈ રહી છે. 

સરકારે ગંભીર ગુનાઓની તપાસ કરવી જ જોઈએ અને તે આવા ગંભીર ગુનાઓમાં મૂક પ્રેક્ષક બનીને રહી શકે નહિ કે પછી કોઈપણ કારણોસર પક્ષકારોના દોરવાયા દોરવાઈ જઈ શકે નહિ. 

અદાલતે કહ્યું હતું કે આ કેસમાં જે રીતે તપાસ હાથ ધરવામાં આવી છે તે પરથી પોલીસની પ્રમાણિકતા વિશે પૂરેપૂરો સંદેહ ઉપજે છે. એવું જણાય છે કે આ કેસના તપાસ અધિકારી તપાસ કરવા માટે ઈચ્છૂક નતી અને તેઓ આરોપીઓના દિશાનિર્દેશ પ્રમાણે વર્તી રહ્યા છે. 

આ હકીકતો જોતાં અમે થાણેના પોલીસ કમિશનરને આ બાબત ધ્યાને લેવા તથા આ સંબંધે એફિડેવિટ કરવા આદેશ આપીએ છીએ એમ હાઈકોર્ટે જણાવ્યું હતું. 

અદાલતે આ કેસમાં વધુ સુનાવણી તારીખ ૧૩મી સપ્ટેમ્બરે યોજવાનું ઠેરવી ત્યાં સુધીમાં એફિડેવિટ  ફાઈલ કરવા આદેશ આપ્યો હતો.



Google NewsGoogle News